ફૂલમાળ (ઝવેરચંદ મેઘાણી)

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ફૂલમાળ (ઝવેરચંદ મેઘાણી)
ઝવેરચંદ મેઘાણી


વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન;

રોપાણાં ત્રણ રૂખડાં હો…જી

વીરા ! એની ડાળિયું અડી આસમાન;

મુગતિના ઝરે ફૂલડાં હો…જી


વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર;

ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી

વીરા મારા ! સતલજ નદીને તીર;

પિંજર પૂરાં નો બળ્યાં હો…જી


વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ;

નવ નવ ખંડે લાગિયું હો…જી

વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ;

ઠારેલી ભલે ટાઢિયું હો…જી


વીરા ! તારા પંથડા વિજન ને અઘોર;

ઓરાણો તું તો આગમાં હો…જી

વીરા ! તારાં વસમાં જિગરનાં જોર;

લાડકડા ! ખમા ખમા હો…જી


વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ;

ધાવેલાં હજી ફોરતાં હો…જી

વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત;

જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી


વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ;

દુનિયાથી દૂરે દોડવા હો…જી

વીરા ! તારે અચળ હતા વિશ્વાસ;

જનમીને ફરી આવવા હો…જી


વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ;

તરસ્યોયે નો’તો રક્તનો હો…જી

વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ;

માભૂમિ કેરા ભક્તનો હો…જી


વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ;

પે’રીને પળ્યો પોંખણે હો…જી

વીરા ! તારું વદન હસે ઊજમાળ;

સ્વાધીનતાના તોરણે હો…જી


ઝવેરચંદ મેઘાણી Ref: layastaro.com