પૃષ્ઠ:Yugavandana.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યા વનવાસ જી :
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
— સો સો રે સલામુંo

સમર્થોની સત્તા સંતો, ધુતારાની ધૂતણબાજી,
કુડિયા ગુરુની કૈં કૈં કરામત જી :
એની[૧] તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
ભાંડું કરે રગતે રંગી ભલી ભાત જી.
— સો સો રે સલામુંo

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજાઓ કેરે ક્યારે સિંચાણાં હો...જી :
રુદામાં સમાવી સરવે રુદનપિયાલા, વા'લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
— સો સો રે સલામુંo

રથના સારથિડા – સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી :
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો...જી.
— સો સો રે સલામુંo

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જી :
સતને ત્રાજવડે[૨] મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદડે હો...જી.
— સો સો રે સલામુંo



  1. ૧. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે – એ ભાવાર્થ.
  2. ૨. મહાત્માજીના શબ્દો: ‘આઈ હેવ લેઇડ ડાઉન માય લાઇફ ઇન ધ સ્કેઈલ્સ ઑફ જસ્ટિસ'.
♣ યુગવંદના ♣
૪૦