પૃષ્ઠ:Yugavandana.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ ગાશે !
[છંદઃ સ્રગ્ધરા]


મા, તારી કોણ ગાશે
પલપલ ઇતિહાસે ભરી બારમાસી?
મેં તો શ્રદ્ધાવિહોણે
પ્રથમ મુહૂર્તે કીધી'તી ક્રૂર હાંસી :
આજે એ હાસ્ય મારાં
પૂજનફૂલ બની સર્વ પાછાં વળ્યાં છે;
આજે ગર્વ જનોનાં
મદછક વચનો અશ્રુધારે ગળ્યાં છે.
શી રીતે જાગિયો આ
અજગર સરખો સુપ્ત તોતિંગ દેશ?
કોની ફૂંકે રુઝાયા
દિલદિલ ભરિયા ક્લેશ-ધિક્કાર-દ્વેષ?
કોણે આ ભસ્મપુંજે
નવીન જીવનની ચેતના-છાંટ છાંટી?
મુર્દામાં પ્રાણ ફૂટ્યા :
મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી !
કોનાં વીરત્વ ગાવાં? –
ઘર ઘર થકી જે કેદખાને દટાયા?
– કે લાઠીને પ્રહાર
અણડગ રહિયા જે ધરી પુષ્પકાયા?
ગાઉં કોના પતિને ?
શત દુઃખ સહતી કોણ સહચારિણીને?
કોને ગાઉં ન ગાઉં –
અગણિત મહીંથી એકને તારવીને?

♣ યુગવંદના ♣
૨૪