ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૬ ઠ્ઠું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  પ્રકરણ ૫ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૬ ઠ્ઠું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૭ મું →


પ્રકરણ ૬ ઠ્ઠું.


ક્રાઇમીયાની મોટી લડાઈમાં ફ્લૉરેન્સ નાઇટીંગેલે જે અખંડ નામના મેળવી તે પહેલાં તેમના મિત્રોને તે ભવિષ્યની તેમની ખ્યાતિની ઝાંખી થતી હતી.

આ મહાન્ સંગ્રામ ઈ. સ. ૧૮૫૪ ની વસંત ઋતુમાં શરૂ થયો. ઘણા વખતથી ગ્રેટબ્રિટન અને રૂશિઆ સાથે ઝગડો ચાલતો હતો. ૧૮૫૪ ના માર્ચ મહિનામાં ગ્રેટબ્રિટન તરફથી છેવટની સૂચના મોકલી તે રૂશિઆએ સ્વીકારી નહિ, તેથી ઇંગ્લંડને તુર્કસ્તાનના સુલતાનને મદદ કરવાની અને રૂશિઆ સાથેનો સંબંધ તોડી નાંખવાની અગત્ય પડી અને રૂશિઆની સાથે વિગ્રહ શરૂ થયો.

આ વખતે ફ્રાન્સ અને ઇંગ્લંડનો એકારો હતો તેથી ફ્રાન્સ અને ઇંગ્લંડ બંને દેશમાં રણસંગ્રામ માટે તૈયારી થવા માંડી, સર ચાર્લ્સ નેપીઅરને નૌકા સૈન્યના ઉપરી તરીકે મોકલવામાં આવ્યો હતો. આખા દેશને લડાઈમાં યશ મેળવવાને માટે ઘણો જ ઉત્સાહ હતો અને તેથી જ સર્વ સૈનિકો જુસ્સાભેર તૈયારી કરતા હતા.

એક પછી એક બ્રિટિશ સૈન્યની જીત થયાની ખબર આવતી. પરંતુ એ વિજયની ખબર સાથે એવા સમાચાર આવવા લાગ્યા કે ઘાયલ થયેલાની સંખ્યા દિવસે દિવસે ઘણી જ વધી જાય છે. દર્દીઓની સંભાળ બીલકુલ લઈ શકાતી નથી અને માણસો કૂતરાં બિલાડાંની માફક મૃત્યુ વશ થાય છે. લશ્કરની વ્યવસ્થામાં ઘણી જ ગફલત થતી હતી. સૈનિકેાનો ખેારાક ખુટી પડયો હતો.

દારૂગોળાની નીચે ખોરાક, કપડાં વગેરે સર્વ ચીજેને ભરી દેવાઈ ગઈ હતી, તેથી જયારે તેની જરૂર પડી ત્યારે કાંઈ બહાર નીકળી શક્યું નહિ. વળી જથ્થાબંધ સામાન બીજે જ કાંઠે આવીને પડયો રહ્યો હતો. ઘાયલ થયેલાં સિપાઈઓને પાટાપટીનાં લૂગડાં પણ મળી શકતાં નહિ.

આ પ્રસંગની એક નોંધ છે કે "દરદીની ઈસ્પીતાળમાં જે વસ્તુઓનો ઘણો જ ખપ પડે એવી સાધારણ ચીજો પણ અહીં નથી.

“સ્વચ્છતા ઉપર તો કોઈ લક્ષ આપતું જ નથી. "

“લોકો દુર્ગંધને લીધે અર્ધા તો મરી જાય છે."

“ઘાયલ થયેલાંને જોનાર સરખુંએ કોઈ હોતું નથી, જેવા પડે છે તેવાજ મરી જાય છે."

“ઘાયલ થયેલા સિપાઈઓની સંખ્યા એટલી વધવા માંડી કે ડાકટરો એાછા પડયા.

“અંતકાળની પીડા ઓછી કરવાને ત્યાં સ્ત્રીનો કોમળ હસ્ત તો લાવે જ કયાંથી ?"

