ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૦ મું

વિકિસ્રોતમાંથી
←  પ્રકરણ ૯ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૦ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૧૧ મું →


પ્રકરણ ૧૦ મું.

નવા વર્ષમાં એટલે ઈ. સ. ૧૮૫૫ માં મિસ નાiટીંગેલના કામમાં કાંઈ ઘટાડો થયો નહિ, જો કે રણસંગ્રામાંથી ઘાયલ થએલા સિપાઈઓનાં ટોળે ટોળાં તો હવે આવતાં બંધ થયાં હતાં. પરંતુ સીબેરટેપુલના ઘેરામાં રોકાએલા સૈનિકોમાં પુષ્કળ રોગ ચાલવા માંડયો. મિસ નાiટીંગેલે આ સિપાઈઓની દયા લાવીને એક પ્રસંગે એક મિત્રને લખ્યું કે "આ બિચારા સિપાઈઓને ઉંડી ખીણોમાં દરરોજ રાત્રે મજુરી કરવી ૫ડે છે. રોજ રાતના ઉજાગરા થાય છે. તેઓ છત્રીસ કલાક સુધી લાગટ કામ કરે છે. ટાઢના દિવસ છતાં તેઓને કાંઈ પણ પુષ્ટિકારક ખોરાક મળતો નથી. કાચું કેારૂં ખાઈને જ તેમને રહેવું પડે છે. કારણ કે દેવતા સળગાવીને રાંધવા જેટલીએ ફુરસદ તેમને મળતી નથી. છતાં આપણું લશ્કર ધીરજથી લડે છે અને કોઈપણ હીંમત હારતું નથી. ખરેખર તેમની હીંમતને બલિહારી જ છે."

આ ખીણોમાં ક્રાઈમીઆની સખત ટાઢ વેઠયાને લીધે સિપાઈઓને ઘણો સખત મરડાને રોગ લાગુ પડયો. અને બેહદ ટાઢને લીધે તેમનાં અંગ ઠરી જવા લાગ્યાં. કેાલેરા અને તાવમાં પણ પુષ્કળ વધારે થયો, અને તેથી હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા ધણી વધી પડી.

આ વર્ષની શરૂઆતમાં મિસ સ્ટૅન્લીની દેખરેખ નીચે બીજી પચાસ નર્સો સ્ક્યુટેરાઇ આવી પહેાંચી, તેમની દરેક હોસ્પીટલમાં છુટક છુટક વહેંચણી થઈ મિસ નાiટીંગેલને આ વખતે પાંચ હજાર દર્દીઓની દેખરેખ રાખવાની હતી અને ક્રાઈમીઆથી બીજા અગીઆરસો દર્દીઓ આવનાર હતા. બૅરેક હૉસ્પીટલમાં લગભગ બે હજાર દર્દીએા હતા. અને તે સર્વ સખ્ત બિમારી ભેાગવતા હતા. સ્કયુટેરાઈની જનરલ હોસ્પીટલમાં પણ મિસ નાઇટીંગેલનો કાયદો ચાલતો હતો. નવી નર્સોમાંની કેટલીએકને મિસ એમીલી એન્ડર્સની દેખરેખ નીચે ત્યાં જ રાખવામાં આવી. બાકીની બધી નર્સોને બૉસ્ફરસની સામી બાજુએ ક્યુલાલી હોસ્પીટલમાં મિસ સ્ટેન્લીના હાથ હેઠળ રાખવામાં આવી.

