બંસરી/પોલીસના કબજામાં

વિકિસ્રોતમાંથી
← અણધાર્યો અકસ્માત બંસરી
પોલીસના કબજામાં
રમણલાલ દેસાઈ
૧૯૩૧
સ્વપ્ન સુંદરી →



૧૦
પોલીસના કબજામાં

અટપટિયા સંજોગો વહાલા ! કર્મના
અકળિત પામર ભાગ્ય તણી છે રેખ જો !
મિથ્યા અનુભવશો ઉર હર્ષ વિષાદને,
સ્વલ્પ થશે નહિ સંચિતમાં મીનમેખ જો.
વાસુદેવ શેલત

એકાએક બધે પ્રકાશ થઈ ગયો. આખો બંગલો અને અમારો ઓરડો વીજળીના દીવાથી ઝળાંઝળાં થઈ રહ્યો, તે વખતે તો વિચાર કરવાની પણ મને ગમ નહોતી. ભયંકર અંધકારમાં મારા પગ કોણે ખેંચ્યા, મને કેમ પાડી નાખ્યો, અને મારા માથા ઉપર ગોળી કોણે મારી એ પ્રશ્નો વીજળીની ઝડપે મારા મગજમાં ચાલતા હતા, તે પ્રકાશ થતાં અટકી ગયા. પાસે જ જ્યોતીન્દ્રને મેં ઊભેલો જોયો. એણે મને હાથ આપી ઊભો કર્યો અને કહ્યું :

‘ચાલ, તું તો બચી ગયો. પણ શિવનાથ ક્યાં ?’

મેં ઓરડીમાં નજર ફેરવી. દૂર કોઈ માણસ ગાલીચા ઉપર બેભાન પડ્યું હોય એવો ભાસ થયો. જ્યોતીન્દ્ર તત્કાળ ત્યાં દોડી ગયો. હું પણ એની પાછળ ગયો. શિવનાથ વકીલની આકૃતિ જમીન ઉપર બેભાન અવસ્થામાં પડેલી મેં જોઈ. તેના હાથમાંથી લોહી નીકળતું હતું. મને લાગ્યું કે મારા ઉપર થઈને પસાર થયેલી ગોળી મને ન લાગતાં શિવનાથના હાથમાં વાગી હતી. જ્યોતીન્દ્ર શિવનાથના હાથ ઉપર પાટો બાંધવા માંડ્યો. પાછળથી ચાર પોલીસના માણસો અને તેમના અમલદાર હિંમતસિંગ અંદર દાખલ થયા. તેઓ મારી તથા જ્યોતીન્દ્રની પાસે આવ્યા. જ્યોતીન્દ્ર તરફ અર્થભરી દૃષ્ટિ કરી હિંમતસિંગે કહ્યું :

‘કેમ ? મેં શું કહ્યું હતું ?’

‘તમારું કહેવું ખોટું હતું. પરંતુ જે થયું તે ઠીક થયું; બે જિંદગી બચાવી શક્યા’ જ્યોતીન્દ્રે કહ્યું.

જ્યોતીન્દ્ર શિવનાથને પાટો બાંધી રહ્યો. શિવનાથે જરા આંખ ઉઘાડી. ‘પાણી પીશો ?’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

‘હું ક્યાં છું ?' ધીમેથી શિવનાથે પૂછ્યું. મને વિચાર આવવા લાગ્યો કે આ ખરેખર શિવનાથ હશે કે બીજો કોઈ કારસ્તાની ? મને અહીં અજાણી જગાએ લઈ આવી ફસાવનાર આ નવીન સાથી કોણ હતો ?

ઓરડીમાં પાણી હતું તે જ્યોતીન્દ્રે લાવીને ધીમે રહી શિવનાથને પાયું. શિવનાથે આંખો પૂરી ઉઘાડી અને બેસવા પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ જ્યોતીન્દ્રના હાથમાં ઢળી પડ્યા. જ્યોતીન્દ્ર તેમ જ પોલીસના બે માણસોએ મળી તેમને એક સૉફામાં સુવાડ્યા.

હિંમતસિંગે ધીમે રહી જ્યોતીન્દ્રને પૂછ્યું :

‘દવાખાને મોકલીશું ?’

