પૃષ્ઠ:Yugavandana.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



આજ સુધી અમ અવળી ભક્તિઃ જૂઠા ધ્વજ પર ધાયાં;
રક્તપિપાસુ રાજકુલોના નેજા કાજ કપાયાં –
ઝંડા! નિમકહલાલીનું
હતું એ કૂડ-બિરદ જૂનું.

પંથ પંથ ને દેવ દેવની પૂજી ધજા નિરાળી;
એ પૂજન પર શીષ કપાવ્યાં : હાય ! કથા એ કાળી –
ઝંડા ! વીત્યા યુગ એવા,
સકલ વંદનનો તું દેવા.

તું સાચું અમ કલ્પતરુવર: મુક્તિફળ તુજ ડાળે;
તારી શીત સુગંધ નથી કો' માનસ-સરની પાળે –
ઝંડા ! જુગ જુગ પાંગરજે;
સુગંધી ભૂતલ પર ભરજે !

રાષ્ટ્ર-દેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરુકે;
સબ ધર્મોના એ રક્ષકને સંતનૃપાલો ઝૂકે –
ઝંડા ! આજ ન જે નમશે,
કાલ તુજ ધૂલિ શિર ધરશે !

આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે, ઉમંગી !
સાવધ રહેજે, પહેરો દેજે, અમે ન રહીએ ઊંધી —
ઝંડા ! સ્વરાજ્યના મંત્રી !
રહો તુજ ઝાલર રણઝણતી !

♣ યુગવંદના ♣
૪૪