ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૩ જું

વિકિસ્રોતમાંથી
←  પ્રકરણ ૨ જું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૩ જું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૪ થું →


પ્રકરણ ૮ મું.


ફ્લૉરેન્સ જ્યારે સત્તર વર્ષની થઈ ત્યારે પોતાના પિતાની સાથે શાળાઓની દેખરેખ કરવા તથા ગામડામાં વસતા ગરીબ લેાકેાની મુલાકાતે જતી. લાકેાની તેના ઉપર ઘણી જ મમતા હતી અને સર્વે તેને ઘણી જ માયાળુ તેમજ બુદ્ધિવાન બાળા ગણતાં. તેણે પરદેશની મુસાફરી પણ થોડી ઘણી કરી હતી. તે ફ્રેંચ, જર્મન અને ઈટેલીઅન ભાષા સારી રીતે બોલી શકતી હતી. સંગીતમાં પણ એનો ઘણો જ મધુર કંઠ હતો. ચિત્રકામ, છબી પાડવાનું કામ, સર્વમાં તેણે પ્રવીણતા મેળવી હતી. શીવતાં, ભરતાં પણ તેને ઘણું ઉત્તમ પ્રકારનું આવડતું. ગરીબ લેાકેાને માટે તે ગરમ લુગડાં હાથે શીવતી, ભરતી અને ક્રીસ્ટમસ વખતે સર્વ તેમને બક્ષીસ આપતી.

લીહર્સ્ટ અને ઍમ્બબ્લીના પાદરીઓને તે ઘણી જ સહાયભૂત થતી. ગરીબ લોકોની ઝુંપડીમાં તેનું નામ એક દેવી સમાન ગણાતું. લેાકો તેની આતુરતાથી રાહ જોતાં અને એટલી નહાની વયમાં સર્વને ને દુઃખમાં દીલાસો દેતી. લોકો તેની આગળ નિખાલસ દીલથી પોતાનાં સુખ દુઃખની વાતો કરતાં અને તેને એક મિત્ર કરતાં પણ અધિક ગણતાં.

જો કોઈ કુટુંબમાં મંદવાડ હોય તો તરત “મિસ ફ્લૉરેન્સ” ની સલાહ પૂછવામાં આવતી, કારણ કે એટલી ઉમરે પણ નર્સીંગનો થોડો ઘણો અભ્યાસ તેણે કર્યો હતો, તેમજ બિમાર માણસને આશ્વાસન અને શાંતિ મળે એવા ઉપચાર એમને સ્વાભાવિક રીતે જ સૂઝતા હતા. એમનો કંઠ પણ એટલે મધુર અને પ્રિયકર હતા કે માંદા માણસના મોં આગળ તે વાંચતાં તો તેમને આનંદ મળતો.

બાળપણથી જ લેાકોપયેાગી જીવન ગાળવા તરફ તેમની વૃત્તિ હતી. તે વખતની સારી સ્થિતિની બાળાઓને કાંઈ પણ તરેહનો ઉદ્યમ ના હોવાથી જે નિરૂત્સાહી જીવન ગાળવું પડતું તેવી બીક તેને જરાએ નહોતી, કારણ કે ગમે તે સ્થાને અને ગમે તે વખતે કાંઈ પણ ઉપયોગી ઉદ્યમ તેને સૂઝી આવતો.

તે ગામની નિશાળ ઉપર મિ. નાઇટીંગેલની દેખરેખ બહુ હતી અને ફ્લૉરેન્સ શાળાના બાળકોને રમત ગમત કરવામાં તેમને સારી મદદ કરતી. દર વર્ષે એક વાર તેમને ઘેર બાળકેાને મીજબાની અપાતી અને ફ્લૉરેન્સ, પાર્થી અને તેમની માતા સર્વ તેમાં ઉત્સાહથી ભાગ લેતાં. મીજબાની થઈ રહ્યા પછી દરેક છોકરાને વિવિધ પ્રકારની ભેટ મિસ નાઈટીંગેલને હસ્તક આપવામાં આવતી.

ધર્મનું કામ પણ ફ્લૉરેન્સ તેટલી જ હોંસથી કરતી. પોતાના ગામમાં વસતી જુવાન સ્ત્રીઓ માટે એક બાઈબલ કલાસ કહાડી હતી; તેમાં કોઈ પણ પંથની સ્ત્રીને દાખલ થવાને પ્રતિબંધન નહોતું. કોઈ પ્રકારનું પરોપકારનું કાર્ય થતું હોય તેમાં ભાગ લેવાને તે હંમેશ આતુર હતી. પોતાની પડોશમાં મિ. અને મિસીસ સીડની હર્બર્ટે એક બાળકો માટે હૉસ્પીટલ કહાડી હતીઃ તે માટે તે અત્યંત ઉત્સાહથી કામ કરતી હતી.

