પ્રભુ પધાર્યા/ચાવલની મિલમાં

વિકિસ્રોતમાંથી

ચાવલની મિલમાં

રંગૂન નહીં, યાંગંઉ-મ્યો.

નામો બગાડાવાની કળામાં કુશળ એવા કયા પરદેશીએ આ યાંગંઉ-મ્યોનું રંગૂન કરી નાખ્યું તે તો ખબર નથી. એ જે હો તે, એણે મોટું પાપ કર્યું છે.

યાં એટલે વિગ્રહ, ગંઉ એટલે ખતમ થયું, ને મ્યો એટલે નગર. બ્રહ્મદેશના પરસ્પર લડ્યા કરતા રાજકર્તાઓએ જે સ્થાને લડવું બંધ પાડી શાંતિની સ્થાપના કરી, તે સ્થાનનું નામ યાંગંઉ-મ્યો.

આપણે એને રંગૂન રંગૂન કૂટીએ છીએ. અંગ્રેજોને મન એ રંગૂન કેવળ એક નિરર્થક સ્થાનસૂચક શબ્દ છે. સરકારનો મુકરર કરેલ એ શબ્દ આપણે જખ મારીને વાપરવો પડે છે. કોઈ પણ બ્રહ્મદેશી રંગૂન કહેતો નથી. એને વહાલું છે યાંગંઉ નામ. એ નામ એનો શાંતિ મંત્ર છે : શાતિસ્થાપનાનું સ્થાન.

પીમનાથી રજા પૂરી થયે પાછો વળેલો રતુભઆઈ બડભાગી હતો. યાંગંઉની જેટી પર એણે એક અનુપમ દ્રશ્ય દીઠું. કોઈ બડા ગોરાની બ્રહ્મદેશને આંગણે પધરામણી થતી હતી. બર્મા બ્રહ્મદેશીઓનું જ છે અને એ હંમેશાં તેમનું જ રહેશ એવો એક વધાઈનો સંદેશો લઈને આ બડા સરકાર-પ્રતિનિધિ પધારતા હતા, અને બ્રહ્મીજનો એનું જગતમાં કદી કોઈએ ન કરેલું, કોઈને ન સૂઝેલું એવું સ્વાગત કરતા હતા.

બંદરની એ સુવિશાળ જેટીને દૂરથી નિહાળો તો કાળા રંગના કોઈક રેશમે ઢાંકેલી દેખાય. તસુયે ખાલી નહીં. પંચ કે છ પંક્તિઓમાં હારબંધ ગોઠવાઈને સુંદર બ્રહ્મી યુવતીઓ જેટી પર ઘૂંટણ વાળીને બેસી ગયેલી અને એ દરેકે પોતાના જમણા ખભા પરથી જેટીની ભોંય પર પોતાના કાળા પેનીઢક વાળની લાંબી વેણીઓ બિછાવેલી હતી.

આગબોટ આવીને ઊભી રહી. મહાન પરોણાએ પગ મૂક્યો - એ વેણીઓની મુલાયમ બિછાત ઉપર. જીવતા સુંદરી-કેશની જાજમ પર થઈને એ ચાલ્યા. એના કદમોમાં અપ્સરાઓનાં મસ્તક ઝૂક્યાં હતાં. દેવોનેય લોભાવે તેવું એ સ્વાગત હતું.

ઊંડો નિ:શ્વાસ નાખીને રતુભાઈ ખનાન-ટો ચાલ્યો ગયો.

ખનાન-ટો પણ બગડેલો શબ્દ છે. સાચો શબ્દ કાનાં-ટો છે. કાનાં એટલે નદીનો કાંઠો, અને ટો એટલે જંગલ-ગામડું.

પણ ખનાન-ટો એ જંગલ પણ નહોતું રહ્યું, ગામડું પણ નહોતું રહ્યું. સાગરની રાણી ઇરાવદીના પહોળા પટને પર કરી બેક માઈલ દૂર સામે પાર જાઓ, એટલે કિનારે હારબંધ ઊભેલાં ચાલીસ-પચાસ ભૂંગળાં ધરતીના મોંમાંથી ધુમાડા કાઢી આકાશને અપમાનતી ચિરૂટો જેવાં જલી રહે છે. એ ચાલીસ-પચાસ ચોખાની મિલો છે.

એક વખત બ્રહ્મદેશને આંગણે આંગણે આ ચોખાની કમોદ ખાંડનારી પગ-ઢેંકીઓ હતી, તે ટળીને હવે મિલો બની હતી. ગોરાઓની મિલો, મારવાડી અને ગુજરાતીઓની મિલો, કાથિયવાડી મેમણોની મિલો અને ચીનાઓ-બરમાઓની મિલો, બેજાતની મિલો : એક સાદા ચાવલ છડવાની ને બીજી પાકા ચાવલ તૈયાર કરવાની. બંગાળા અને મદ્રાસ આ પાકા, બાફીને સૂકવેલા ચાવલ ખાય.

