પૃષ્ઠ:Yugavandana.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



હાય, એ સહુ આશા અમારી સૂતી હત્યાપથારી,
એને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં;
નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ,
માનવમુક્તિને કાજ રંકસૈન્ય આવ્યાં.
જો જો, કંગાલ તણાં દળ-વાદળ આવ્યાં.
અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*

હવે કંપો રે, ઓ કૃપાલ ! કંપો, અમ રક્ષપાલ !
પરની રોટીના ભક્ષનાર, તમે કંપો !
છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ,
આવે લંગોટધારી સૈન્ય : હવે કંપો !
માનવ આત્માની માંહી જુગજુગની જે છુપાઈ
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા:
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર ,
અકલંક્તિ ને અહિંસ્ર : એ અમારી આશા.
આખર એની જ જીતઃ સમજી લેજો ખચીત;
ભાગો, ભયભીત જાલિમો ! વિરાટ આવે,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે.
દેખ ! દેખ ! કાલનાં અપાર કટક આવે.

♣ યુગવંદના ♣
૮૦