નવી નર્સોમાંની ઘણી ખરી આઈરીશ કૉન્વેન્ટમાંની 'સિસ્ટર્સ ઑફ મર્સી'માંની હતી. તેમાંની એક નર્સ હજી હયાત છે. તે લખે છે કે— "સ્કયુટેરાઈની હોસ્પીટલમાં હું એક દિવસ રહી, તેનું વર્ણન કરવાને મારામાં શક્તિ નથી. વહાણોનાં વહાણો ભરાઈને ઘાયલ થએલા સિપાઈએા આવતા હતા. બે ત્રણ દિવસ સુધી તેઓ કાળા સમુદ્રમાં રખડતા, રીબાતા પડી રહેતા હતા. તેઓને જવાનું ઠેકાણું કયાં હતું ? એક બિછાનું ખાલી નહોતું એક પછી એક તેએાને જમીન ઉપર નાખવામાં આવતા. જ્યારે કૉલેરા કે બીજા કોઈ રોગથી માણસ મરી જાય ત્યારે પથારી ખાલી થાય ને ત્યારે જ બીજાને પથારીમાં સુવાનું મળતું. ઘણુંક તો લાવતાં ને વાંત જ મરી જતા. તેમની અંતની ઘડીની ચીસો ખરે ઘણી જ દયાજનક અને હૃદયભેદક લાગતી. નિઃસંશય આવા જ લોકેાને ક્રાઈમીઆના યોદ્ધાનું નામ યોગ્ય છે.

"ઘણી જ ખરાબ જાતનો કૉલેરા ત્યાં ચાલતો હતો, અને જેને એ રોગ લાગતો તે ભાગ્યે જ ચાર પાંચ કલાક જીવતો. તેમનાં અંગ એટલાં જૂઠાં પડી જતાં અને કાષ્ટ પાષાણ જેવાં થઈ જતાં કે સાંધાઓ તો જરા વળાય નહિ." બધાં અવયવ સજજડ જ થઈ જતાં. દાકતર લોકો બનતો પ્રયત્ન કરતા. પણ સર્વ નિષ્ફળ જતું દર્દીએાનાં અંગ એટલાં ઠરી જતાં હતાં કે ગમે તેટલો શેક કરે, રાઈનાં પ્લાસ્ટરો મારે પણ ગરમાવો આવે જ નહિ.

"આ વખતે મિસ નાઇટીંગેલ અને તેમની ટુકડીની નર્સો ઘણા જ ઉપયેાગમાં આવી, કારણ કે ગમે તેવો જોખમ ભરેલો ઉપાય હોય ને આ બાહોશ નર્સોને સોંપી શકાતો, સામાન્ય સિપાઈઓને તો એવી વખતે જરા વિશ્વાસ રખાય નહિં. દર્દીને શેક કરતી વખને ઘણી જ સંભાળ લેવી પડતી. શેક કરવાના ગરમ કકડામાં જરા પણ ભીનાશ ના રહે તે સંભાળવાની ઘણી જ જરૂર હતી. શેક કરવાના કકડાને બરોબર નીચેાવીને તેનાપર ક્લૉરૉફોર્મ ( એક દવા ) છાંટવામાં આવતું. પછીથી રાઈ અને ટર્પેન્ટાઈન દર્દીને શરીરે મસળતાં. તેથી ઘણી વાર ઠરી ગએલાં અવયવોમાં ગરમાવો આવતો. નર્સોએ ઘણી જ હીંમતથી આ કારમા રોગ સામે ટક્કર ઝીલી હતી, પણ તેમના એટલા પ્રયાસથીએ ઘણા જ થોડા માણસો બચી શકતા. શોકજનક તો એ હતું કે ઘણુંકરીને મજબુત અને તંદુરસ્ત સિપાઈઓ જ રોગના ભોગ થતા.

"એક દિવસ એક તંદુરસ્ત ભરજુવાન માણસને માંચીમાં સુવાડીને મારા એારડામાં લાવવામાં આવ્યો. મને લાગ્યું કે એને તો જલદીથી સારૂં થઈ જશે. મેં રીતસર રોગના ઈલાજ લેવા માંડયા. પણ દાક્તરે તો પહેલેથી જ મને કહ્યું કે એ બચે એવી આશા નથી. જ્યારે નોકરો થાકી ગયા ત્યારે મેં જાતે શેકવાનું હાથમાં લીધું અને અંતની ઘડી સુધી મહેનત કર્યા કરી પણ એના સાંધા તો જરા ચસકયા નહિ. ચાર પાંચ કલાક અત્યંત પીડા ભોગવીને બિચારો મરી ગયો."

