પૃષ્ઠ:Yugavandana.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વિદાય
[ઢાળઃ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ]


અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે;
ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે
અમારાં નેન ઊનાં ઝંપતાં આરામ-ઝોલે.

બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં,
ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ છેલ્લા,
અમારે રોમ-રોમેથી વહ્યા'તા રક્તરેલા.

સમય નો'તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો'તો શિશુના ગાલ પણ પંપાળવાનો,
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો :
'ટપકતા આંસુને, ઓ મા ! સમજજો બાળ નાનો.'

અહોહો ! ક્યાં સુધી પાછળ અમારી આવતી'તી
વતનની પ્રીતડી ! મીઠે સ્વરે સમજાવતી'તી,
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી'તી,
વળો પાછા ! વદને વ્યર્થ વલવલતી જતી'તી.

બિરાદર નૌજવાં ! અમ રાહથી દૂર રેજે,
અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;
કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે’જે;
‘બિચારા' કહેશ ના – લાખો ભલે ધિક્કાર દેજે !

♣ યુગવંદના ♣
૧૮