પૃષ્ઠ:Yugavandana.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીઠી સાંતાલની નારી


દીઠી સાંતાલની નારી – રે આજ દીઠી સાંતાલની નારી;
શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી.

માથે માંડેલ છે માટીની સૂંડલી :
ઘાટીલા હાથમાં થોડી થોડી બંગડી :
પાતળિયા દેહ પર વીંટેલી ચૂંદડી :
કાયાની કાંબડી કાળી:
કેશુડા રંગના ભડકા લ્હેરાવતી લાલ લાલ કોરની સાડી;
શીમુળના ઝાડ હેઠ સબકારે ચાલતી દીઠી સાંતાલની નારી.

આષાઢી મેઘ અને થોડી-શી વીજળી
લઈને બેઠેલ હશે બ્રહ્મા:
ભુલકણા દેવ, તમે પંખીડું વિસરી
ઘડી કેમ માનવની કન્યા !
પાંખોની જોડ એના હૈયામાં સંઘરી સરજી સાંતાલની નારી;
ઊડું ઊડું હીંડતી હલકે વિદ્યાધરી દીઠી સાંતાલની નારી.

દખણાદા વાયરાની કો'ક કો'ક લેરખી
વહી જાતી શીતને ધખાવે;
સૂકેલાં પાંદ અને ધૂળ તણી આંધીઓ
મરુતોની મોજને ચગાવે :
શાળાનો ઘંટ થાય, દૂર દૂર વહી જાય પાવા બજાવતી ગાડી;
એવા પરભાતને પોરે મેં એક દી દીઠી સાંતાલની નારી.

પેલું બંધાય મારું માટીનું ખોરડું :
શીતળ, નાજુક ને સુંવાળું
મેલને ઝરૂખે હું બેસીને કોડભર્યો
મજૂરોની મેદિની નિહાળું

♣ યુગવંદના ♣
૫૩