પૃષ્ઠ:Yugavandana.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વિરાટ-દર્શન
[છંદ : ચારણી ચરચરી]


બાજે ડમરુ દિગન્ત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ ! ચડી ઘોર આંધી :
દેશદેશથી લોક, નરનારી થોકે થોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.
વિધવિધ વાણીને વેશઃ વિધવિધ રંગો ને કેશ !
તોયે નવ દ્વેષ લેશ દાખવતાં આવે;
દેતાં ડગ એકતાલ, નિર્ભયતાની મશાલ
લઈને કંગાલ કેરી સેના આવે.
દેખો ! રે કાલ કેરી સેના આવે.

ગરજે નવલાં નિશાનઃ નવલાં મુક્તિનાં ગાન :
ફરકે ધ્વજ આસમાન સિંદૂરભીંજ્યો;
ઊભાં સબ રાષ્ટ્ર દેખ, થરથર પૂજે હરેક :
કંકુબોળેલ એ કહે જી કોણ નેજો ?
ગગને દેતા હુંકાટ, ઝલમલ જ્યોતિ લલાટ.
વદ, હો બંધુ વિરાટ ! ક્યાં થકી તું આવે ?
માનવજાતિને કાજ આશાવંતા અવાજ.
શા શા સંદેશ આજ તુજ સંગે લાવે?
રંકોનાં લાખ લાખ દળ-વાદળ આવે.


[સંઘગાન]

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં,
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*
♣ યુગવંદના ♣
૭૮