લખાણ પર જાઓ

પ્રભુ પધાર્યા/'ઢો ભમા!'

વિકિસ્રોતમાંથી
← તઘુલાનો ઉત્સવ પ્રભુ પધાર્યા
'ઢો ભમા!'
ઝવેરચંદ મેઘાણી
વધુ ઓળખાણ →


'ઢો-ભમા!'

પીમના ગામમાં આ તઘુલાનો ઉત્સવ ચાલુ રહ્યો. વરુણદેવે હજુ જવાબ વાળ્યો નહોતો. વૈશાખ-જેઠના વાયદાની હજુ એણે સાખ પૂરી નહોતી. એકાદ વૃષ્ટિ, એકાદ ઝાપટું, એકાદ આછેરી ઝરમર પણ આકાશ ન વરસાવે ત્યાં સુધી એણે વર્ષની આબાદીનો કોલ આપ્યો ન ગણાય. વૃદ્ધો અને ફુંગીઓ (બર્મી ધર્મગુરુઓ) ફયા (મંદિરો)માં અને ચાંઉ(મઠો)માં માળા લઈ ભૂખ્યા તરસ્યા, વરુણને આરાધવા બેઠા હતા, અને તરુણ પ્રજા ભૂખ તરસને ભૂલી જઈ જળબંબાકાર કરી રહી હતી.

આખરે ઇન્દ્રે (તઝાંમીએ) પૃથ્વીને કોલ આપ્યો. ધરતીને ખભે એક આછેરા મલમલિયા મેઘનો પવા (દુપટ્ટો) પહેરાવીને વરુણે નવા વર્ષનો નેહ જાહેર કર્યો. એટલે એ છેલ્લે દિવસે બ્રહ્મી ઘેરૈયા અને ઘેરૈયાણીઓ, સ્ત્રીઓ ને પુરુષો, શહેર બહારના તળાવ પર ગયાં. ખાવા કે પીવાનું તેમને ભાન નહોતું. ભીનાં વસ્ત્રો બદલવાની વેળા નહોતી. યુવાન બ્રહ્મદેશીઓ જળનાં જ જીવડાં બન્યાં હતાં. પાણી ખાનારો પાણીદાર ઠરતો. છેલ્લી સાંજના એ જળમેળામાં રાંધેલા ચાવલ વેચાતા લઈ લઈને જરા ટકાવ મેળવતાં જુવાનિયાં ફરી પાછાં પાણીએ રમવામાં પાગલ બન્યાં. વળતે દિવસે ઘેરૈયાના ઘેર 'ઇરાપો' ગાતા બજાવતા ગામ ભણી પાછા વળ્યા. તેમાંનાં કંઇકનાં શરીર શીતે થરથરતાં હતાં. ગૌર કાંતિ ઝાંખી પડી હતી. સ્ત્રીઓનાં માથાં ટપકતાં હતાં, છતાં વાળની લટેલટ ઓળી લઈને માથાના બ્રહ્મરંધ્ર ઉપર છત્રીઘાટે સજેલા અંબોડા અણીચૂક આબાદ હતા - અને તેમાં પઢાઉનાં નાનાં પીળાં પુષ્પો નવેસર મઢાયાં હતાં. પાણી અને પુષ્પોનો ઉત્સવ ચોથા દિવસની સંધ્યાએ પૂરો થયો.

બીજા દિવસે આ ગામના તઘુલાનાં શાંત શીતળ વાતાવરણને છિન્નવિચ્છિન્ન કરી નાખનાર એક ઓર તરેહની કિકિયારી સંભળાણી:

"ઢો ભમા ઇંજીલા ! ઢો ભમા ઇંજીલા ! ઢો ભમા ઇંજીલા ! "

રેશમી રંગબેરંગી લુંગીને બદલે સફેદ હાફ-પેન્ટ અને શર્ટમાં સજ્જ થયેલ એક વિરાટ વિકરાળ યુવક-સમૂહ હૂકળતો ઉછળતો માર્ગેથી પસાર થતો હતો. એ પ્રત્યેક હાકમાં રણહાકનો રણકાર હતો. એ રણહાક પોતે જ કંગાળને ક્રોધિત અને શાંતને રૌદ્રરૂપ આપનારી હતી. બોલનારાઓની આંખોના ડોળા બેઉ બાજુનાં મકાનો સામે જોઈ જોઈ લાલ લાલ પોપચાં ને પાંપણો વચ્ચે ઘૂમતા હતા.