કેટલા બધા દિવસ આ ભયંકર રોગ ચાલુ રહ્યો. હોસ્પીટલની ઓસરીની એક બાજુએથી રોગમાં સપડાએલાની માંચીઓ એક પછી એક આવતી હતી અને બીજી બાજુએ રોગથી મરી ગએલા માણસોની માંચીઓ હારબંધ જતી. કબરો બરોબર જોઈએ તેટલી ઉંડી ખોદાતી નહોતી તેથી રોગ વધારે પસરતો હતો અને તેથી હોસપીટલની આસપાસની હવામાં ચેપ લાગ્યો હતો એમ કેટલાએકનું માનવું હતું.

કૉલેરા જેટલો ભયંકર હતો તેટલો જ ભયંકર સંધીવા (frost-bite) નો રોગ હતો. સીબેસ્ટેપુલથી સેંકડો માણસો એ રોગને ભોગ થઈને આવતા હતા. એ લોકને કેટલી પીડા થતી હતી તેનો ખ્યાલ નજરે જોયા વિના ભાગ્યે જ આવી શકે, ત્યાંની એક નર્સ લખે છે કે “સીબેસ્ટેપુલથી આવનાર લોકોના અંગોપર ઘણાંજ ઝીણાં વસ્ત્ર હતાં. ક્રાઈમીઆની આટલી સખત ઠંડીથી રક્ષણ કરવાને તેમની પાસે કાંઈ જ સાધન નહોતાં. જ્યારે માંચીમાં સુવાડીને તેમને દાટવા લઈ જવામાં આવતા ત્યારે તેમનાં દીલ એટલાં ઠરી જતાં કે અંગનાં કપડાં પણ શરીર સાથે ચાંટી જતાં ને કાપી નાખવાં પડતાં. ઘણી વખત તો માણસનું માંસ અને તેમનાં કપડાં એકઠાં ઠરી જતાં હતાં અને પગ તો એટલા ઠરી જતા હતા કે જોડા એમને એમ તે કઢાય જ નહીં. જ્યારે થોડા થોડા કાપીને કાઢે ત્યારે તેથી ચામડી છોલાઈ જાય, માંસ અંદરથી નીકળી પડે, એવા અનેક ત્રાસદાયક દેખાવ નજરે પડતા હતા, પોલ્ટીસ મારે તે પણ કપડાં ઉપર થોડું તેલ છાંટીને નહિં તો કપડાં ઠરીને અંગ સાથે ચાંટી જાય. તે છતાં જયારે સ્હવારમાં પોલ્ટીસ કહાડે ત્યારે ચામડી સાથે ઉખડી આવે ને કોઈ કોઈ વાર તો દાકતર પોતાના હથિઆરનો ઉપયોગ કરે ત્યારે જ નીકળે. પગનાં અાંગળાં તો ઓળખાય નહિ એવાં થઈ જતાં."

સિબેસ્ટેપુલની ખીણોમાં આથી પણ ઘણું વધારે સંકટ પડતું તેનું યથાસ્થિત વર્ણન તો કરી શકાય જ નહિ, ત્યાં જઈ આવેલા સિપાઈઓ હજી પણ એટલી જ લાગણીથી ત્યાંની હકીકત કહી સંભળાવે છે. લોકો બંદુકના ગોળાથી બચવાને માટે ઠરી ગયેલી જમીનની અંદર ખાડા ખેાદીને રહેતા હતા તો ત્યાંએ ટાઢે ઠરી જતા.

