પૃષ્ઠ:Yugavandana.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોનાં વીરત્વ ગાવાં?
નથી નથી નીરખ્યાં ખેતરો ભસ્મીભૂત;
દીઠાં ના ગામડાં, જ્યાં
અકથ પ્રલયલીલા રમ્યા કાળદૂત.
ભૂમિના બેટડાઓ !
શત શત સિતમો લ્હેરતી ઝીલનારા !
ત્રુટી - ફૂટી કવિતા
ક્યમ કરી કથશે શૌર્ય મૂંગાં તમારાં?
મા ! તેં રંગ રાખ્યોઃ
પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;
'બી ના ! બી ના !' પુકારી
નિજ શિશુજનને ભવ્ય પેગામ ભાખ્યો.
'તે સાધ્યું કાંઈયે ના !'
– કહી કદી અધીરો આપશે ક્રૂર મેણું ;
કે'જે પ્રત્યુત્તરે કે –
‘અભય બની પ્રજા : લૈશ હું સર્વ લેણું.'
જાગ્યો મારો વિરાટ :
અમીભર નયનો ઊઘડ્યાં – લોક જાગ્યો !
પૃથ્વીનું ઝેર પીને
અમર બની જતો, જો ત્રિપુરાર જાગ્યો !
જો, એની જાગૃતિને
સકળ જગપ્રજા ભવ્ય સન્માન આપે;
જો, એના વૈરીઓની
વિકલ ભ્રમદશા : બીકથી ગાત્ર કાંપે !
દૂર દૂર તથાપિ –
વિજય ગજવવાનું હજુ દૂર ટાણું,
પૂરું ઊગ્યું ન માનું
સકલભયહરા મુક્તિનું રમ્ય વ્હાણું.

♣ યુગવંદના ♣
૨૫