પૃષ્ઠ:Yugavandana.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રધાન સ્થાને છે, એટલે આ યુગને જ અર્પણ થયેલ અંજલિથી અધિક મહિમાને એ ન માગી શકે તેવાં છે. આ ચિત્રની કલ્પના મારી છે. આ યુગના જાજરમાન આત્મદેવની સન્મુખ બેસી એક નાનકડો ગાયક પોતાના સૂરો બાલભાવે સંભળાવી રહ્યો છે, ને એમ કરવા જતાં યુગદેવતાના મહાદેવની ને પોતાની અલ્પતાની વચ્ચે રહેલ પરિમાણભેદને પોતે વીસરતો નથી. ગાયકનું વાદ્ય એકતારો છે, કેમ કે એ તો ગાય છે લોકવાણીમાં અને લોકસરે નાનામોટા સર્વ કોઈ ગાયકો ઉપર સદા પ્રસન્ન રહેતા યુગદેવ આ ગાયકને આશીર્વાદ આપે – એ પણ મારો સૂચવેલ ભાવ.

આ કલ્પનાને સુંદર ન્યાય આપનાર કલાકારે થોડીક અધિકતા ફરે છે : યુગેશ્વરના મોં પરના સુકોમલ મલકાટમાં એણે આછી રમૂજનીય રેખાઓ આંકી નાખી છે. એને તો ખ્યાલ પણ નહિ હોય કે એ સ્વયંસ્ફરિત રેખામાં કેટલું બધું સત્ય એણે ઉતારી આપ્યું છે. હજારોનાં મિથ્યાભિમાનોને પિતૃભાવે સહી લેતું એ વક્ર હાસ્ય જાણે બોલ્યા વગર બોલે છે : ‘તુંયે, અલ્યા, કવો કે !'.

ઝવેરચંદ મેઘાણી
 
8