પૃષ્ઠ:Yugavandana.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શું થયું - ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ !

જગ મારશે મે'ણાં ન આવ્યો આત્મજ્ઞાની !
ના'વ્યો ગુમાની - પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

♣ યુગવંદના ♣
૩૫
.