ઇંગ્લંડના સૈનિકની આવી દયાજનક સ્થિતિ હતી, પરંતુ ફ્રેન્ચ સિપાઈઓની તો ઘણીજ સંભાળ લેવાતી હતી. સંગ્રામની છાવણીમાં અને ઈસ્પીતાળમાં, સિસ્ટર્સ એક મર્સિ, દરદિઓની સારવાર અત્યંત ખંતથી કરતી હતી. તેમને દવા, દારૂ, ખેારાક, વસ્ત્ર વિગેરે સર્વ વખતસર મળતું. ફ્રાન્સના રોમન કેથલીક મઠમાં તેમને આજ કામ શીખવવામાં આવ્યું હતું, અને લડાઈમાં જવાને તેમને કાંઈ પ્રતિબંધ નહોતો. તે પ્રસંગે વર્તમાન પત્રોમાં ઇંગ્લીશ લોકો વિશે એવાં સખત લખાણ આવ્યાં કે સર્વને નીચું જોવું પડયું. એક પત્ર લખે છે કે "સ્ક્યુટેરાઈની ઈસ્પીતાળમાં રીબાતા સૈનિકોની વ્હારે ધાનાર શું ઈંગ્લંડમાં કાઈ પરોપકારી સ્ત્રીઓ નથી ? આવી ખરેખરી અણીને વખતે દયાનું કામ કરવાને કોઈ તૈયાર નહિ થાય ? ફ્રાન્સ તરફથી તો સિસ્ટર્સ ઑફ મર્સિ (પરોપકારી બહેનો) સંખ્યાબંધ ગઈ છે, અને સ્ત્રીઓને યોગ્ય સર્વ કામ કરીને દુઃખીનાં દુઃખનું નિવારણ કરે છે. આપણે શું ફ્રેન્ચ લોકો કરતાં સ્વાર્થત્યાગમાં અને કર્તવ્યપરાયણતામાં ઉતરતા રહીશું !" રણસંગ્રામમાં ગયેલા સૈનિકેાની સ્ત્રીઓ લશ્કરી છાવણીમાંથી આ અથાગ પીડાના સમાચાર મોકલતી હતી. તેઓ તેમનાથી બને તે ઉપાય કરતી હતી. પણ કામ એટલું વિકટ થઈ પડયું હતું કે, કોઈનું કાંઈ ઉ૫જી શકતું નહિ. એક સ્ત્રી લખે છે-" છાવણીમાં ઠેર ઠેર માંદા અને ધાયલ થયેલા માણસો પડયા છે. મારા એારડાનાં મોં આગળ કેટલા તો પડયા છે, મારાથી બનતા ઉપાય તો હું કરું છું ઘાયલ થયેલાઓને માટે હું રસોઈ તૈયાર કરી આપું છું: મારી પાસે એક સ્ત્રી નર્સ નથી, પણ મને લાગે છે કે હોય તો ધણું સારૂં. ફ્રેન્ચ લોકો તરફથી પચાસ નર્સ કામ કરે છે." ઈંગ્લંડ તરફથી સ્ત્રી નર્સો નહોતી મેાકલી તેનું કારણ લશ્કરના વડા અધિકારી તરફથી એવું આપવામાં આવ્યું કે, " લશ્કરના ઓફીસર વર્ગને એ વાત બહુ પસંદ પડતી નથી. પહેલાની લઢાઈએ વખત સ્ત્રી નર્સો મેાકલવામાં આવી હતી. પણ તે પ્રયાગ સફળ થયો નહોતો. કારણ કે ઘણા હલકા વર્ગની સ્ત્રીઓ નર્સ તરીકે ગઇ હતી, તેઓ એટલી દુર્વ્યસની અને દુરાચારી હતી કે માંદા સિપાઈઓ કરતાં તેમની સંભાળ લેવાનું કામ ધણું કઠણ થઈ પડતું. આજની લઢાઈ વખતે પણ નર્સોનો બંદોબસ્ત કરવા માંડ્યો; પણ સર્વ નર્સની જુમેદારી રાખનાર કેાઈ ગૃહસ્થની સ્ત્રી જોઈએ તે મળવી મુશ્કેલ છે. છેવટ મિસ્ટર સિડની હર્બટે મિસ નાઇટીંગેલનું નામ સૂચવ્યું, અને આ ભલી નારીએ તરત તે કામ ઉઠાવી લેવાની હા પાડી,"ઈંગ્લંડ તરફથી નર્સો નહોતી મોકલાઈ તેનું ખરૂં કારણ તો આજ હતું. ઈસ્પીતાળોમાં જે નર્સો કામ કરતી હતી તે બીલકુલ આબરૂદાર સ્ત્રીઓ નહેાતી; તેઓ તદ્દન અભણ હતી અને પોતાના કામની પણ તેમને કાંઈ આવડ નહેાતી.

