પૃષ્ઠ:Yugavandana.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઝંખના
[ઢાળ: મારા કેસરભીના કંથ હો]


મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય :
મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય.

જંપે જરી રોતાં લોચનિયાં ત્યાં
ઝબકીને જાગી જવાય;
આઘે આઘે આછા યુગનર કેરા
પડછાયા પથરાય રે :
મહાવીર દૂરે દરશાય. — મારી૦

આભ લગી એનાં મસ્તક ઊંચાં ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે :
ફોડી જીવનરૂંધણ પાળ. — મારી૦

ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળતી ચાલી જાય;
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે :
એનાં બંધન કયારે કપાય ! – મારી૦

ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે
અણભીંજલ ઊભાં છે તીર. — મારી૦

♣ યુગવંદના ♣
૪૫