‘જરૂર નથી. પા કલાકે ઠેકાણે આવશે પછી મોટરમાં લઈ જવાશે. ઇજા હાથ ઉપર થઈ છે તે બહુ ઓછી થઈ છે. માત્ર છરતી ગોળી વાગી છે.'

‘ગોળી વાગી છે એમ આપ તો કહો છો. પછી મારું ધારવું ખોટું કેમ માનો છો ?' હિંમતસિંગે પૂછ્યું.

‘ગોળી વાગી, પરંતુ તે વગાડનાર કોણ એ તો સાબિત થવું જોઈએ ને ?’ જ્યોતીન્દ્રે સામું પૂછ્યું.

'ઓરડીમાં બે જ જણ હતા. સુરેશની બાજુએથી ગોળી આવી. આમને વાગી, એટલે ગોળી મારનાર કોણ તે પ્રથમ દશર્ને જ સમજાઈ જાય છે.'

‘ઓરડીમાં બે નહિ, ત્રણ જણ હતા.' સહેજ હસી પડી જ્યોતીન્દ્રે કહ્યું.

‘ત્રીજું કોણ ?’ ચમકીને હિંમતસિંગ બોલી ઊઠયા.

‘ત્રીજો હું જ ને.' જ્યોતીન્દ્રે જણાવ્યું.

‘વાહ વાહ ! પણ તમે તો રિવોલ્વરનો ઉપયોગ કરો છો જ ક્યાં ?'

‘મારે જરૂર પડતી નથી.' જ્યોતીન્દ્રે જણાવ્યું.

આ સ્થળે એક વાતની નોંધ લેવી બહુ જરૂરની છે. જ્યોતીન્દ્ર અહિંસાનો જબરજસ્ત ઉપાસક હતો. અહિંસાના સિદ્ધાંતની વાત આવે ત્યારે સામાન્ય રીતે તે ઓછાબોલો હોવા છતાં વાચાળ બની જતો. તે ઘણી વખત કહેતો કે તેણે કદી હથિયાર વાપર્યું જ નથી. ગુનાઓની તપાસમાં તે ક્વચિત્ પડતો ત્યારે અમે તેને હથિયાર વિષે પૂછતા. પરંતુ એ તો કહેતો જ કે જગતમાં હથિયારની બિલકુલ જરૂર જ નથી, અને તેમાંયે ગુના પકડવા માટે તો જરા પણ નહિ. અમે તેના આ કથનને માનતા નહિ, માત્ર તેની ના માનવા જેવી અને હસવા જેવી વિચિત્રતાઓમાં જ એ કથનને અમે મૂકતા.

‘તો પછી આ ગાળી મારી કોણે ?’ હિંમતસિંગે પૂછ્યું.

‘ગોળી મારનાર અદ્દશ્ય થઈ ગયો. તમે, તમારા માણસો અને હું એ સઘળા જોતા રહ્યા અને તે ચાલ્યો ગયો.’ જયોતીન્દ્રે જવાબ આપ્યો.

હિંમતસિંગ જરા વિચારમાં પડ્યો. તેનું મુખ સખત બન્યું. જરા રહી તે બોલ્યો :

‘સાહેબ ! અમારે આપને મદદ આપવાની છે. ગુનેગારોને નહિ.’

'મેં તમારી મદદ માગી નથી. અણઘડ પોલીસોની મદદ વગર મને ચાલશે.' જ્યોતીન્દ્રે જરા કડકાઈથી કહ્યું.

‘તો પછી આપણે પોતપોતાને માર્ગે કામ કરવું જોઈએ. હું આપનાથી છૂટો પડી જાઉ છું.’

'ભલે.’

અને એમ છૂટો પડતાં બરોબર હું મારો અધિકાર વાપરી મારા ગુનેગારને અટકમાં લઉં છું.' હિંમતસિંગે કરડાકીમાં જણાવ્યું.

'તમે અટકમાં લઈ જુઓ.’ જ્યોતીન્દ્રે કહ્યું.

