પૃષ્ઠ:Yugavandana.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ !
વાવાઝોડાં કાળના વાશે,
તે દી તારી વાટ જોવાશે. – માતા૦
 
કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
ખંડે ખંડે બોળશે લાવા :
ભૂકમ્પોના ગાજશે પાવા. – માતા૦

'ધાઓ ધાઓ, ધેનુપાળ !' તેવા તે દી ઊઠશે હાહાકાર,
શાદુળા ને સાંઢ માતેલા
ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. – માતા૦

ભાઈ વિદેશીડા ! વિનવું રે – એને રોકશો મા ઝાઝી વાર;
બેઠી હું તો દીવડો બાળું :
ક્યારે એના ગાલ પંપાળું ! – માતા૦

તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો'ય હિસાબ;
બેટા ! તારી ખાકની ઝોળી
માતા કેરે મન અમોલી. – માતા૦

♣ યુગવંદના ♣
૩૮