પૃષ્ઠ:Yugavandana.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ચોયદિશ યુદ્ધધખારા ઝરે,
પુષ્પ-શા માતબેટડા મરે;
મોજ શું સૂઝે તને મસાણ ?
આગ બિચ ક્યમ ગમતી ફૂલલ્હાણ ?
રસતરસ્યા ! એ મધુરજનીને આજ ન સંભારાય;
પ્રલયદેવનાં ડહકત ડમરુ, ત્યાં મુજ મનડું ધાય.
કંથનાં કોમળ દિલ ક્યમ કર્યાં!
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !

દેખી ઘનઘટા મોરલો ધાય,
ગગન કડકડે તેમ મલકાય;
વીજના વજ્રઘાત વરસન્ત,
પંખી ત્યમ અધિક મસ્ત હર્ષન્ત;
ઢેલડી એહ રૂપ પર ઝલે,
ટહુકતી પ્રણયવારણે લળે :
હુંય એ જ ટહુકાર અંતરે ભરી જોઉં છું વાટ;
રુદ્રરૂપ વહાલમજી, તારાં તલખું વરવા માટ!
કંથનાં કોમળ દિલ કાં કર્યાં !
પ્રભુ ! શીદ કાયર ભાવો ભર્યા !

♣ યુગવંદના ♣
૨૮