કેટલીએક આબરૂદાર સ્ત્રીએ લશ્કરમાં નર્સ તરીકે જવાને ખુશી હતી; પરંતુ તેમને માંદાની સારવાર કેવી રીતે કરવી તેનો જરા પણ ખ્યાલ નહોતો. અને હાથ નીચેના નોકર ચાકરને શી રીતે દાબમાં રાખવા તે કાંઈ આવડતું નહિ. આ ઉપરથી સ્ત્રી નર્સો સમુળગી ના મોકલવી એમ જ દુરસ્ત લાગ્યું. વર્તમાન પત્રોનાં લખાણોથી સ્ત્રીઓની સ્વદેશ પ્રીતિ જાગ્રત થઈ અને સરકારમાં અનેક અરજીઓ આવવા લાગી. પણ તેની વ્યવસ્થા કોણ કરશે, અને કેવી રીતે થશે તેનો હવે સવાલ રહ્યો. મિ. સિડની હર્બર્ટ લશ્કર ખાતાનો ઉપરી હતો, અને એને તરત પોતાની મિત્ર મિસ નાઈટીંગેલનું નામ સુઝી આવ્યું. તેને એમ જ લાગ્યું કે કેળવણી, ગૃહસ્થાઈ અને આબરૂ સર્વ રીતે આ એક જ સ્ત્રી નર્સોનું ઉપરીપણું કરવાને તથા બધી દેખરેખ કરવાને યોગ્ય છે, ને મિસ નાઇટીંગેલને ઘણી સારી રીતે એાળખતો હતો. ઇંગ્લંડમાં અને બીજે દેશ પરદેશ ફરીને તેમણે કેટલુંક જ્ઞાન અને અનુભવ મેળવ્યા હતા તે તે બરાબર જાણતો હતો. તે ઉપરાંત હાર્લી સ્ટ્રીટના શિક્ષકેામાં રહીને તે સર્વ રીતની યોજના કેવી રીતે કરવી તે તે શીખ્યાં હતાં, તે વાત પણ તે જાણતો હતો. મિસીસ હર્બર્ટે પણ એવો જ મત આપ્યો કે જો મિસ નાઇટીંગેલ આ કામ ઉપાડી લેવાની હા કહે તે ખચીત બધી યોજના ફતેહમંદ નીવડે. પરંતુ સ્વભાવિક રીતે આવી ધાસ્તી ભરેલું કામ કોઈને સોંપવાની સુચના કરતાં ખંચાવાય તો ખરું જ. મિ. અને મિસીસ નાઇટીંગેલ પણ પોતાની પ્રિય સ્નેહીને આવું જીંદગીના જોખમ ભરેલું તે ઉપરાંત લોકેાની વિરૂદ્ધ :ટીકા સહન કરવાનું કામ સોંપતાં અચકાયાં. આવા મોટા ગૃહસ્થની પુત્રી તે શું સાધારણ સિપાઈની સારવાર કરે ? એવી રીતની અજ્ઞાન લોકો જરૂર ચર્ચા કરશે, એમ તેમને લાગ્યું. મિ. હર્બર્ટને એમ તો લાગ્યું જ હતું કે જો કદાપિ મિસ નાઇટીંગેલ જવાની હા પાડે તો તેમને સર્વ પ્રકારની સત્તા સ્વાધીન કરવી અને સરકાર તરફથી સર્વ રીતે સહાયતા આપવી, કારણ કે તેથી ઘણો ફેર પડે. દરેક નર્સ સ્વતંત્રપણે લશ્કરની છાવણીમાં વર્તે એમ તો કરી શકાય જ નહિ- તેમ જ સ્ક્યુટેરાઈની ઈસ્પીતાળના અધિકારીઓને પણ તેમની દેખરેખ રાખવાનું કામ સોંપાય તેમ પણ નહોતું કેમકે ત્યાંની ઈસ્પીતાળોમાં તો સડો પેઠેલો હતો, ને તે તો ખાસ સુધારવાનો ઉદ્દેશ હતો. અને મિસ નાઇટીંગેલ જેવી બાહેશ સ્ત્રી સર્વ સત્તા વગર યોજના કરવાનું કબુલ પણ કરી શકે જ નહિ.