એની આગળ ચાલતા યુવાનો માંહેનો એક તો બળતા કોયલાના અંગારની સાક્ષાત્ માનવમૂર્તિ હતો.

"આ વળી શું રોનક?" ડૉ. નૌતમ બીધા.

"એ છે તખીન પાર્ટી નામનો આંહીંનો સ્વાધીન બ્રહ્મદેશવાળો રાજદ્વારી પક્ષ. કહે છે 'ઢો ભમા : અમે બ્રહ્મદેશીઓ, અમે બ્રહ્મદેશીઓ ! બ્રહ્મદેશ અમારો છે, અન્ય કોઈનો નથી.' એમને બ્રહ્મદેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઇએ છે." રતુભાઈએ કહ્યું.

"આપણી વિરુદ્ધ છે!"

"આપણો ઇન્કિલાબ ઝિંદાબાદ જેટલા અંશે પરદેશીઓની વિરુદ્ધ છે તેટલા અંશે. આપણે જે કાંઈ બથાવી બેઠા છીએ તે એ છોડાવવા માગે છે. મદ્રાસી ચેટ્ટીઓ જમીનો દબાવી બેઠા છે. ગુજરાતી અને મારવાડીઓ ચાવલની મિલો પચાવી પડેલ છે. પંજાબીઓ વગેરે એનાં લાકડાનાં જંગલોના ધણી થયા છે. એના તેલના કૂવા પણ આપણા હાથમાં છે.

"દાક્તરોનું કેમ છે?"

"બસ સલામત છે હિંદી દાક્તરો. અહીં બર્મી પુરુષો દાક્તરો છે જ નહીં. સ્ત્રીઓ કોઈ કોઈ બની રહી છે. પણ ભીડાભીડ નથી."

"ત્યારે તો જખ મારે છે!" ડૉ નૌતમે પત્નીને કહ્યું : "આપણે નિરાંતવાં રહો."

આ વાતો થતી હતી ત્યાં જ બારણાની ઘંટડી વાગી અને ઊઘડતાં દ્વાર વચ્ચે એક પ્રૌઢ પાકટ સ્ત્રી દેખાઈ. એ બે દિવસ પર મળેલી ઢો-સ્વે હતી. સ્વે એનું નામ હતું. 'ઢો' એની ઉંમર દર્શાવનાર પ્રત્યય હતો. બ્રહ્મદેશમાં યુવાન સ્ત્રીના નામ આગળ હંમશા 'મા' (બહેન) ને પ્રૌઢ પાકટના નામ આગાળ 'ઢો' લગાડીને જ બોલાવાય છે. મા-સ્વે એટલે સ્વે-બહેન, ઢો-સ્વે એટલે સ્વે કાકી જેવું. સ્વે એટલે સોનું. આપણે કહી છીએ. 'સોનાં આઈ' એના જેવું જ.

એને દેખી એક તો ડૉ. નૌતમ પિતાનાં સ્મરણોમાં અટવાઈ ગયો, ને બીજું એને સત્કાર શબ્દ નહોતો આવડતો. પણ રતુભાઈએએ કહ્યું "ચ્વાબા, ઢો-સ્વે" (પધારો, સ્વે કાકી.)

"એ ભૂત !" ડૉ. નૌતમે પત્નીએ કહ્યું, "એને મળ તો ખરી."

