પૃષ્ઠ:Yugavandana.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઓતરાદા વાયરા, ઊઠો !


ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે –
ઓતરાદા વાયરા, ઊઠો !
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
ઓતરાદા વાયરા, ઊઠો !

ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે
હાકલ દેતા, હો વીર, ઊઠો !
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો ! –
ઓતરાદા વાયરા, ઊઠો !

ધરતીના દેહ પર ચડિયા છે પુંજ પુંજ
સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ :
ઝંઝાના વીર, તમે ઊઠો !
ઓતરાદા વાયરા, ઊઠો !

કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ !
કરમાતી કળીઓને ચૂંટો;
થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડા :
ચોર-ધાડપાડ ભલે લૂંટો ! –
ઓતરાદા વાયરા, ઊઠો !

છો ને છૂંદાય મારી કૂણેરી કૂંપળો :
સૂસવતી શીત લઈ છૂટો;
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,
ચીરો ચમકાટ એનો જૂઠો ! –
તરાદા વાયરા, ઊઠો !

♣ યુગવંદના ♣
૪૭