ભાગ્યજોગે મિ. સિડની હબર્ટને એાળખાણ પીછાણ ઘણાં હતાં અને સરકારમાં વગ સારી હતી. તેથી મિસીસ નાઇટીંગેલને ક્રાઈમીઆની નર્સના સુપરીન્ટેન્ડેન્ટ (નિયોજક) તરીકે મોકલવાની સુચના સર્વાનુમતે કબુલ થઈ અને તે ઉપરાંત ઉપરી વર્ગના મનને પણ નિવૃતિ થઇ. જ્યારે સર્વ કબુલતે આટલી ગોઠવણ થઇ ત્યારે સિડની હર્બર્ટે મિસ નાઇટીંગેલને નીચે પ્રમાણે કાગળ લખ્યો.

ઓક્ટોબર, ૧૫, ૧૮૫૪.

પ્રિય મિસ નાઈટીંગેલ.
ન્યુસપેપરો ઉપરથી તમને માલુમ તો પડયું જ હશે કે સ્ક્યુટેરાઈમાં નર્સની કેટલીક ખોટ છે, ડાકટરો. કપડાં, પાટા, પટી, વગેરેની જે ખોટ હતી તે માટે તો યોગ્ય ઉપાયો લેવાઈ ગયા છે, કારણ કે ઘણા ડાકટરો અહીંથી મોકલ્યા છે ને તે તો હવે કોન્સટેન્ટીનોપલ પહેાંચી પણ ગયા હશે. ખેારાક, દવાદારૂ, ઓઢવાનાં, પાથરવાનાં, ચાદરો, કાંજી વિગેરે હજારો મણ માલ મોકલ્યો છે, તે જો ખરે રસ્તે જશે તો તે પણ સર્વ પહોંચી ગયા હશે, પરંતુ સ્ત્રી નર્સોની ખોટ તો કાયમ જ છે. લશ્કરી ઈસ્પીતાળોમાં હજી સુધી કેાઈ સ્ત્રી નર્સોને દાખલ કરવામાં આવી નથી. રણસંગ્રામમાં સ્ત્રી નર્સોની મોટી સંખ્યા લઈ જવાની ઘણી અગવડ પડે પણ સ્કયુટેરાઈમાં તો હવે એક સ્થાયી ઈસ્પીતાળ થઈ છે અને તેથી સ્ત્રી નર્સો દાખલ
કરવામાં હવે કાંઈ વાંધા જેવું નથી, બલ્કે તેથી ઉલટો ધણો લાભ થવા સંભવ છે, કારણ કે મરદો સમજ્યા વગર સારવાર કરે એ તદન અસંભવિત વાત છે, અનેક સ્ત્રીઓ તરફથી મારા ઉપર સ્કયુટેરાઈ જવાને અરજીએા આવી છે. પણ ઈસ્પીતાળ કેવી હોય તથા તેમાં કેટલું કામ કરવાનું હોય તેનો તેમને મુદ્દલ ખ્યાલ નથી. અને ખરૂં કામ પડે ત્યારે એ લોકે ખશી જાય અથવા તદ્દન નામનું કામ કરે અને તેથી ઉલટાં ભારે પડે તે ઉપરાંત કાયદાને આધીન થવાની લશ્કરમાં કેટલી અગત્ય છે તે તેઓ સમજી શકે નહિ. આવા મોટા કાર્યને માટે ઈંગ્લંડમાં તો એક જ નિયોજક છે, એમ મને તો લાગે છે: અને મારી નજર તો તમારા ઉપર જ ઠરે છે. તમે હા કહેશો કે નહિ તે પ્રશ્ન છે, કયા વર્ગમાંથી નર્સો પસંદ કરવી એ કામ ઘણું કઠણ છે, પણ તમે તે સર્વે સારી રીતે સમજો છેા. પસંદ કર્યા પછી એ આટલું વિકટ કામ કાયદેસર તેમની પાસે હીંમતથી લેવડાવવું, અને ત્યાંના લશ્કરી અમલદારોની સાથે, સલાહ સંપથી રહીને બધી વ્યવસ્થા કરવી એ સર્વ ઘણું જ કઠણ કામ છે અને તેટલા જ માટે કોઈ ઘણા જ કુશળ નિયોજકની જરૂર છે.
મારી માગણી એ જ છે કે આટલી આટલી અગવડો છતાં તમે નિયોજક તરીકે જવા ખુશી છો ? તમને બધી રીતની સત્તા સરકાર તરફથી મળશે, અને તે ઉપરાંત ત્યાંના ઈસ્પીતાળના અધિકારીઓ તમારી આડે જરા નહિ આવે, એવો હું ચોક્કસ બંદોબસ્ત કરી આપીશ, અને સરકારમાંથી તમારું કામ મન ગમતું થવાને જેટલા પૈસા જોઈએ તેટલા ખર્ચવાને હું તમને છૂટ આપીશ. તમને જવા માટે હું કાંઈ બહુ બોંહોંસ નથી કરતો, પણ આવી અણીની તક સાચવનાર તમારા જેવું કાઈ મારા જાણમાં નથી. જો તમે હા કહેશો તો જ આ યોજના સફળ થશે. તમારા પોતાના સ્વાભાવિક ગુણો, તમારું જ્ઞાન, તમારી જનસમુહમાં પદવી એ સર્વ જેતાં તમે જ યોગ્ય નાયક છો. તમે જે હા કહેશો તો હજારો

