પૃષ્ઠ:Yugavandana.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન
[પાંચમી આવૃત્તિ]

વીસ વરસે આ પુસ્તક પાંચમી આવૃત્તિમાં પ્રવેશે છે ત્યારે તેનાં કેટલાંક ગીતોના ભાવને રેખાઓમાં અંકિત કરવા મથતા શ્રી પ્રદ્યુમ્ન તન્નાનાં ચિત્રો આમાં ઉમેરાયાં છે.


[ચોથી આવૃત્તિ]

અન્ય કયાંય ગ્રંથસ્થ નહિ થયેલાં કવિનાં ત્રણ કાવ્યો અહીં છેડે ઉમેર્યાં છે. એમાંનું ત્રીજું સાવ અપ્રગટ જ હતું.

૧૯૫૦

[ત્રીજી આવૃત્તિ]

પ્રકાશકોની મુશ્કેલીઓને કારણે આ આવૃત્તિ કરવામાં ઘણો વિલંબ થયો છે.

‘ઝંડાવંદન’ ગીતનો ગદ્યાર્થ આમાંથી કાઢી નાખ્યો છે.

રવીન્દ્રનાં કાવ્યોના આ પુસ્તકમાંના અનુવાદો ‘રવીન્દ્ર-વીણા'માં મૂક્યા હોવાથી આ સંગ્રહમાંથી એ બાદ દેવાનો વિચાર કરેલો, પણ 'યુગવંદના'નું સમગ્રપણે જે વ્યક્તિત્વ ઘણાં વરસોથી બંધાઈ ચૂકેલ છે તેને કોઈ પણ કૃતિ કાઢી નાખવાથી હાનિ પહોંચશે એવું લાગવાથી મજકુર કૃતિઓ પણ શામિલ રાખી છે.

મુંબઈ : ૪-૬-'૪૬
ઝ૦ મે૦
 
[ત્રીજી આવૃત્તિ]

'યુગવંદના'નાં કાવ્યોનું મૂલ્યાંકને એક કરતાં વધુ વિવેચકોએ કર્યું છે. મુંબઈ યુનિવર્સિટી તેમ જ કર્વે યુનિવર્સિટીના ઉચ્ચ વર્ગોમાં આ સંગ્રહ પાઠ્યપુસ્તક બનેલ તેને પરિણામે વિદ્યાર્થીઓને તો ગેરલાભ થયો હોય તે ખરો, મને લાભ મળ્યો છે – એક કરતાં વધુ અધ્યાપકોની વિદ્વત્તાભરી કલમની કસોટીએ ચડવાનો; ને હું અહીં કહી શકું છું કે આ સર્વ વિવેચનમાં મારી પ્રત્યેની સહાનુભૂતિ સિંચાઈ છે, અને મારી કવિતાનું નમ્ર સ્થાન સુયોગ્યપણે નક્કી થયું છે. એની ત્રુટીઓ બતાવવામાં કોઈએ કશો જ ભય સંકોચ સેવ્યો નથી. એ તમામ વિવેચકોનો હું ઋણી છું. માત્ર 'વૈશાખી દાવાનલ' જેવી કોઈ કોઈ કવિતાની નરી કટાક્ષાત્મક વક્રતાનો ઉઠાવ મારાથી બરાબર નહિ કરી શકાયો હોય તે કારણે જ કેટલાક વિવેચકોએ એને કવિની પોતાની જ ગંભીર ભયાનક ઈચ્છારૂપે ઘટાવ્યું લાગે છે.

6