પૃષ્ઠ:Yugavandana.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વૈશાખી દાવાનલ આવો !


વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર !

રંકોનાં બાળ હજુ થોડી થોડી છાયા
ગોતી ગોતીને રહ્યાં રક્ષી નિજ કાયા :
ધરતી નાની ને જનો જાય ઊભરાયાં.

સાત નવા સૂરજ બોલાવો, દિલદાર !
પાંચ પાંદ ઝાડનાં જલાવો, દિલદાર !
સહરા – બસ, સહરા પથરાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !

ક્રોડો કંગાલ હજુ કેમ કરી જીવે !
અરધી રોટી – ને ઉપર પાણી ઘૂંટ પીવે !
શીતળ રાતોમાં સુખે ભોંય પડી સૂવે !

રાત્રિની ઠંડક સળગાવો, દિલદાર !
લાવાની નદીઓ રેલાવો, દિલદાર !
ભૂકમ્પે ડુંગર ડોલાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !

હજુયે બેકાર નાર શિરે સાળુ નાખે !
ધાવંતા બેટડાને પાલવડે ઢાંકે !
થીગડથાગડ કરીને દેહ-લાજ રાખે !

ક્યાંથી આ ફાજલ ટુકડાઓ, દિલદાર !
ફાજલ સબ સાયબી જલાવો, દિલદાર !
વંટોળા-આંધી ફરકાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !

♣ યુગવંદના ♣
૬૬