હેમકુંવરબહેન બાપડાં કાઠિયાવાડમાંથી પહેલી જ વાર બહાર નીકળેલાં, એમાં આ બ્રહ્મદેશને તો કામરૂ દેશ જ સમજીને બેઠેલાં. પતિ પર કામણટૂમણ મંત્રધાગાના પ્રયોગો થવાની ધાસ્તી, વળી દેશમાં સાસુ પાસેથી ત્રૂટક એવું કાંઈક સાંભળેલું કે સસરા માંડ માંડ એક બર્મી સ્ત્રીને ઘેર બોકડો અથવા પોપટ બનતા બચીને દેશ ભેગા થયેલા - ઉપરાંત પાછો જેનો ધણી રૂપાળો તે સ્ત્રીની જંજાળનું તો પૂછવું જ શું ! એ તો આ બાઈને રાત્રીને ટાણે આવેલ જોઈને હેબતાઈ જ ગયાં.

છતાં ઢો-સ્વે પોતાની જાણે જ હેમકુંવર પાસે ગઈ અને જગતમાં ભાગ્યે જ બીજે ક્યાંઈ સાંભળવા મળે તેવી કુમાશથી પૂછ્યું : "ધીમા કાંઉડે મહૌલા? (આંહીં તને સારું લાગે છે ને?) કો ઐ લાબા (મારે ઘેર આવો) તો હું ભાષા શીખવું. જુઓ, કોઈ આવે તેને આમ કહેવાય: લાબા( આવો), થાંઈબા (બેસો), સાબા (ખાઓ). હેં તું મારે ઘેર આવીશને?"

મોંમાંથી ફૂલ ઝરે તેવા ઝરતા આ બધા શબ્દોના અર્થો રતુભાઈ કરતા જતા હતા અને હેમકુંવર તો વધુ ને વધુ હેબતાતી હતી.

"સાથે સાથે, હેં ઢો-સ્વે !" રતુભાઈએ વિનોદમાં કહ્યું, "એને એ પણ બતાવોને કે સ્ત્રી કોઈના ઉપર ખીજે ત્યારે શું કહે ?"

"અરે જાવ જાવ બાબુ! એવું તે કાંઈ શીખવાતું હશે?"

"તમે ભૂલી ગયાં હશો, ઢો-સ્વે, પણ હું નથી ભૂલ્યો. અમારા શાંતિદાસ શેઠના મહેતાજીએ તમારી દીકરીના હાથમાં ગીની આપતી વખતે અણછાજતું વર્તન કરેલું, ત્યારે તમે શું કહેલું?"

તુરત ઢો-સ્વે બોલી ઊઠી: "જો આમ કહેવાય : તૈ મપ્યો બાને (બહુ બોલીશ મા), ધૌખા મ્યામે (મુશ્કેલીમાં આવી જઈશ), ફના છામે(જોડો લગાવીશ)." એમ કહેતાં કહેતાં આ બ્રહ્મી સ્ત્રીએ પોતાના પગમાં પહેરેલાં રેશમી ચંપલ લેવાનો અભિનય કર્યો.

"જોયું, હેમકુંવરબહેન ! આ છે આંહીંની સ્ત્રીઓની ખુમારી ને કુમાશ બેઉ જોડાજોડ." રતુભાઈએ સમજાવ્યું.

"તું હમણાં કેમ દેખાતો નથી બાબુલે!" કાકીએ રતુભાઈને પૂછ્યું.

"ઢો-સ્વે! હું તો હવે યાંગઉં (રંગૂન) રહું છું." રતુભાઈએ ઓળખાણ તાજી કરી; "પણ તમે પૈસેટકે ઘસાઈ ગયાં એ જાણી દિલગીર થયો."

