પૃષ્ઠ:Yugavandana.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઝંડાવંદન


તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં –
ઝંડા ! અજર અમર રે'જે !
વધ વધ આકાશે જાજે.

તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;
તારે ભાલ નથી આલેખ્યાં સમશિર-ખંજર-છૂરી ચ્
ઝંડા ! દીન કબૂતર-શો
ઉરે તુજ રેંટીડો રમતો.

જગ આખા પર આણ ગજવતી ત્રિશૂલવતી જળરાણી;
મહારાજ્યોના મદ પ્રબોધતી નથી તુજ ગર્વ નિશાની —
ઝંડા ! ગભરુ સંતોષી
વસે તુજ હૈયામાં ડોશી.

નહિ કિનખાબ-મુખમ્મલ-મશરૂ કરી તારી પતાકા;
નહિ જરિયાની હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા –
ઝંડા ! ભૂખરવો તોયે,
દિલો કોટિ તુજ પર મોહે !

પરભક્ષી ભૂતળનૌદળના નથી તુજ ધ્વજફફડાટા;
વનરમતાં નિર્બલ મૃગલાં પર નથી નથી શેરહુંકારા –
ઝંડા ! ઊડજે લહેરાતો :
વ્હાલના વીંજણલા વાતો.

સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે;
ખંડખંડની આશિષછોળો ઉદધિતરંગો છાંટે –
ઝંડા ! થાકેલા જગનો
દીસે છે તું આશાદીવડો.

♣ યુગવંદના ♣
૪૨