પૃષ્ઠ:Yugavandana.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હથોડા પડે રે આજ જેના હાથના હો...જી.
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો....જી.
સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો :
બાળ મારાં માગે અન કેરી દેગ;
દેવે કોણ – દાતરડું કે તેગ ?
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને૦

આજુથી નવેલાં ઘડતર માંડવાં હો...જી :
ખડગખાંડાંને કણ કણ ખાંડવાં હો...જી.
ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ !
ઝીણી રૂડી દાતરડીના રાજ,
આજ ખંડખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય ?
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને૦

ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો...જી.
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો.. જી.
ભાઈ મારા ! ગાળીને તોપગોળા,
ઘડો સુઈ-મોચીના સંચ બો'ળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ-તંબૂરાના તારો :
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને૦

ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો..જી :
પાવળડો ઘડો, હો છોરુડાંનાં દૂધનાં હો.. જી.
ભાઈ મારા લુવારી ! ભડ રે'જે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે;
ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં :
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને૦

♣ યુગવંદના ♣
૫૨