"હો... ઓ... ઓ...! પેસા ફ્યા યુત્વારે (પૈસા તો પ્રભુ જ લઈ ગયા). ફ્યા પેમે (પ્રભુ જ પાછા આપશે). કૈસા મશીબૂ, બાબુલે (કુચ્છ પરવા નહીં, બાબુ)! પણ હવે હું જે કામે આવી છું તે કહું, ડૉક્ટર બાબુ ! મારી દીકરીએ સખત શરદી છે. અત્યારે ચાલશો ઘેર ! હું તમને મળ્યા પછી તો બીજા કોઈ ડૉક્ટર પાસે જવા માગતી નથી. ભલેને ગોપાલ સ્વામી હોશિયાર રહ્યા. બૅનરજી બાબુને પણ બહિ બોલાવું. તમે આવ્યા એટલે મારે તો ફ્યા લારે (દેવ આવ્યા). રતુબાબુ, તમે પણ ચાલશો? નહીંતર ડૉક્ટરને અમારી વાત કોણ સમજાવશે?"

હેમકુંવરબહેનને ઊંંડા ઉચાટમાં મૂકીને ડી. નૌતમે પોતાની મોટર કઢાવી અને પોતાની બાજુમાં બેઠેલી આ બાઈ ત્રીસ વર્ષ પર, એટલે કે વીસેક વર્ષની વયે, કેવી સુંદર અને સુવાસિત હશે, કેવી આકર્ષક અને દ્રાવક હશે, પિતાએ બર્મા એકાએક કેમ છોડ્યું હશે - શું આની જ યૌવનઝાળથી ધ્રુજીને? એવું ચિંતવતા ચિંતવતા ઢો-સ્વેને ઘેર પહોંચ્યા. આટલી ઉંમરે પણ એ બાઈના દેહમાંથી તનાખા (ચંદનનો લેપ) મહેકતો હતો. બ્રહ્મી નારીને તનાખા વગર ચાલે નહીં.

ધરતીથી અધ્ધર રોપેલું લાકડાનું ઘડેલું એ નાનું ઘર હતું અને એને ફરતો બાગ હતો. ઢો-સ્વે જે કાળે મા-સ્વે હતી તે સમયની સમૃદ્ધિના અવશેષરૂપે રહ્યાં હતાં. એક ફક્ત પુષ્પે મહેકતો બાગ અને આ કાષ્ઠની સુંદર ઇમારત : માતાનો મળેલ વારસો. બ્રહ્મ દેશમાં વારસદાર પુત્રી બને છે પુત્ર નહીં.

પિતાનું યૌવન અહીં કદીક કદીક ચૈત્રની ચાંદનીમાં બેઠું હશે? કોણ જાણે ! ઢો-સ્વેનું હૃદય એ ઇતિહાસ સાચવીને બેઠું હશે?

અંદર એક વૃદ્ધ છતાં આઘેડ જેવો જણાતો પુરુષ પરસાળમાં નેતરની ચટાઈ પર બેઠો બેઠો શાંતિથી ચિરૂટ ચૂસતો હતો. ઉશ્કેરાટને સહેલાથી વશ થતાં છતાં ચોમેર ફ્યાઓની અંદર બુદ્ધદેવની ધ્યાનમગ્ન, સ્વસ્થ, શાંત, ધીરગંભીર પ્રતિમાઓનાં ધ્યાન ધરતા બ્રહ્મદેશી પુરુષોનો આ નર એક નમૂનો હતો. એણે ફક્ત એટલું કહ્યું : "લાબા" (આવો).

પરસાળમાંથી દરદીને ઓરડે (ઓરડા એટલે બ્રહ્મી ઘરમાં લાલ મધરાસી ચક જડીને લાકડાને ચોગટે પાડેલ પાર્ટિશન) જતાં તેને દ્વારે ઊભેલ યુવાનને જોતાં જ ડૉ. નૌતમ ખચકાયા. હજુ બે જ કલાક પર એને દીઠો હતો. હજુ એણે કપડાં બદલ્યાં નહોતાં. એ જ શ્વેત હાફ-પૅન્ટ અને શર્ટ; અને હમણાં જ જાણે કે એ ગરજી ઊઠશે: 'ઢો ભમા ઇંજીલા.' એ તો ઠીક પણ ક્યાંક 'ધા' ઉપાડીને ત્રાટકશે તો!

