પૃષ્ઠ:Yugavandana.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



બીડીઓ વાળનારીનું ગીત


બીડીઓ વાળો ! બીડીઓ વાળો ! બીડીઓ વાળો ...રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે !
બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!

કંથ કોડીલા ડેલીએ બેઠા,
વાડીઓ વેચી બાંધતા રેટા,
લાલ કસુંબે લેટંલેટાં પાડતા લાળો...રે !
આવશે ખાવા, માગશે થાળી, કાઢશે ગાળો...રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે !

ભૂખ લાગી છે – બીડીઓ વાળો!
ઊંઘ આવે છે – બીડીઓ વાળો !
આંખમાં લાગી અગન-ઝાળો : બીડીઓ વાળો...રે !
પાછલી રાતે, પો'ર દી થાતે, બીડીઓ વાળો...રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે !

મેલવા વા'લાં બાળક રોતાં,
તાવ આવે તો મૂકવાં પોતાં,
નાકનાં પાણી લ્હોતાં લ્હોતાં બીડીઓ વાળો...રે !
કંથને જોશે પાન-સોપારી, બીડીઓ વાળો...રે !
નિરાધાર, બીડીઓ વાળી...રે !

મીઠાં મીઠાં ઝોલાં આવે..
પાંદડાં જડદો ગાવડી ચાવે,
વાણિયો કાંટોકાંટ તોળાવેઃ બીડીઓ વાળો...રે!
ઓછું થતાં, દામ કપાતાં બીડીઓ વાળો.... રે !
નિરાધાર, બીડીઓ વાળો.રે !.

રાજનું છોરુ, રાજની જોરુ,
કેમ કરી હું ઓઝલ ખોલું?

♣ યુગવંદના ♣
૮૧