પૃષ્ઠ:Yugavandana.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કોદાળીવાળો


વળેલો, કેડ્ય ભાંગેલો, સૈકાના દુઃખભારથી;
ઊભો છે ટેકવી કાયા, કોદાળી કરમાં લઈ.

ઊંડા ડોળા ધગ ધગ થતી ભોંયમાં શું જુએ છે !
મોઢે એને શત યુગ તણી શૂન્યતા ઘૂઘવે છે.
ગાલે ચીરા : નયન ફરતી દાઝ કાળી પડેલી;
સૈકાઓના સિતમઢગલે કેડ્ય વાંકી વળેલી.

વ્યર્થ એને હસાવો ના ! હસી એ શકશે નહિ,
નથી એને રહ્યાં આંસુ, રડી એ શકશે નહિ.

કોણે એને હૃદય કચર્યાં હાસ્ય ને અશ્રુ બેઉ ?
કોણે એને જડ બળદનો મૂઢ બંધુ બનાવ્યો ?
કોણ એનું કઠણ જડબું હચમચી ખેડવેલું !
બુદ્ધિ કેરો વિમલ દીવડો, હાય, કોણે બુઝાવ્યો !

સાતે સિંધુ તણી પાળે સામ્રાજ્યો ચણનાર ઓ !
પ્રભુએ શું ઘડી દીધા આ સૌ માનવ-પથ્થરો !

‘બાંધી એની શબ-નિસરણી શોધજો આભ-તારા !
'સીંચી એની રુધિર-ઝરણી રોપજો ગર્વ-ક્યારા !
'એની પીઠ ખડકી ખડકી તપ-સૈન્યો-જહાજો !
‘જીતો પૃથ્વી ! કતલ ચલવો !' બોલ એ શું પ્રભુનો?

આકાશોની અટારીથી દોજખી તળિયા લગી;
નિહાળો : કો નથી સૃષ્ટિ વધુ ભીષણ આ થકી.

ભૂખ્યા એના જઠર મહીં દેવતા-માત્ર બિન્દુ:
ત્યાંથી થોડે દિન પ્રગટશે વિશ્વવ્યાપી હુતાશ;
એ આંખોનાં અતલ ગરતે છૂપિયા સપ્ત સિંધુ,
જેની છોળે ગગનરમતા મ્હેલ હોશે વિનાશ.

♣ યુગવંદના ♣
૫૮