ધર્મ અને પરોપકારનાં કાર્ય ઉપરાંત અનેક વ્યાવહારિક સમાજોમાં મિસ નાઇટીંગેલ ભાગ લેતાં. પ્રસંગોપાત લંડનની સભાઓ–મીજલસેામાં પણ હોંસ અને આનંદથી બંને બહેનો જતાં. પરંતુ વખત જતાં ફ્લૉરેન્સ નાઇટીંગેલનું મન સામાજીક મોજ શોખ ઉપરથી ઉડી ગયું હતું. અને વધારે લેાકોપયોગી કાર્ય કરવા તરફ તેનું લક્ષ દોરાયું હતું. પોતાના કુટુંબમાં એકાદ બે સખ્ત મંદવાડ તેણે પ્રત્યક્ષ જોયા ત્યારથી માવજત (નર્સીંગ) કરવામાં તેને સારી કુશળતા મળી હતી; અને જ્યારે ઘરમાંથી મંદવાડ ગયો ત્યારથી નર્સીંગનો નિયમસર તેણે અભ્યાસ કરવા માંડયો. આજ કાલ યુરોપમાં અનેક કુળવાન્ સ્ત્રીઓ નર્સ થાય છે, તેથી અસલના વખતમાં એ બાબત માટે કેટલો વિરૂદ્ધ મત હતો તેનો ખ્યાલ ત્યાંની પ્રજાને આવી શકે નહિ; પરંતુ આપણા લોકેાના વિચાર હજી એટલા આગળ વધેલા નથી તેથી આપણે તે સમજી શકીશું. કેાઈ સારા કુટુંબની હિંદુ કન્યા જન્મપર્યંત કુંવારી તો રહેજ નહિ, પણ કેાઈ વિધવા પણ પરોપકાર કરવામાં જ પોતાનું જીવન ગાળે, માંદા મનુષ્યની યોગ્ય સારવાર કરીને તેમનાં દુઃખમાં ઘટાડો કરવાને નર્સનો ધંધો કરે, આ સર્વ ખ્યાલ આપણા લેાકેાને અરૂચિકર લાગશે. એ વાત તો બને જ કેમ, એથી તો સ્ત્રીની મર્યાદા એાછી થઈ જાય વગેરે અનેક ચર્ચા થાય.

ફ્લૉરેન્સ નાઇટીંગેલના વખતમાં તેમના દેશની પણ એ જ સ્થિતિ હતી. છતાં તે બાબતમાં આ સ્ત્રી અગ્રેસર થઈ ભવિષ્ય માટે તેણે સંપૂર્ણ વિચાર કર્યો નહોતો, પરંતુ એટલું તો તેમને માલમ પડયું હતું કે યોગ્ય શિક્ષણ વગર કાંઈ પણ કાર્ય સંપૂર્ણ થાય નહિ. તેનો તો એજ અભિપ્રાય હતો કે 'ગમે તે ધંધો કરવાને હોય તો તેનું પરિપૂર્ણ શિક્ષણ લેવું જોઈએ. તે સિવાય કાર્ય થાય નહિ. પુરૂષો જેમ પોતાના ઉદ્યમને વળગી રહે છે તે જ પ્રમાણે સ્ત્રીઓએ પણ કરવું જેઈએ; કારણ કે અ- પૂર્ણ કાર્યથી ઈશ્વર પ્રસન્ન થતો નથી. સ્ત્રીઓ કાંઈપણ ઉદ્યમમાં ફત્તેહમંદ થતી નથી તેનું કારણ એ જ છે કે પુરૂષની માફક તેમને શિક્ષણ મળતું નથી.

આવા દૃઢ નિશ્ચયથી મિસ નાઇટીંગેલે પોતાનું કાર્ય શરૂ કર્યું હતું. બીજાને જે શિખામણ આપતી તે જ પ્રમાણે પોતે વર્તાવાનો પ્રયત્ન ક- રતી, અને તેથી જ તેણે આટલું શ્રેષ્ઠ પદ મેળવ્યું હતું. પિતાની સાથે અનાથ લોકોની મુલાકાતે તે જતી હતી. ત્યારથી તેને લાગ્યું હતું કે, ગરીબ માંદા માણસને શીખેલી નર્સની ધણી જ અગત્ય છે. પ્રથમ ગામડાએામાં નર્સ રાખવાની (district nurse) રીતને પ્રચાર કરવાનો તેણે પ્રયત્ન કર્યો. લશ્કરમાં નર્સ રાખવાની પદ્ધતિનો ખ્યાલ તો તેને ઘણો પાછળથી જરૂર પડવાથી આવ્યો હતો.