બ્રહ્મદેશનો અતિ બિહામણો શબ્દ 'ધા' : ધા એટલે એક હાથ જેવડી છૂરી. ડૉ નૌતમને ઘણાએ ચેતવેલા કે જોઈતપાસીને અસૂરસવાર વિઝિટે જજો, ધા લેતાં બરમાને વાર નથી લાગતી. ને ધા ક્યાં ક્યાં નથી હોતી? ઝેરબાદીના ગજવામાં ધા, મજૂરની બગલમાં ધા, સ્ત્રીની એંજીમાં ધા. અરે ધર્મગુરુ ફુંગીના પીળાં ઉત્તરીય હેઠળ પણ કાતિલ ધા ! તો આ 'ઢો ભમા' વાળા ભાયડા ધા વગરના હોય જ કેમ કદી!

એક પલ યાદ આવ્યો. હિંદનો રણલલકાર 'ઇન્કિલાબ ઝિન્દાબાદ!' અને સાથે સાંભર્યો બૉમ્બ. એ ઇન્કિલાબ અને એ બૉમ્બ પરદેશીઓને કેવા થરથરાવતા હશે! પોતાને આ 'ઢો ભમા'ને 'ધા' ડરાવે છે તેવા જ!

"રસ્તો આપ, માંઉ-માંઉ," માતાએ પોતાના એ પુત્રને શાંત આદેશ દેતાં એ ખસી ગયો; એણે અજબ નમ્રતાથી ડૉક્ટરને આદર આપ્યો. દીકરાનું નામ માંઉ-માંઉ હતું. એ યુવાન હશે ત્યાં સુધી એના નામ આગળ માંઉ પ્રત્યય લાગશે અને પ્રૌઢ વયમાં પ્રવેશશે એટલે ઉ-માંઉ કહેવાશે. ઉ એટલે કાકો.

"મા-નીમ્યા ! મા-નીમ્યા!" માતા પોતાની તાવમાં શેકાતી ઘેનમાં પડેલી પુત્રી નીમ્યાને ઢંઢોળતી હતી : "ડૉક્ટર બાબુ લારે, ફ્યા લારે, આંખ ખોલ. જો હમણા જ તારો રોગ મટી જશે."

દિવસમાં ત્રણ ત્રણ વાર નાહીને દેહ સ્વચ્છ રાખનારી અને છટાથી માથાનો સઢોંઉ વાળનારી યુવતી તાવમાં પડેલી છતાં હીરે મઢેલી હતી. બ્રહ્મી સ્ત્રીઓ ચાવલ ને માછલી નહીં મળે તો ચલાવી લેશે, પણ જવાહિર વગર ન જીવે શકે. ગળામાં લેઢો (હાર), કાનમાં નઘા (બૂટિયાં), કાંડે લેકાઉ (બંગડીઓ) અને અંબોડામાં ભીં (કાંચકી) : બધાં જ આભરણો જડાવ !

શરદે સખત હતી. શું થયું હશે?

"તઘુલાનો પ્રતાપ," રતુભાઈએ દાક્તરને કહ્યું. 'રતુભાઇએ સાચું કહ્યું, :ઢો-સ્વે એકદમ બોલી ઉઠી, "ચાર દિવસ પાણીમાં તરબોળ રહી હતી, ને તળાવે એક રાત ઉઘાડામાં ગાળી આવી છે."

"ફિકર નહીં." કહીને તાત્કાલિક ઇન્જેક્શન વગેરે આપી નૌતમે દવાખાને દવા લેવા આવવા કહ્યું.

"માઉ-માઉ!" માએ પુત્રને આજ્ઞા કરી, "બાબુ જોડે જા."

બાપ રે ! આ ઢો ભમાવાળો માંઉ-માંઉ ભેળો આવશે !

