લખાણ પર જાઓ

પ્રભુ પધાર્યા/તધીન્જો

વિકિસ્રોતમાંથી
← લગ્નના બજારમાં પ્રભુ પધાર્યા
તધીન્જો
ઝવેરચંદ મેઘાણી
ભાગો! ભાગો! →


કાંઉલે એના હાથમાંથી છૂટી ગયો તેની એને સરત ન રહી.

સેંકડો લોકો તેની આસપાસ ચાલતાં હતાં. તેઓ પ્રશાંત હતાં. કોઈ કોલાહલ કરતું નહોતું. સેંકડો પગની ફનાઓ જ ફક્ત ટપાક ટપાક તાલ આપતી હતી. સૌ એનું મૂંગું નૃત્ય નિહાળતાં નદીકિનારે ચાલ્યાં. એને મન આ જાણે કે છેલ્લો તધીન્જો હતો. ફરી આવો વર્ષોત્સવ આવે કે ન આવે. ફરી નવાં ધાન પાકે કે ન પાકે. શારદાલક્ષ્મી ફરી વરદાન દ્યે કે ન દ્યે. કમોદના ક્યારા કોણ જાણે ફરી ક્યારે ઝૂલશે. માટે કરી લ્યો નૃત્ય! નવલાં ધાન્યનું નૃત્ય. નવલાં નીરનું નૃત્ય. શેષ વેળાની શરદનું નૃત્ય.

નીતરેલી શરદનાં વાદળાંએ ગગનને કાંઠે જાણે કે ચાવલના પુંજેપુંજ ખડક્યા હતા.

નદીતીરે એ થંભી. એણે પોતાનું ફાનસ નીરમાં તરતું મૂક્યું. ને એ ઊઠી ત્યારે હૈયે ધ્રાસકો પડ્યો. બાજુએ જોયું. કાંઉલે ક્યાં?

"આ તારો કાંઉલે, અમા!" એમ કહેતા લોકવૃંદના એક પુરુષે કાંઉલે માતાના કરમાં આપ્યો. કંઉલેને લ્ ઈને એ બરમો ચુપચાપ પાછળ પાછળ દીપદર્શને ચાલ્યો આવતો હતો.

બેભાન નીમ્યા શરમિંદી બની અને ફાળ ખાઈ ચમકી ઊઠી: "અરરર! કોઈ ફુંગી મારા ઢંગ દેખી ગયા હોત તો!"

એ જ સમયે પૂર્ણિમાની ચાંદનીમાં માંડલે તરફની એ ઉત્તર દિશા, કોઈએ જાણે આગ મૂકી હોય તેમ સળગી ઉઠી. ભડકા ! ભડકા ! ભડકા !

ભાઈની ભવિષ્યવાણીએ પહેલો પરચો બતાવ્યો. પ્રભાતે સાંભળ્યું કે બર્મા-રોડ પર જાપાનનાં વિમાનોએ અઢળક આગગોળા વરસાવ્યા છે. ચીનને જાપાન સામે જીતવા-ઝઝૂમવા માટેનો શસ્ત્રસરંજામ પહોંચતો કરનાર એ એક માત્ર વ્યવહાર-કેડાને જાપાન છૂંદવા લાગ્યું હતું. બર્માનો એક ગુનો થયો હતો કે ચીનને અને હિંદને સંયોજતી એ પુરાતન સડક બર્માની ભૂમિ પરથી પસાર થતી હતી. બ્રિટને એ સડકને રક્ષણ આપ્યું નહોતું. કારણ કે જાપાન હજુયે બ્રિટનનું મિત્ર હતું. કારણ કે બ્રિટન જાપાનને શસ્ત્રસરંજામ બનાવવા અઢળક ધાતુ વેચ્યે જતું હતું.