આ પ્રસંગે જ્યારે તેમનું મન આ મહાન પરોપકારના કાર્યમાં ગુંથાએલું હતું તે વખતે તેમને ઈલીઝાબેથ ફ્રાય નામની એક મોટી ૫રોપકારી સ્ત્રી સાથે મુલાકાત થઈ. ( આ મહાન્ સ્ત્રીએ સ્ત્રી કેદીઓની દયા લાવીને તેમની રીતભાત, નીતિ વગેરેમાં સુધારો કરીને અનેક રીતે તેમને મદદ કરી હતી.) આ નામાંકિત નારીની મુલાકાતથી ફ્લૉરેન્સના મનમાં કાંઈ નવીન પ્રકારનો જ ઉત્સાહ ઉત્પન્ન થયો. બંનેના પરોપકાર કરવાના માર્ગ જુદા હતા: છતાં ઈલીઝાબેથ ફ્રાયના લાંબા અનુભવને લીધે ફ્લૉરેન્સને ઘણું શીખવાનું મળ્યું. મિસીસ ફ્રાયે યુરોપનાં બધાં કેદખાનાની મુલાકાત લીધી હતી, અને લંડનમાં નર્સોને માટે એક નહાનો આશ્રમ સ્થાપ્યો હતો. જર્મનીમાં કૈસરવર્થમાં સ્થપાએલો નર્સનો આશ્રમ તેમણે જોયો હતો, અને તે ઉપરથી જ ફ્લૉરેન્સને તે જોવાની ઉત્કંઠા થઈ અને થોડા વર્ષ પછી તે પોતે તેમાં શિક્ષણ લેવા દાખલ થયાં.

વચગાળામાં તેમણે લંડનનાં જાણીતાં દવાખાનામાં થોડા મહિના રહીને શિક્ષણ લીધું, અને કેટલોક અનુભવ મેળવ્યો; તે ઉપરાંત ડબ્લીન અને એડીનબરોની હૉસ્પીટલની પણ તેમણે મુલાકાત લીધી. ત્યાર પછી ફ્રાન્સ, જર્મની અને ઈટાલીનાં નર્સીંગ આશ્રમોની મુલાકાત લીધી. ત્યાંંની સરખામણીમાં ઈગ્લંડમાં ચાલતી નર્સીંગની વ્યવસ્થા ઘણી ઉતરતા દરજ્જાની હતી. કારણ કે ત્યાં તો તે વખતે ઘણીજ હલકી વર્ણની અજ્ઞાન ને વળી અનીતિવાન સ્ત્રીઓ નર્સીંગ કરતી હતી, અને તેથી ઘણાં માઠાં પરિણામ થયાં હતાં. મૃત્યુની સંખ્યા આગળ જ્યાં પ્રભુભક્તિ અને નીતિમય જીવનની ઘણી જ અગત્ય ત્યાં આવી સ્ત્રીઓને લીધે ઘણો બગાડ થતો. કદાપિ કોઈ ધર્મગુરૂ આવીને ચાર શબ્દ બોલીને ધર્મ અને નીતિને સદ્દબોધ આપી જાય, પરંતુ તેથી કાંઈ તે સ્ત્રીનર્સો ઉપર અસર થતી નહિ; નર્સ થઈ એટલે વ્યસની તો હોવી જ જોઇએ, એવી લોકવાયકા સામાન્ય થઈ ગઈ હતી, અને તેમની અસ્વચ્છ રીત ભાતથી ઉલટી રેાગમાં વૃદ્ધિ થતી હતી. નર્સના ધંધા ને એટલો બદલામ કરી નાંખેલો હતો કે કોઈ સારા કુળની સ્ત્રી એમાં દાખલ થવાની હીંમત કરી શકતી નહિ; અને જો કદાપિ હીંમત ધરીને કેાઈ દાખલ થાય તો તે પોતાની આબરૂ ખોતી. ફ્રાન્સ, જર્મની અને કોઈલીમાં ફલોરેન્સને માલુમ પડયું કે તે દરેક ઠેકાણે નર્સ સુશિક્ષિત, કેળવાએલી અને ભક્તિમાન્ હતી. તેઓ 'સિસ્ટર્સ ઑફ મર્સી' (પરોપકારી બહેનો) કહેવાતી હતી.

કેટલાક સૈકાથી રોમન કૅથલીક પંથમાં કેટલીક સન્યાસિનીઓને ગરીબ માંદાની તેમના ઘરોમાં જઈને માવજત કરવાનું શિક્ષણ આપવામાં આવતું અને હૉસ્પીટલોમાં પણ તેવી જ નર્સોને રાખવામાં આવતી. આમાંની ઘણીખરી સ્ત્રીઓ સારા કુળની અને કેળવાએલી હતી, અને તેઓ માત્ર પોતાના આત્માના અને ધર્મના ઉત્કર્ષ માટે જ દાખલ થએલી હતી.

આ સિસ્ટર્સ ઍાફ મર્સીનું કામ ફ્લૉરેન્સ નાઈટીંગેલને ઘણુંજ પ્રશંસાપાત્ર લાગ્યું. ઘણાંએક શહેરોની મુલાકાત લીધા પછી જર્મનીમાં કૈસરવર્થમાં સ્થપાએલા આશ્રમમાં શિક્ષણ લેવાનો તેમણે નિશ્ચય કર્યો; કારણ કે ત્યાંની સર્વ વ્યવસ્થા તેમને ઉત્તમ પ્રકારની લાગી.