રતુભાઈ જ્યાં મૅનેજર હતો તે હતી જૌહરમલ-શામજીની પાકા ચાવલની રાઇસ મિલ. એક મરવાડી અને એક કાઠિયાવાડીની એમાં ભાગીદારી હતી. મૅનેજર રતુભાઈને રૂ. ૩૫નો પગાર હતો. બીજા પાંચ-સાત 'બાબુઓ'ને ૧૫ થી ૩૦ સુધીના દરમાયા હતા. માલિકો એ મિલમાંથી લાખો રૂપિયા રળતા. તેઓ આ મિલમાં આવતા માત્ર સાંજે મોટર-બોટમાં બેસીને અને કલાક-અર્ધો કલાક જોઈને યાંગંઉ ચાલ્યા જતા. મિલોના પ્રદેશ પછી ત્યાં મોટે ભાગે બ્રહ્મદેશીઓની જ ગ્રામ્ય વસાહતો હતી. એમનાં ઘરો લાકડાંના હતાં. પાકાં મકાનો હતાં ફક્ત મદ્રાસી ચેટ્ટીઓનાં, કારણ કે તેમની ગાંઠે લાખોનાં જોખમ હતાં, તેમની તિજોરી માટે પાકાં મકાનની ગરજ હતી. ગુજરાતીઓ પણ ભાડાંવડીએ આ ચેટ્ટીઓનાં મજબૂત મકાનોમાં પોતાની તિજોરીઓ મુકાવતા.

રાતપાળી પૂરી કરીને પોતાનાં મોં ધોઈ પાછા અંબોડા બાંધતી બ્રહ્મી મજૂરણો મલકતે મુખડે એક પછી એક રતુભાઈને કહેતી હતી: "બાબુ, અખ્વી પેબા!" (બાબુ, હું રજા લઉં છું.)

કોણ કહી શકે તેમણે રાતભર ધીખતી વરાળમાં બફાતાં મજૂરી કરી હશે! તેમણે પાછી બહુરંગી લુંગી-એંજી પહેરી લીધી હતી. વળી એકાદ સાચુંખોટું નંગ તો તેમનાં શરીરો પર ઝળકતું જ હતું. વાલની વીંટી વગરનો અડવો તો ભાગ્યે જ કોઈનો હાથ હતો. ખાતી હતી કેવળ ચાવલ ને મચ્છી, પોષણ તો દેહને અધૂરું પડતું. પોષતી હતી બસ એકલી રસિકતાને - રેશમ, હેમ ને હીરા વડે. અને ઓહોહો, પુષ્પો વગર તો એને પોસાય જ કેમ?

નવી આવેલી મજૂરણોએ વસ્ત્રો બદલી, મજૂરીનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. સઢોઉં છોડી છોડી ફરી વધુ કાળજીભર વાળી લીધા હતા. વેણીમાંથી ફૂલો ઉતારીને તેઓએ આ પુષ્પભોગી મૅનેજરના મેજ પર ઢગલા કરી નાખ્યા હતા. હાથમાં તેમણે ખંપાળીઓ લીધી હતી અને ફના (લાકડાની ચાખડીઓ) પર ચડી ચડી તેઓનું એક ઝૂમખું ચાલ્યું જતું હતું. બાફેલા ચાવલને સૂકાવવાની પ્લેટના ઉકળતા વિભાગમાં.

"અને તું મા-પૂ!" રતુભાઈએ એક મજૂરણને જોતાં જ કહ્યું, "તું હજુ જીવતી છે શું? કૂંડી પર કામ કરી શકે છે?"

"નહીં કેમ કરી શકું, બાબુજી!" એ બાઈ પોતાના બાળકને ધવરાવી લઈને પછી ઘોડિયામાં નાખી ચાલતી ઊભી રહી. "ચીનાની મિલમાં કૂંડી પરનું કામ અમે જ કરતી, તો આંહીં શા માટે નહીં?"

"પણ તું રહેવા દે."

"મને કંઈ નહીં થાય બાબુજી, ડરો નહીં."

એમ કહેતી એ કૂંડી પર ચડવા ચાલી.

