પૃષ્ઠ:Yugavandana.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફૂલમાળ
[ઢાળઃ તોળી રાણી ! તમે રે ચંપો ને અમે કેળ્ય]


વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન,
રોપાણાં ત્રણ રૂખડાં હો...જી;
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી.

વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
ઇંધણ તોય ઓછાં પડ્યાં હો...જી;
વીરા મારા ! સતલજ નદીને તીર,
પિંજર પૂરાં નો બળ્યા હો.. જી.

વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો...જી ;
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
ઠારેલી ભલે ટાઢિયું હો.. જી.

વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
ઓરાણો તું તો આગમાં હો...જી ;
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
લાડકડા ! ખમા ખમા હો....જી.

વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ,
ધાવેલાં હજી ફોરતાં હો...જી;
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.

♣ યુગવંદના ♣
૨૨