*

નીમ્યા જ્યારે નવાં ધાન્યને નૃત્યની અંજલિ આપી રહી હતી, તે જ વખતે શામજી શેઠ કારિકી પૂર્ણિમાનું નવું આવતું ધાન ખરીદતા હતા. વીસ વર્ષે પણ એણે બર્મી ભાષા બોલવામાં શુદ્ધિ મેળવવાની પરવા નહોતી કરી. એનો ઘોઘરો અવાજ ઑફિસમાં ગાજતો હતો:

"પણ-પણ-તે ચનૌરોં ધલવ સોરે-સભા શું કરવા યુમે? (તે અમે એ ભીંજેલું ધાન શા બાબત લઈએ?" ધાન વેચવા આવેલા એક બરમા જોડે પોતે માથાફોડ કરતા હતા.

"કાં શેઠ, હજુયે કાં ધાન ખરીદો?" શાંતિદાસ શેઠે કહ્યું.

"શું છે તે ન ખરીદું? ઊ-સોને તો ચર્ચિલે ચિરૂટના બદલામાં બરાબરનો તમાચો ચોડી દીધો છે. ઠીકાઠીકની ટપાટપી બોલી ગઈ છે. હમણાં તો હવે ઊ-સો જખ મારે છે. આંહીંથી આપણને કાઢી રિયો."

"પણ જાપાન-અમેરિકાની વાતચીતનો અંજામ તો જુઓ!"

"માર્યું ફરે છે જાપાન. એની પાસે સોનું ને વિમાનો જ ક્યાં બળ્યાં છે? આ આંહીં તો હું અક્કેક જાપાનીને મળ્યો છું. જાપાનથી આવનારા આપણા ભાઈઓને મળું છું. અક્કેક કહે છે કે જાપાન મરી જશે. જાપાન પાસે વિમાન નથી, સોનું નથી, દાણા નથી, આમાં તે જાપાનનો ગજ વાગે? આશાય રાખજો મા, આંઈ લડાઈ ફડાઈ કાંઈ ઢૂંકે નહીં. ને બર્મા રોડ ને! ઈ તો અંગ્રેજની જ દાનત ખોરું ટોપરું છે, શેઠ ! ચીનને મદદ દેવી નહીં પરવડતી હોય, પોતાની અને જાપાનની વચ્ચે વેં'ચી લેવું હશે, એટલે કીધું હશે કે હંબ મારો બાપો ! ઉડવ તું તારે ફુરચા બરમા રોડના ! મારે બંધ કરીને દુનિયામાં ઉઘાડા પડવું, તે કરતાં તું જ મારું કામ પતાવ ને ભલા! આપણે તો રોટલાનું કામ છે કે ટપટપનું? આ એમ છે મારા શેઠ ! બીજું શું ? આપણેય તે રોટલાનું કામ છે, ટપટપનું નહીં."

લડાઈની ચાલનો શામજી શેઠનો ઉકેલ કારતક મહિનાની કમોદના અઢળક ઢગલા વચ્ચે આ પ્રકારનો હતો. એમને હંમેશાં રોટલાનું કામ હતું. ટપટપનું નહિ.

એમની વાત સાચી હતી: અહીં અનેક પેઢીઓ ઉઘાડીને જાપાનીઓ બેઠા હતા. એ પેઢીઓમાં કયા માલનો વેપાર ચાલે છે તેની બહુ થોડાને ગમ પડતી. જાપાનીઓ બાઘા જેવા, બેવકૂફ અને પોતાના દેશની અંદરખાનેની દયાજનક દશાનો વારંવાર વિલાપ કરતા લાગતા, અને બરમાઓ સગા ભાઈઓ હોય તેવા સ્નેહની સરવાણી રેલવતે નેત્રે નિહાળી નિહાળી નમન કરતા.

તેમની નજર અમેરિકા પર મંડાઈ હતી. જાપાની પ્રતિનિધિ વૉશિંગ્ટન જઈને વ્હાઈટ હાઉસના પગથિયાં ઘસી રહ્યો હતો. પ્રમુખ રૂઝવેલ્ટનાં એ કેવાં ચરણો ચૂમતો હતો અને રૂઝવેલ્ટ - ચર્ચિલ એને કેવા દબડાવતા હતા તેનાં વર્ણનોવાળાં રોજના છાપાં વંચાતાં. એ વાંચી વાંચીને પસાર થતી બર્માની પચરંગી દુનિયા આ બાઘા જેવા બેઠેલા જાપાનીઓનાં મોં સામે તાકતી. જાપાનીઓ વળી ઓર વધુ દિગ્મૂઢતાનો દેખાવ ધારણ કરતા.