ઊંચી મોટી મોટી કૂંડીઓ હતી. એક નળ પાણીનો, ને બીજો નળ ૧૬૭ડિગ્રી ગરમી આપતી વરાળનો : બેઉ નળ એ કૂંડીને માથે સંધાઈ જતા. અને એ બંને સર્પોના સંધાઈ ગયેલ મોઢામાંથી કૂંડીમાં ભરેલી કમોદ પર જે ધોધ પડતો તેનું પાણી -પાણી કહેવાય કે ઊકળતો ધાતુરસ ! - એ તો લાવા હતો લાવા.

બેતાળીસ કલાક સુધી આ લાવામાં કમોદ બફાતી. પછી એ લાવારૂપ પાણીને નીચેની જાળી વાટેથી બહાર કાઢી નાખતા.

એ પાણી પાસે ઊભા રહેવું. એ રૌરવ નરકમાં વાસ કરવા જેવું હતું. પાણી બદબો મારતું, બદબો અસહ્ય હતી.

એ બદબો બ્રહ્મી મજૂરો નહીં, પણ હિંદના ઊડિયા મજૂરો ખાતા.

બેતાલીસ કલાકના ૧૬૭ ડિગ્રી ગરમ જળ-લાવામાં બફાયેલ એ કમોદના ધાનને સૂંડલે સૂંડાલે બહાર કાઢતા આ ઊડિયા મજૂરો - આ ઓરિસાનાં હાડપિંજરો.

બરમાઓની એ મગદૂર નહોતી, સુકુમાર બ્રહ્મી સ્ત્રીઓ એ કૂંડીઓથી દૂર નાસતી.

બાળક ધવરાવીને આ એક જ બ્રહ્મિણી કૂંડી પર ચાલી ગઈ અને રતુભાઈ દિલમાં ગભરાતો ગભરાતો પાછો વળ્યો.

બ્રહ્મી નારી કૂંડી પર ચડીને એના કઠોડા ઉપર દેહ ઝુકાવતી હતી તે રતુભાઈ એ એક વખત જોયું હતું. અને દિલ ધડક્યું પણ હતું. કઠોડો જાહલ થઈ ગયો હતો, શેઠિયાઓને કેટલીય વાર કહ્યું હતું, પણ રિપૅર કરાવશું, કરાવશું એમ કહ્યા કરતા હતા.

તોબાહ તો છે આ બરમા મરદ મજૂરોથી : ડંકા પડી ગયા છે તોય હજુ બેઠા છે લિજ્જતથી, અને ચીપિયા લઈ લઈ દાઢી મૂછના વાળ ચૂંટી રહ્યા છે!

"પણ ત્યારે તમને દાઢી મૂછ મૂંડાવતા શું થાય છે?"

પોતાના આ પ્રશ્નનો જવાબ રતુભાઈને બહુ ભારી પડ્યો: "અરે બાબુ, ઠોંડા વાગે છે."

"વાગ્યાં હવે."

"પૂછો અમારી સ્ત્રીઓને, તેમને વાગે છે, અમને નહી."

"છેને નાગા !" એમ કહેતો મૅનેજર અંદર ચાલ્યો ગયો. બ્રહ્મી મજૂરોને બહુ છેડવામાં જોખમ હતું. અમુક સંખ્યા-પ્રમાણમાં તેમને દરેક કારખાનામાં રાખવાનું કાયદાથી ફરજિયાત હતું. કજિયા માટે બ્રહ્મી મજૂરો સદા સજ્જ હતા. ધા તો તેઓ પણ ધારણ કરતા, ધા અને બેતારો: બંને સાથોસાથ. બેતારો તેમનું વાદ્ય હતું, બેતારા પર આંગળીઓ ઝંકારત તેઓ કારખાનામાં પણ ગીતડાં આરડાતા. એને ગીતો ગાવા કેમ કહેવાય? ગીત તો હતી નારીના કિન્નર-કંઠની પેદાશ. આ તો બરાડતા. તેમને માંડ પટાવીની કામે લગાડવા પડતા.

પાણી કાઢી નાખેલ કૂંડીઓમાંથી સૂંડીએ ભરી ભરીને ઊડિયા દોડ્યા આવતા હતા, કમોદને ઊંચી મોટી કોઠીમાં ઠાલવતા. કોઠીઓની વચ્ચોવચ્ચ વળી પાછી સ્ટીમ-પાઇપ સણસણતી હતી. એ કોઠીઓ કૂંડીમાં બફાયેલ કમોદ પર ઓર એક બાફણ-ક્રિયા અજમાવતી. કોઠીઓ પોતાનો પ્રયોગ પૂરો કરીને આ કમોદના પુંજેપુંજને સ્ટીમપ્લેટ પર સોંપી દેતી. આ પ્લેટોને નીચેના ભંડારિયાંમાંથી વરાળ લાગતી, ઉપર કમોદ સુકાતી. કમોદને ઊલટસૂલટ, ફેરવ ફેરવ કરવાનું 'હળવામાં હળવું' કામ હેમ, હીરા ને પુષ્પો પફ-પાઉદરની ભોગી બ્રહ્મી નારીઓ કરતી.

