પૃષ્ઠ:Yugavandana.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નીલ ગગનથી હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતો :
પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો –
ઝંડા ! કરજે જગતેડાં :
પ્રજા સઘળીના અહીં મેળા.

નીલ ગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી,
અરુણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી –
ઝંડા ! શશી-દેવે સીંચી,
ત્રિલોચન ! ધવલ આંખ ત્રીજી.

એ ત્રણ આંખ ભરી તેં દીઠાં તુજ ગૌરવ-રખવાળાં;
શ્રીફળના ગોટા સમ ફૂટ્યાં ફટફટ શીષ સુંવાળાં –
ઝંડા ! સાહિદ રહેજે, હો !
અમારા મૂંગા ભોગ તણો.

કુમળાં બાળ, કિશોર, બુઝર્ગો – સહુ તુજ કાજે ધાયાં,
નર-નારી નિર્ધન-ધનવંતો – એ સબ ભેદ ભુલાયા,
ઝંડા ! સાહિદ રહેજે, હો !
રૂધિરનાં બિન્દુ બિન્દુ તણો.

કો' માતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો;
કપાળનાં કંકુડાં હારી તેને પણ બળ દેતો –
ઝંડા ! સાહિદ રહેજે, હો !
હજારો છાનાં સ્વાર્પણનો.

તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં;
તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ-તરસ વીસરિયાં –
ઝંડા ! કામણ શાં કરિયાં !
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં.

♣ યુગવંદના ♣
૪૩