ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૨ મું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  પ્રકરણ ૧૧ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૨ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૧૩ મું →


પ્રકરણ ૧૨ મું.


ઈ સ. ૧૮૫૫ ની વસંતઋતુ પૂરી થઈ ત્યાંસુધી ક્રાઈમીઆના લશ્કરમાં કેાલેરા, મરડો ઇત્યાદિ ચાલતાં હતાં. લોકેાનાં શરીર ઠંડી, રોગ વગેરેથી એટલાં ક્ષીણ થઈ ગયાં હતાં કે કાંઈ પણ માંદગી હવે એ સહન કરી શકતા નહિ. વળી ટાઇફોડ નામનો ઘણો ઝેરી તાવ શરૂ થયો. સ્ક્યૂટેરાઈની હોસ્પીટલમાં પુષ્કળ દર્દીઓ મૃત્યુ પામતા અને અસંખ્ય લોકો રોગના ભોગ થઈ પડતા.

હોસ્પીટલના અધિકારી વર્ગમાં પણ આ સખત તાવે દેખાવ દીધો. આઠ દાકતરો તાવમાં સપડાયા અને તેમાંના સાત તો મરી પણ ગયા. મિસ નાઇટીંગેલે પોતે બે ત્રણ દાકતરોની બરદાસ કરી.

એક પ્રસંગે તો એવું થયું કે આખી બૅરક હોસ્પીટલમાં માત્ર એકજ હોસ્પીટલ એસીસ્ટન્ટ (ઈસ્પીતાળનો માસ્તર) એવો હતો કે જે સાજો હોવાથી કાંઈ પણ કામમાં આવી શકતો, અને તેનો ખપ ચોવીસે એારડામાં પડતો. ત્રણ નર્સો પણ તાવે પડી હતી. હોસ્પીટલના અધિકારીએા અને નર્સોમાં જ્યારે તાવે પ્રવેશ કર્યો ત્યારે લેડી-ઈન-ચીફ મિસ નાઇટીંગેલનું કામ બહુ ભારે થઈ પડયું, છતાં ઘણી હિંમતથી કામનો બોજો તેમણે ઉપાડી લીધો અને એક પણ દિવસ તેમણે પાછી પાની કરી નહિ. દૃઢતા અને મનના જુસ્સાને લીધેજ આવે પ્રસંગે પણ તે ઉત્સાહથી કામ કરી શકતાં.

અત્યાર સુધી તેમની ટુકડીમાંથી કોઇ મૃત્યુને વશ થયું નહોતું પણ આ છેલ્લા સપાટામાં તો તેમની એક ઘણી જ વ્હાલી નર્સ મરણ પામી. એના મૃત્યુથી આખી ટોળીને ધણો સંતાપ થયો, પરંતુ મિસ નાઇટીંગેલે તો આ ઘા પણ ઘણી હિંમ્મતથી સહન કર્યો. સિપાઈએા, દર્દીઓ સર્વેને સરખો શેાક લાગ્યો કારણ કે એ નર્સ ઘણી જ માયાળુ હતી.

એ નર્સના મૃત્યુને થોડાક દિવસ થયા એટલામાં એક બીજી નર્સ પણુ મૃત્યુ પામી. તે બિચારી કેાલેરાનો ભોગ થઇ પડી.

એમ એક પછી એક ત્રણ ચાર નર્સ મૃત્યુ પામી. લેાકોએ સર્વને માટે ઘણી જ દીલસોજી બતાવી કારણ કે આખા લશ્કરી વર્ગને હવે તેમની કદર માલૂમ પડી હતી.

જ્યારે મે મહિનામાં રોગની શાન્તિ થઈ ત્યારે મિસ નાઈટીંગેલ સ્કયુટેરાઈથી બેલેકલેવા જવા નીકળ્યાં. લઢાઈના મુખ્ય સ્થાનમાં ઘાયલ થએલા ને માંદા સિપાઈઓની સ્થિતિ કેવી છે તે જોવાની તેમને ઘણી ઈચ્છા હતી. અને નર્સની ટુકડીના સુપરીન્ટેન્ડેન્ટ તરીકે ક્રાઈમીઆની હોસ્પીટલો તપાસવાની તેમની ફરજ હતી.

