પૃષ્ઠ:Yugavandana.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કે હું એક જ હતભાગણી !
મારો દીઠો તેં દોષ —
સાંજલ તારા ! બાંધવ તારા !

કે આઘાં ખેતર ખેડતો
મારો ખેડુ ક્યાં રોકાય? —
સાંજલ તારા ! સોનલ તારા !

કે હળજૂત્યા મુજ વાછડાઃ
ક્યમ હજી ન ભાળું ખેપ? —
સાંજલ તારા ! દેવલ તારા !

કે બાળપણેથી જોતર્યાં :
મને ડૂકી ગયાની બીક —
સાંજલ તારા ! હીરલ તારા !

*


કે દૂબળડા એ હાથની
નવ દેખું રમતી રાશ —
સાંજલ તારા ! તેજલ તારા !

કે થાકીપાકી જીભના
નવ ડચકારા સંભળાય —
સાંજલ તારા ! સુખિયા તારા !

કે ભૂખ્યા પગની ડાંફ ભરતો
નવ ભાળું ભરથાર —
સાંજલ તારા ! બાંધવ તારા !

કે વરસ બધું રળવું છતાં
નવ અધઘડીના વિશ્રામ —
સાંજલ તારા ! ટમટમ તારા !

*
♣ યુગવંદના ♣
૫૬