હળવામાં હળવું ! રતુભાઈ જ્યારે ત્યાં પ્રવેશ કરતો ત્યારે માંડ બેત્રણ મિનિટ ઊભો રહી શકતો. એના આખા શરીરે લાય ઊઠતી, આંખે અંધારાં આવતાં, એ દોડીને બહાર નીકળી જતો.

હળવામાં હળવું ! બર્મી મજૂરણોની અક્કેક બૅચ એ પ્લેટ પર પંદર મિનિટથી વધુ ઊભી રહી શકતી નહીં. પંદર મિનિટ તો કાયદાએ ઠરાવેલ હતી. પા કલાક કમોદ હલાવીને એ બૅચ બહાર નીકળી આવે અને બીજી બૅચ હલાવવા જાય. પા કલાકની પાળી.

રતુભાઈ બહાર આવે છે ત્યાં તો બુમારાણ કરતો કૂંડી પરનો ઊડિયો મિસ્ત્રી દોડી આવે છે: "બાબુજી બાબુજી ! મા-પૂ કૂંડીમેં ગિર પડી."

"હેં!"રતુભાઈનો સ્વર ફાટી ગયો.

"હા, કઠોડો તૂટ્યો ને મા-પૂ અંદર જઈ પડી."

રતુભઆઈ દોડ્યો, બાઈને બહાર કાઢી હતી. પણ એ એકલું ખોળિયું હતું. કમોદ ભેળી એ માનવકાયા પણ બફાઈ ગઈ હતી. કમોદ અને માનવીનું શરીર, બેમાં શો ફરક છે ! ફરક તો આપણે પાડ્યા છે.

પણ ના, ફરક મોટો છે. કમોદ પર તો બેતાળીસ કલાકના સંસ્કાર થયેય એનું કવચ ભેદાતું નથી. પછી વરાળકોઠીમાં બફાયેલ પણ એનું જરીક જેટલું માથું જ ફોતરીમાંથી બહાર દેખાય છે.

ઉપરાંત, કમોદના દાણાને તો બાલ હોતું નથી ના?

મા-પૂનો દેહ બફાયેલો પડ્યો હતો ત્યારે એનું બાળક પણ ઘોડિયામાં રડતું હતું.

મિલમાં દાક્તર નહોતો, કારણ કે કાયદો એ ફરજ પાડતો નહોતો. 'ફર્સ્ટ એઇડ'નાં સાધનો હતાં, કેમ કે કાયદો એટલી જ ફરજ પાડતો હતો. પણ ફર્સ્ટ એઇડના સીમાડાને મા-પૂનું શરીર વટાવી ગયું હતું.

હજી સવારે જ રતુભાઇએ જેટી પર વેણીઓનાં ઝુંડ બિછાયેલાં જોયાં હતાં મા-પૂ પણ એમાંની એકાદ બની શકે તેટલો લાંબો એનો ચોટલો હતો.

એ ચોટલાનાં ફૂલો હજુ રતુભાઈના મેજ પર વણકરમાયાં પડ્યાં હતાં.

યાંગંઉ ટેલિફોન ગયો, શેઠિયા મોટર-બોટમાં હાજર થયા. ફૅક્ટરી-ઇન્સપેક્ટરને ખબર દેવાયા હતા. પણ એના આવી પહોંચ્યા પહેલા જ શામજી શેઠે ચાલી નીકળવું દુરસ્ત માન્યું.

"પણ ઓલ્યો હમણાં જ આવશે." રતુભાઈએ કહ્યું.

"તમે જ પતાવી દેજો ને, માસ્તર!" શેઠિયાએ રતુભાઈને સમજ પાડી, "જેમ ઠીક લાગે તેમ કરજો."

"પણ આ કઠોડાનું શું? મારી જ ગરદન પકડશે."

"ઠીક પડે તેમ પતાવી દેજો ને!" શામજી શેઠે એક આંખનો સૂચક મિચકારો માર્યો.

"પણ મને અદાલતમાં ઘસડશે તો!"

"તો કંપની તમારો દંડ ભરી દેશે. એમાં મૂંઝાઓ છો શું?" શામજી શેઠે બીજો મિચકારો માર્યો.

આંખને એક જ મિચકારે જગતને સમજાવી દેવાની કરામત જાણીતી છે.

-ને શેઠિયાને પાછા યાંગંઉ પહોંચાડવા લઈ જતી મોટર-બોટ ઇરાવદીનાં પાની ઉપર ગાજતી ગઈ.