સ્કયુટેરાઈ છોડતી વખતે તેમને ઘણી જ દિલગીરી લાગી. તેમ જ ત્યાં રહેતા માણસોને પણ ઘણી જ લાગણી થઈ આવી, કેમકે કોઈને જીંદગીનો ભરૂંસો નહોતો. એ જ્યારે ફરી પાછાં આવે ત્યારે કોણ જીવતું હશે તે કોઈ જાણતું નહોતું.

આટલા છ મહિનામાં મિસ નાઇટીંગેલે જેટલી વિટંબના વેઠી હતી તેટલી ભાગ્યે જ કોઈએ વેઠી હશે. તે છતાં તેમને એટલો તો સંતોષ હતો કે તેમના આવ્યાથી દવાખાનાની વ્યવસ્થામાં ઘણો જ સુધારો થયો હતો અને સેંકડો મનુષ્યને સુખનાં સાધન આપી શક્યાં હતાં.

મે મહિનામાં તે થોડીક નર્સો, મિ. બ્રેસબ્રીજ અને મોં. સોયરની સાથે રોબર્ટલાઉ નામની આગબોટમાં બેસીને ક્રાઈમીઆ જવા ઉપડ્યાં.

આ સફર વખતે હવા ઘણી જ ખુશકારક હતી. વસંતઋતુને લીધે સર્વ રમણીય લાગતું હતું અને સમુદ્ર પણ શાન્ત હતો. મિસ નાઇટીંગેલનું મન પણ આસપાસના દેખાવથી પ્રફુલ્લિત થયું, પરંતુ તેમના સ્વભાવ પ્રમાણે તે વહાણ પર પણ સ્થિર બેસી ના રહ્યાં. તેમની સાથે છસો લશ્કરના સિપાઈઓ પણ હતા. અને થોડાએક લશ્કરના અધિકારીઓ પણ હતા. મિસ નાઇટીંગેલ તે સિપાઈઓની સાથે વાતચિત કરવા વહાણના નીચલા માળમાં ગયાં. ત્યાં જઈને જુવે છે તો કેટલાએક સિપાઈએા તાવે પડેલા માલૂમ પડ્યા. તેમાંનો એક સિપાઈ દવા પીવાની ના કહેતો હતો. તેને મિસ નાઇટીંગેલે પૂછયું - "ભાઈ! તું દવા પીવાની શા માટે ના કહે છે ?"

તે માણસે જવાબ દીધો - "બાઈ સાહેબ ! એક વખત મેં દવા પીધી હતી પણ તેથી ઉલટો મારો જીવ બગડી આવ્યો, ત્યાર પછી હું કોઈ દિવસ દવા નથી લેતો."

" પણ ભાઈ! હું જો મારે હાથે તને દવા તૈયાર કરી આપું તો તો તું પીશ કે નહિ ?"

તેણે કહ્યું "બાઈ! તમે આપશો તેથી કાંઈ ફેર પડવાનો છે ? "

તે છતાં તેણે દવા પીધી અને મિસ નાઇટીંગેલે તેને વાતે લગાડ્યો; તેથી તે દવાની વાત ભૂલી ગયો અને દવાએ દવાનો ગુણ કર્યો.

થોડાક દિવસમાં તે બેલેકલેવાના બારામાં પેઠાં. તે દિવસે મિસ નાઇટીંગેલ આવવાનાં છે એ વાત બધાના જાણવામાં અાવી હતી. તેથી સેંકડો લેાક તેમને જોવાને બારામાં આવ્યાં હતાં. તેમના વહાણે જેવું લંગર નાંખ્યું કે બેલેકલેવાની હોસ્પીટલના મુખ્ય અધિકારી અને બીજા દાક્તરો તેમને મળવાને આવ્યા. થોડીવાર પછી લશ્કરનો કમાન્ડર-ઈન-ચીફ તેમને મળવા આવ્યો. તે વખતે તો તેમણે હોસપીટલ તપાસવાનું કામ શરૂ પણ કરી દીધું હતું.

