પૃષ્ઠ:Yugavandana.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઓરડો ઓઢી અંગ સંતાડું, બીડીઓ વાળો...રે !
સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે !

આજ અજવાળી રાત રૂમઝૂમતી,
કંકુડી કોળ રાસડે રમતી,
હું જાગું છું બીડીઓ વણતી : બીડીઓ વાળો....રે !
અન્ન વસ્તર ને આબરૂ સાટુ બીડીઓ વાળો... રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે !

પાંદડાં કાપું – આવતી નીંદર,
આંગળી વાઢે ઊંઘમાં કાતર,
ટેરવાં તૂટે વટતાં સૂતર : બીડીઓ વાળો.... રે !
હાંફતી છાતી, ખાંસીઓ ખાતી, બીડીઓ વાળો....રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે !

શેઠિયો સૂતરફેણી લાવે,
પાનનાં બીડાં પાતર ચાવે,
લોહીના બળખા મારે આવે : બીડીઓ વાળો... રે !
છાતીએ ચાંપી શેકના ગોટા, બીડીઓ વાળો...રે !
નિરાધાર, બીડીઓ વાળો...રે!

આજ દુનિયાને હાટડે દેખો,
મોંધા ગાંજા, ભાંગ ને સૂકો:
સોંઘો સ્ત્રીના દેહનો ભૂકો : બીડીઓ વાળો...રે !
જીવતાં જનનાં શોણિત સોંઘાં : બીડીઓ વાળો....રે !
બીડીઓ વાળો ! બીડીઓ વાળો ! બીડીઓ વાળો..... રે !
બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો....રે !

♣ યુગવંદના ♣
૮૨