માણસનું ભલું થશે, તમારી પોતાની તે વખતે મરજી થશે, પણ તમારાં માતા પિતા તમને જવાને પરવાનગી આપશે? આ કાર્ય આખા દેશના ભલાને ખાતર છે, અને સુચના સરકાર તરફથી થઈ છે, તેથી તમારાં માન આબરૂ સર્વ રીતે સચવાશે. ત્યાં જઈને તેમ જ રસ્તામાં તમારે માટે સર્વ બંદોબસ્ત થશે, અને સર્વ તમારી આજ્ઞાને તાબે રહેશે. તમને આ સર્વનો વિચાર હાલ નહિ આવે પણ મહારે તે પ્રથમથી કહેવું જ જોઈએ. હું આશા રાખુ છું કે તમે જવાને કબુલ થશો, ઈશ્વર તમને એ જ રસ્તે પ્રેરે એટલું માગું છું,

લિ૦ સિડની હર્બર્ટની

સ્નેહ સહિત સલામ.


આ વખતે મિસ નાઇટીંગેલ લીહર્સ્ટમાં રહીને, વર્તમાન પત્રનાં તે વખતના નર્સોની ખોટ માટેનાં લખાણ વાંચી તેના જ વિચારો કરતાં હતાં. દરરોજ સ્કયુટેરાઈમાં પીડાતા લોકોના વધારે ને વધારે દયાજનક સમાચાર આવતા હતા. ફ્લૉરેન્સ નાઇટીંગેલ વાંચીને બેસી રહે એવી સ્ત્રી નહોતી. અને ૧૫ મી ઓકટોબરની સાંજ પહેલાં તેમણે મિ. સિડની હર્બર્ટને કાગળ લખીને સ્ક્યુટેરાઈની ઈસ્પીતાળમાં કામ કરવા જવાની માગણી કરી. મિ. હર્બર્ટે તેમના ઉપર કાગળ લખ્યો હતો, તેની તો તેમને કાંઈ ખબર પણ નહોતી, અને તેથી જ જાણે ફ્લૉરેન્સ નાઇટીંગેલને આ કાર્ય કરવાને ઈશ્વરી વાણી થઈ હોય એમ ભાસે છે.