પૃષ્ઠ:Yugavandana.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


માતા, તારો બેટડો આવે !
[ગોળમેજીમાંથી પાછા આવ્યા ત્યારે, ઢાળઃ ‘શિવાજીને નીંદરું ના'વે]


માતા ! તારો બેટડો આવે :
આશાહીન એકલો આવે.
જો જો ! મારો બેટડો આવે :
સંદેશાઓ ખેપિયા લાવે.

જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
આવો કોઈ માનવી આવે ?
ભેળાં કાળ-નોતરાં લાવે. — માતા૦

સૂતો રે હોય તો જાગજે, સાયર ! ઘેર આવે પ્રાણાધાર,
હૈયે તારે બાંધ હિંડોળા :
મોભી મારો ખાય છે ઝોલા. — માતા૦

ધૂળરોળાણા એ મુખ માથે, વીરા છાંટજે શીતળ છોળ,
પ્રેમેથી પાહુલિયા ધોજે !
આછે આછે વાયરે લ્હોજે ! — માતા૦

તારા જેવાં એના આતમનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
ત્યાંયે આજે આગ લાગી છે :
ધુંવાધાર તોપ દાગી છે. — માતા૦

સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
ઠાલાં નવ ઢોળશો પાણી !
ના ના એની વેદના નાની. — માતા૦

કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ !
એવી ક્રોડ આપદા ઘીકે,
છાની એની છાતડી નીચે. — માતાજી

♣ યુગવંદના ♣
૩૬