"ફિકર નહીં, ડૉક્ટર સાહેબ !" રતુભાઇએ મિત્રની અસ્વસ્થતા જોઇને કહ્યું : "એ બધા જ બૂમબરાડા આપણા ઇન્કિલાબ ઝિન્દાબાદ જેવા છે. કાલે સવારે જ આ ભાઈ વિદેશી ડગલા વગર અને શાંતિદાસ શેઠની દુકાનની ઘડિયાળની સોનાની ચેઇન વગર બીજો ઘા નથી કરવાના. ઉપરાંત, મેં પણ આંહીં અખાડા ચલાવ્યા છે."

લળી લળી મારગ કરતી ગૃહિણી છેક મોટર સુધી બહાર ગઈ અને રૂપિયા દશની નોટના બે કટકા દાક્તરના હાથમાં સેરવવા લાગી.

"નહીં, નહીં, આજે તો નહીં જ." ડૉ. નૌતમે ના કહી.

"હા...આ...આ, બાબુલે! લેવા જ જોઇએ. ફયા સુ (દેવના સોગંદ)!"

"કૃપા કરી આજે માફ રાખો, સોનાં કાકી."

"પણ કારણ ?"

"કારણ શું ! તમે મારા પિતાજીની પિછાન તાજી કરાવી છે."

"તારા પિતાનો તો અમારી પાસે છેલ્લો પગાર પણ બાકી છે, ગાંડા ! એ તો ખબર પણ દીધા વગર ઉપડી ગયેલા. સારું થયું. જમાનો બહુ ખરાબ આવ્યો, બાબુલે ! જો આ અમારા જુવાન છોકરા ! તમને કાઢવા ઊઠ્યા છે. તમારા મજૂરો પણ અમને સાલે છે. તારા બાપુ ! ઓહ ! એ તો બચી ગયા. જોને રતુબાબુ ! તમને તો ખબર છે, આપણા મનસુખબાબુની કેવી દુર્દશા છે આજે !"

"શું કહે છે આ સોનાં કાકી ?" ડૉ. નૌતમે પૂછ્યું. "મનસુખલાલ બાપડા આંહીંની બર્મીને પરણ્યા છે. આજે ઘેર એક સત્તર વર્ષની પુત્રી છે. કોઈ ગુજરાતી એને પરણવા તૈયાર નથી."

"અહોહો ! કેવા મનસુખબાબુ ! કેવી એની વહુ મા-તૈં ! કેવી એ બેઉની દીકરી !" કાકી અફસોસ કરવા લાગી. "બાબુલે ! કોઈ કરતાં કોઈ બાબુને હિંમત નહીં ! ને હિંમત કરે છે તેવાઓમાં કાંઈ માલ નહીં. છોકરાંની કેવી વલે ! માબાપે શા પાપ કર્યાં ? તમારા પિતાએ ડહાપણ કર્યું, બાબુ ! ભલે ચાલ્યા ગયા. પણ હવે તમે ફી..."

"બોલશો જ નહીં, ફયા સુ !" ડૉ. નૌતમે સામા પ્રભુ-સોગંદ દીધા અને મોટર હંકારી મૂકી. આ બાઈનો પિતા વિશેનો પ્રત્યેક બોલ એના દિલમાં ઝણઝણાટી બોલાવતો હતો.

પાળેલા કબૂતર જેવો પ્રશાંત સીનો ધારણ કરીને માંઉ-માંઉ મોટરમાં બેઠો હતો. માર્ગે એક ગલીમાં વચ્ચે રસ્તો રોકી કેટલાક લોકોનું ટોળું બેતમા બની પડ્યું હતું. તેમની વચ્ચેથી મોટરને કાઢતાં ઘણી મુશ્કેલી પડી. ડૉ. નૌતમ ગિયર પછી ગિયર બદલતા હતા, હૉર્ન બજાવતા હતા, પણ રસ્તાના રોકનારાઓને મન એ બધું રોનક હતું. થોડા થોડા ઘુરકાટ પણ ટોળામાંથી આવતા હતા.