નીમ્યાને અને કાંઉલેને માટે રતુભાઈએ પાંચેક ગાઉ દૂરના ગામડામાં નાનું ઘર રાખ્યું હતું અને ત્યાં પોતે મોટરમાં જતો આવતો. હવે રતુભાઈ મોટરવાળો બન્યો હતો. બર્મી કુટુંબોમાં જોઈતાં સુવર્ણાભરણો અને રત્નાભરણો સાથે રતુભાઈની શાખ જડાઈ ગઈ હતી. છેક શાન સ્ટેટના રાયજાદાઓનાં ઘરમાં પણ રતુભાઈના નામનો સિક્કો પડતો. માલ લઈ જઈને એમને આંગણે ઊભા રહેનાર આ યુવાન વેપારીને માટે અંતઃપુરનાં દ્વારો ઊઘડતાં જરીકે વાર લાગતી નહીં. એની પૂર્વે ગયેલા અનેક યુવાન બાબુઓ ડરનું કારણ બન્યા હતા. એ ભયને રતુભાઈના મોંના 'અમા' (બહેન) બોલે ભૂંંસી નાખ્યો હતો.

આ મોટર, આ રત્નો, શાન સ્ટેટના રાજદરબારી અંતઃપુરોની આદરભરી અમાઓ, અને નીમ્યા-કાંઉલેની સંભાળ, બધાં વચ્ચે દેશવાસી ભત્રીજી તારા તરવરતી હતી. તારાને બચાવવા પોતે જવું જ જોઈએ. તારાને ન છોડાવે ને ઇચ્છિત સ્થાને ઠેકાણે ન પાડે ત્યાં સુધી પોતાનો લગ્નસંસાર સર્જાવવાનો હક ન હોઈ શકે. એક પછી એક આગબોટ રંગૂનથી હિંદ જવા ઊપડતી હતી, પણ 'કાઉલે'નું મોં દેખીને પોતે અઠવાડિયું અઠવાડિયું મોડું કરતો હતો. નીમ્યા પણ એને થોડુંક થોભી જવા કહેતી હતી, અને વળી પાછી અકો માંઉની તે રાતની ભવિષ્યવાણી યાદ કરીને રતુભાઈને જલદી ચાલ્યા જવા કહેતી હતી. નીમ્યા આગાળ એણે હજુ પોતાની સગી ભત્રીજી તારાની વાત ખુલ્લી કરી જ નહોતી. રતુભાઈ સમજતો હતો કે બે'ક મહિનામાં તો દેશનું કામ પતાવીને પાછા આવી જવાશે, પોતે તારાને હરકોઈ ઉપાયે આંહીં જ લેતો આવશે. પણ નીમ્યાને તો લાંબી જુદાઈના ભણકારા વાગી ગયા હતા. છ મહિના તો એણે ઓછામાં ઓછા ટેવ્યા હતા. જેના આવાગમનનું ભાઈ ભાખી ગયો છે તે મહાસંહારનો દૈત્ય છ મહિના ચરીને તો પછી ચાલ્યો જ જશે. પછી તો પૂર્વવત્ સ્થિતિ પાછી વળશે, પછી તો ફરી સોના-હીરાની દુકાન ચાલુ કરશું, કાંઉલે પણ મોટો થઈ જશે, ખૂની પતિ માંઉ-પૂ માફી પામીને પાછો વળશે, અકો પણ આવ્શે અને રતુભાઈના ઉપકારો જાણી બધા કેટલા રાજી થશે?


૨૫

ભાગો ! ભાગો!

સ્ટીમર ઊપડતાં પહેલાં અડધા જ કલાકે, આભ ફાટીને અંદરથી તારામંડળ ઝરે તેમ ખબરો તૂટી પડ્યા:

-ઓચિંતા ત્રાટકીને જાપાને પ્રશાંત સાગરમાં અમેરિકાના મોતીબંદર (પર્લ હાર્બર)નો આખો અમેરિકન નૌકા-કાફલો તારાજ કરી નાખ્યો છે.