પૃષ્ઠ:Yugavandana.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કાલ જાગે !


જાગો જગના ક્ષુધાર્ત ! જાગો, દુર્બલ-અશક્ત !
ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે;
ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ !
નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે.
પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય,
રક્તે ધોવાય; જાલિમોનાં દળ ભાંગે,
જાગો, જુગના ગુલામ ! દેખાયે દિવ્ય ધામ :
ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે.

નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસનધાર કૃપાલ,
પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ;
માનવસંતાન સર્વ મોડી ગર્વીના ગર્વ,
મુક્તિને પર્વ મેળ મનના મેળવીએ.
લૂંટણહારાની લૂંટ, લેશું આવાર ખૂંટ,
કૂટ કૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે,
જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ,
ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે.

સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ,
ભોળાં કંગાલ કાજ ફાંસલા પસારે;
ધનિકો હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત
સત્તાના ભક્ત આજ શોષે કરભારે.
બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નીર્વીર્ય થયાં,
બંધુત્વે વા પ્રાણ નવરચના માગે;
જાગો, જાગો, ગુલામ ! આવી પહોંચ્યાં મુકામઃ

♣ યુગવંદના ♣
૬૮