"હા..." માંઉ-માંઉ તિરસ્કારથી હસ્યો અને અંગ્રેજીમાં બોલ્યો, "ધેટ ઇઝ અવર મેઇન પ્રોબ્લેમ : એ જ અમારી મુખ્ય મુંઝવણ છે !"

"આ ન જોયા ?"

"કોણ છે એ ?"

"અમારા હિતશત્રુઓ, ઝેરબાદીઓ."

બ્રહ્મદેશીઓના જેવા જ લુંગી-એંજીના લેબાસ, એ જ્ ઢબનું માથે ઘાંઉબાંઉ (માથાબંધણાનો રૂમાલ), અને એ જ ભાષા, છતાં આ યુવાન આમને શત્રુઓ કેમ કહે છે ? "કારણ શું છે?"

"એનાં નાક સામે જુઓ ને અમારાં નાક તપાસો. અમારાં ચપટાં છે, તેમનાં લાંબાં છે. એના ચહેરામાં જુઓ, અમારા કરતાં ફરક છે. એ અમારા નથી. અમે એના નથી. એ અમારી પ્રજાનું પાપ છે." - માંઉ-માંઉનું અંગ્રેજી ધોધમાર વહ્યું.

ઉત્તેજિત બનેલા માંઉ-માંઉને દવાખાનામાં લઇ જઈને પછી ડૉક્ટરે દવા બનાવતાં બનાવતાં ચર્ચા ચલાવી -

"એ તમારું પાપ કઇ રીતે?"

"આ ઝેરબાદીઓ હિંદના મુસ્લિમ મરદો અને અમારી બર્મી ઓરતોની ઓલાદ છે. તેઓ વર્ણસંકર છે."

"પણ બર્મી સ્ત્રી તો દેશી-પરદેશી કે ઊંચનીચ કોઈ પણ કોમમાં ભેદ વગર પરણે છે - જાપાનીને, ચીનાને, ગુજરાતીને, પંજાબીને, ગોરાનેય."

"એટલે જે કહું છું કે બીજી કોઈ પ્રજા કે જાતિ જોડેનાં લગ્નમાંથી જે કદી નથી નીપજ્યું તે પરિણામ એક ફક્ત આમાંથી જન્મ્યું છે. આંહીં તેઓને બીજું હિંદ ઊભું કરવું છે."

"એટલે ?"

"એટલે કે તમારા હિંદુ-મુસ્લિમ ઝઘડા અને હિંદની બે કોમો વચ્ચેના ભાગલાની બર્મી આવૃત્તિ."

"શા માટે પણ ?"

"બસ, ધર્મ માટે. તેઓનો ધર્મ જુદો બન્યો. બન્યો તો બન્યો, પણ અમારા ધર્મનો વિરોધી બન્યો. છાપાં વાંચો છો કે નહિ?"

"અગ્રેજી છાપાં વાંચું છું."

"બર્મી છાપાં વાંચો. આજે દિલેદિલમાં આગ લાગી છે. સાત વર્ષ પર એક ઝેરબાદી ધર્મપુરુષે એક ચોપડી લખી હતી. એની કોઈને ખબર પણ નહોતી રહી. આજે કોઈક તમારા જ હિંદુ મુસલમાને એ ચોપડી ફરી વાર છપાવી અમારા દેશમાં ફેલાવી છે. અમારાં અખબારો એના પર ઊકળી રહ્યાં છે. અમારા ફુંગી-ચાઉમાં એ વાંચીને સળગી ઊઠેલ છે." "એમાં શું છે ?"

'બૌદ્ધ ધર્મની નિંદા અને ઇસ્લામનું પ્રતિપાદન."

"એવી ચોપડી પ્રસિદ્ધ થવા કેમ પામી ?"

"ફયાને ખબર. શું કરીએ ? કોને કહીએ ! ધર્મની અવહેલના, ફુંગીઓની બદનક્ષી. અમારા ફુંગીઓ જોયા છે ? આગના કટકા છે !"