બીજે દિવસે તે પોતે કમાન્ડર સાહેબને ઘોડાપર બેસીને મળવા ગયાં. તે છાવણીમાં ફરતાં તે લોકેાની નજર ચુકાવવાને છુપા વેશમાં જ ફરતાં છાવણીનો રસ્તો ઘણો સાંકડો અને ખાડાખઈઆવાળો હતો. રસ્તામાં ઘોડા, ગાડીઓ, ગાડાં, ગધેડાં, ખચર વગેરેની ભીડ ઘણીજ હતી. એટલી ભીડમાં મિસ નાઇટીંગેલનો ઘોડો ચમકયો. પરંતુ બાળપણથી ઘોડાપર બેસવાની ટેવ હતી તેથી પોતાનું રક્ષણ બરાબર કરી શક્યાં.

કેડીકેાઈ નામના ગામડામાંની હોસ્પીટલ તપાસીને રણસંગ્રામ જોવાને એમની ટુકડી એક નહાની ટેકરી ઉપર ચઢી, ત્યાંથી લઢાઈ બરોબર દેખાતી હતી.

સીબેસ્ટેપોલથી આવતા તોપના ધડાકા સંભળાતા હતા, રણશીંગમાંના અવાજ આવતા હતા અને પાસે જ બેલેકલેવાની ખીણોમાં સિપાઈઓ લઢતા અને પડતા.

ફ્લૉરેન્સ નાઇટીંગેલે સર્વ રચના ઘોડા ઉપર બેઠે બેઠે જોઈ, અને પછી શોકાર્દ્ર હૃદયથી ત્યાંથી પાછાં ફર્યો. કારણ કે તે જાણતાં હતાં કે તે ઘેરો પૂરો થશે એટલામાં હજારો સિપાઈઓ મૃત્યુ પામશે અથવા ઘાયલ થશે.

મુખ્ય છાવણીમાં જતાં જતાં તેમણે કેટલાએક નહાની હોસ્પીટલો તપાસી લીધી. ત્યાર પછી કમાન્ડર સાહેબના મુકામ તરફ ગયાં. ત્યાં ખબર કહાડતાં માલૂમ પડયું કે સાહેબ તો બહાર નીકળી પડ્યા હતા તેથી સીબેસ્ટેપોલની મોટી 'જનરલ હોસ્પીટલ' જોવા ગયાં.

આ હોસ્પીટલમાં છસો સાતસો દર્દીઓ પડેલા હતા અને તે સર્વને જ્યારે ખબર પડી કે સ્કયુટેરાઈનાં ભલાં 'બાઈ સાહેબ' તેમને મળવા આવે છે ત્યારે તેમના આનંદનો પાર રહ્યો નહિ. દવાખાનામાંથી જયારે રસોડામાં તે ગયાં ત્યારે તેમના હાથ નીચે જે લેાકેા સારા થએલા હતા તે કામ કરતા હતા. તેમણે તાળીઓ અને ખુશીના પોકારથી તેમને આવકાર દીધો. આવી લાગણી જોઇને તેમને અત્યંત ખુશી થઈ, ઘોડા ઉપર બેઠેલાં હતાં, એટલે તેમણે ફક્ત માથું હલાવીને સર્વને ઉપકાર માન્યો. લોકો એટલા જોરથી હર્ષની બૂમો પાડતા હતા કે મિસ નાઇટીંગેલના ઘેાડાએ તોફાન કરવા માંડયું અને જ્યાં સુધી લોકો શાંત થયા ત્યાં સુધી એક માણસે તેને દોરીને ચલાવ્યેા.

