પૃષ્ઠ:Yugavandana.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘણ રે બોલે ને –
[ઢાળ : ભજનનો]

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જી :
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો...જી.

એ જી સાંભળે વેદનાની વાત –
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો...જી.
બહુ દિન ઘડી રે તવલાર,
ઘડી કાંઈ તોપું ને મનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહાર :
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને૦

પોકારે પૃથ્વીનાં કણ કણ કારમાં હો...જી.
પોકારે પાણીડાં પારાવારનાં હો...જી.
જળ-થળ પોકારે થરથરી :
કબરુંની જગ્યા રહી નવ જરી;
ભીંસોભીંસ ખાંભીઉં ખૂબ ભરી,
હાય, તોય તોપું રહી નવ ચરી:
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને૦

ભઠ્ઠિયું જલે રે બળતા પો'રની હો...જી.
ધમણ્યું ધમે રે ધખતા પો'રની હો...જી.
ખન ખન અંગારે ઓરાણા,
કસબી ને કારીગર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા –
તોય પૂરા રોટા નવ શેકાણાઃ
હો એરણ બેની – ઘણ રે બોલે ને૦

♣ યુગવંદના ♣
૫૧