"હા, સાંભળું છું કે વૈરાગ્યનાં વસ્ત્રોમાં તેઓ ધા છુપાવે છે."

"સાચી વાત છે, ડૉક્ટર ! અમારી ઓરતોની અતિઘણી મોટી સંખ્યામાંથી અને લગ્નસ્વાતંત્ર્યના અતિરેકમાંથી સળગેલી એક રાષ્ટ્રભક્ષી જ્વાળારૂપી આ ઝેરબાદી કોમ છે."

"નહીં, ભાઈ ! કોમનો વાંક કાઢો. વાંક દોરનારનો છે. - ધાર્મિક, રાજપ્રકરણી બેઉ પ્રકારે ઊંધી દોરવણી દેનારનો છે."

"તે હશે, પણ અમારા પૂરતાં તો અમારે પગલાં લેવાં પડશે."

"તમારી સ્ત્રીઓને શું પરજાતિમાં લગ્ન કરતી અટકાવવી પડશે?" એમ કહેતાં ડૉ. નૌતમે રતુભાઈ સામે અર્થસૂચક દૃષ્ટિએ જોયું. રતુભાઈ હજુ અવિવાહિત હતા.

"ના, એ તો અમે કદી નહીં કરીએ. અમે બ્રહ્મીજનો વિશ્વબંધુત્વના વ્યવહારુ ઉપાસકો છીએ, અને રુધિરના વૈવિધ્યમય મિશ્રણમાં માનીએ છીએ. ઉપરાંત, અમારું સ્ત્રી-તેજ મુક્ત પ્રેમના પ્રદેશમાં વર્ગ, વર્ણ કે જાતિની ઉચ્ચતા-નીચતા કે અમીરી-ગરીબીની પાળોને ગાંઠશે નહીં. પણ એક વાત તો નક્કી કરશું. અમારી બહેન-દીકરીને પરણવા આવનારને અમારા ધર્મનો દીક્ષિત કરશું."

"તેથી શું તમારો પ્રશ્ન ઊકલી જશે ?"

"નહીં ઊકલે તો આગે આગે ગોરખ જાગે."

"ખેર, આપણે નિરાંતે બેસીને વાતો કરશું. જરૂર આવજો."

તે જ વખતે અંદરનું બારણું ઉઘાડી એક સ્ત્રી આવી. એની સામે આંગળી બતાવીને ડૉ. નૌતમે કહ્યું, "મારો ભય ન રાખશો. હું કોઈ બ્રહ્મી સાથે પરણવાનું નામ લઉં તો શું. મશ્કરી કરું તોય મને આ કાચો ને કાચો, વગર શેક્યો ખાઈ જવા તૈયાર બેઠી છે ! તમારી ધાનીયે જરૂર નપ્ડે તેવી એની જીભ છે,"

યુવકે ઊઠી સન્માન દીધું. એ હતાં હેમકુંવર. યુવકે મોં મલકાવ્યું અને કહ્યું, "અમે બ્રહ્મીઓ પરણેલ સ્ત્રીની હાંસી કરતા નથી. અને ધાનો ડર આપ રાખશો નહીં."

"મેં તો બહુ સાંભળ્યું છે."

"નહીં, ધાને અમે ફક્ત એક જ વાર તસ્દી આપીએ છીએ. કોઈક અમારી સાથે કલી કમા (દગલબાજી) રમે છે ત્યારે જ."

એ નિખાલસ યુવકને દાક્તરે પાછો પોતાની જ મોટરમાં વિદાય કર્યો, અને પ્રભુમાં કદી ન માનવા છતાં એણે પ્રાર્થના કરી કે "હે ફયા ! આની બહેનને આરામ કરજો ! નહીંતર ક્યાંઈક દવામાં દગલબાજી સમજીને એ ધા ઉપાડતો ધસી આવશે.!"