સીબેસ્ટપોલની ફ્રેંચ અને ઈંગ્લીશ છાવણીમાં ફર્યા પછી જે કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો તે જોવા સર્વ ગયાં, સારી જગ્યા ખેાળીને બધાં ઉભાં રહ્યાં. ત્યાં બંદુકના બહાર થતા હતા.

એટલામાં એક દરવાને આવીને કહ્યું કે ત્યાંથી સર્વ ઉતરી જાઓ તો સારૂં કેમકે કોઈ લેાકને ઉભેલા ત્યાં જોશે તો શત્રુઓ તેમના તરફ બંદૂક ફોડશે. મિસ નાઇટીંગેલ જરા આઘે જઈને ઉભા.

ત્યાંથી સર્વ નિરીક્ષણ કર્યા પછી એથી પણ વધારે ધાસ્તી ભરેલી જગ્યાએ જવાની મિસ નાઇટીંગેલે ઈચ્છા બતાવી. પેલો દરવાન તો બિચારો ગભરાઈ ગયો. તેણે કહ્યું કે "બાઈ સાહેબ ! પરમેશ્વર ના કરે ને તમને જો કાંઈ થાય તો મારૂં નામ બદનામ ના કરશો. હું તો આ સર્વ સાહેબની સાક્ષી લઈને કહીશ કે મેં તો પહેલેથી ચેતાવ્યાં હતાં."

મિસ નાઇટીંગેલે તેને જવાબ દીધો કે "ભાઈ, મારા મોં આગળથી તો કાંઈ સેંકડો માણસો મરી ગયાં છે, મને કાંઈ મોત જોવાની નવાઈ નથી અને તેથી જ હું મૃત્યુથી બ્‍હીતી નથી."

છેવટ આ ટુકડી સીબેસ્ટેપોલનો ઘેરો જોવાને તોપખાના આગળ આવી પહોંચી ત્યાં મોં. સોયરની ઈચ્છાથી એક ઉંચી ટેકરી ઉપર મિસ નાઇટીંગેલ ચઢ્યાં. એ જગ્યા એટલી ઉંચી અને મધ્ય ભાગમાં હતી તેની તેમને કાંઈ જ ખબર નહોતી. જેવાં તે મધ્ય ટોચ ઉપર ચઢીને સ્વસ્થ થયાં કે સર્વ તેમના ગુણનાં વખાણ કરીને હર્ષના પોકાર કરવા લાગ્યાં. દૂરથી લશ્કરના સિપાઈઓએ પણ તેમને ઓળખ્યાં, અને તે લોકો પણ હર્ષની બુમો પાડવા લાગ્યા - એટલે સુધી કે સીબેસ્ટેપોલમાં રશીઅનો ગભરાયા. છેક સંધ્યાકાળે મિસ નાઇટીંગેલ પાછાં ફર્યા. ધણી જ ઝડ૫થી ઘેાડા દોડાવવા માંડ્યા તે છતાં અંધારૂં થઈ ગયું. રસ્તો એટલો સાંકડો અને ઉભેા હતેા કે ઘેાડા સરી પડવાની બીક લાગી. અને તેથી એક સ્વાર પોતાના ઘોડા ઉપરથી ઉતરીને મિસ નાઈંટીગેલનો ઘેાડો દોરીને ચાલવા મંડયો. ચાલતાં ચાલતાં તેમના ઘોડાએ તે સ્વારના માથામાં ઘણા જેારથી માથું માર્યું. તેને વાગ્યું તે ઘણું જ અને લોહી પણ પુષ્કળ વહી ગયું; પણ મુકામે પહોંચતાં સુધી તે મુંગોજ રહ્યો અને કેાઈને ખબર પડવા દીધી નહિ. બેલેકલેવાની હોસ્પીટલમાં પહોંચ્યાં ત્યારે ફ્લૉરેન્સ નાઇટીંગેલને જાણ થતાં પોતે જ તેનો ઘા ધોઈ નાંખ્યો અને તેના ઉપર પાટો બાંધ્યો.