ઠંડી એટલી સખત હતી કે લડતી વખતે બંદુકના ઘોડા પણ જલ્દીથી ખેંચી શકાતા નહિ. એક સિપાઈ બેલેકલેવામાં શીત થયેલો પડ્યો હતો, તેણે જ્યારે રાતમાં પાસુ બદલ્યું ત્યારે જાણ્યું કે તેના પગ એક બીજા સિપાઇના પગ સાથે સજ્જડ ઠરી ગયા હતા. આ અને બીજા અનેક રોગમાં સપડાએલા સેંકડો માણસો સ્ક્યૂટેરાઇની ધીચોઘીચ ભરાએલી હોસ્પીટલમાં દરરોજ આવતા હતા. એક રાતમાં સાઠ માણસો મરી જતા અને બે મહિના તો સેંકડે સાઠ માણુસો મરી જતા. ફ્લોરેન્સ નાઇટીંગેલ બધે ફરી વળતાં. મરણના બિછાના આગળ તે દર્દીઓને ધીરજ આપતાં અને ઇશ્વરનું ચિંતન કરાવતાં. દેહ અને આત્મા બન્નેની સરખી બરદાસ કરતાં. ઘણા સિપાઈઓએ મરતાં મરતાં પોતાને ઘેર કહેવાના સંદેશા તેમને કહેલા. અને પોતાની મા કે સ્ત્રીને સ્નેહસૂચક અંતની ભેટો આપવાની તે પણ તેમને જ સોંપેલી. આ સર્વ અંતની ઘડીના સંદેશા ચોક્કસ રીતે મિસ નાઇટીંગેલે પહોંચાડ્યા હતા તે સર્વ કોઈ જાણે છે.

રાત પડ્યા પછી જયારે દાક્તરો પાતાની તપાસ કરીને પરવારે ત્યારે આ 'લેડી ઈન-ચીફ' તેમનાં સાદાં કાળાં કપડાં પહેરી, ઉપર સફેદ વસ્ત્ર એાઢીને દરેકે દરેક ઓરડામાં અને ચારે તરફ ઓશરીમાં એક નહાનો દીવો હાથમાં લઈને ફરી આવતાં. એટલા થોડા પ્રકાશથી પણ તે જોઈ શકતાં કે ક્યો માણસ ઘણી પીડા ભોગવે છે, અથવા ક્યો માણસ મૃત્યુ સમીપ છે. અને તેવી જગ્યાએ તે ધીરજના બે બોલ કહેવા ઉભાં રહેતાં.

ફર્લોરેન્સ નાઇટીંગેલની ખરી હીંમત આ રાતની તપાસણીની ફેરી વખતે ઘણી માલૂમ પડી આવતી. એ વખતે ચારે તરફ શૂન્યકાર હોય, અને રોગથી પીડાતા માણસો નિંદ્રાને માટે ફાંફાં મારતા હોય, અને આકળવિકળ થતા હોય, ત્યારે ગમે તેવા શબ્દ શ્રવણથી બીક લાગે, કોઈ સનેપાતમાં ગમે તેમ બબડતું હોય, કોઇ પોતાને ઘેર જવાની બૂમ પાડતું હોય, કોઈને ઉધરસ આવતી હોય, કોઇને અત્યંત વેદના થતી હોય, કોઈને મૃત્યુની યાતના થતી હોય-આવા સર્વ અવાજ મિસ નાઇટીંગેલ જ્યારે પોતાનો નહાનો દીવો લઈને ફરતાં ત્યારે તેમને કાને પડતા. આવો અનુભવ એક વાર થાય તો એ જન્મપર્યંત સાંભરે; પણ આ તો દરરોજ રાત્રે, અઠવાડીઆં ને અઠવાડીઆં સુધી, મહિના અને મહિના સુધી આ કુમારિકાને કાને પડતા, અને તે છતાં રીબાતા લોકેાનું કષ્ટ ઓછું કરવાને તેમણે હીંમત છોડી નહિ. ધન્ય છે આવી બહાદુર નારીને !