'જુઓ સાહેબ ! એક ખૂનીની મદદે ચડવાથી વધુ ખૂનો થશે એમ મેં પ્રથમથી જ કહ્યું હતું. આપે ખૂનીને છૂટો રાખવા જણાવ્યું. આપનું કહેવું કમિશનર સાહેબે માન્યું, તો જુઓ અત્યારે એક ખૂન થતું રહી ગયું છે. આપણે ન આવ્યા હોત તો જરૂર ખૂન થાત ! અને હું હજી પણ કહું છું કે લોહી ચાખેલા વાઘને છૂટો મૂકવો અને ખૂને ભરાયેલા ખૂનીને છૂટો મૂકવો બંને સરખું જ છે.’

'સુરેશ ! અત્યારે પણ ખૂનની તેં જ કોશિશ કરી છે એમ આ હિંમતસિંગ માને છે.' જ્યોતીન્દ્રે મારા તરફ ફરી કહ્યું.

'મારે શું છે, ભાઈ ! હું કોને, શા માટે મારું ? મારી પાસે સાધન શું ? તમે બધા મને ગાંડો બનાવી મૂકશો.' મેં ઉશ્કેરાઈને જવાબ આપ્યો.

'કેમ સાધન નથી એમ કહે છે ? તારા હાથમાં તો રિવોલ્વર છે. તેં કોને માર્યો તે તો જણાઈ આવે છે. શા માટે માર્યો તે તું જાણે.’

મારો ગુસ્સો હાથમાં રહ્યો નહિ. જેને સ્વપ્ને પણ ખૂનનો ખ્યાલ નહોતો, જે માત્ર એક અકસ્માતનો ભોગ થઈ પડ્યો હતો અને તે સહજમાં ગોળી વાગતાં બચી ગયો હતો, તેને જ પાછો ખૂની તરીકે ગણવાનો થતો પ્રયત્ન ભલભલા શાંત માણસને પણ ખૂની બનાવવા માટે બસ હતો. હું મોટેથી બોલી ઊઠ્યો :

'હરામખોર ! શું કહે છે તું ? હું તને જ પહેલો વીંધી નાખું છું.’ એમ કહી મેં મારી રિવોલ્વર જયોતીન્દ્ર સામે ધરી. મેં એ રિવોલ્વર મારા મિત્રને મારી હોત કે નહિ તે હું અત્યારે કહી શકતો નથી, તથાપિ મારો તે વખતનો ગુસ્સો જોતાં સહુ કોઈને એમ લાગ્યું કે જ્યોતીન્દ્રનું માથું હમણાં જ મારી ગોળી વડે ભેદાઈ જશે. હિંમતસિંગે પાછળથી એકાએક ધસારો કરી મારા હાથને નીચે દબાવી દીધો એટલે મેં રિવોલ્વરની ચાંપ દબાવી જ નહિ. પોલીસના માણસોએ મને પકડ્યો. મેં છૂટવા માટે ખૂબ ફાંફાં માર્યાં, મારામાં હતું એટલું બળ અજમાવ્યું, અને દસેક મિનિટ સુધી પોલીસના બધા માણસોને હેરાન કર્યા, છેવટે ચાર-પાંચ મજબૂત માણસો આગળ મારું કાંઈ વધારે ચાલે એવી સ્થિતિ ન હોવાથી હું શાંત ઊભો રહ્યો.

'કેમ સાહેબ ! મેં શું કહ્યું હતું ? હવે આપની ખાતરી થાય છે ?' હિંમતસિંગે જ્યોતીન્દ્રને પૂછ્યું.

‘એટલે તમારે સુરેશને કબજામાં લેવો છે, એટલું જ કેની ? ભલે, પણ હવે હું અને તમે જુદે માર્ગે કામ કરીએ છીએ એટલું ધારી લેજો.’

'મેં તો પહેલેથી જ કમિશનર સાહેબને કહ્યું હતું કે અમને અમારી ધારણા પ્રમાણે કામ કરવા દો. આપે ઘણું વાંચ્યું હશે એની ના નહિ, પણ અમારો અનુભવ આપને ન જ હોય.' હિંમતસિંગે કહ્યું.

‘ઠીક, તો હું જાઉં છું. તમે બધી વ્યવસ્થા કરો. મને હવે પૂછશો નહિ.’ એટલું કહી જ્યોતીન્દ્ર એક શબ્દ પણ બોલ્યા વગર ઓરડામાંથી બહાર નીકળી ગયો. હવે હું પોલીસનો બરાબર બંદીવાન થઈ ચૂક્યો.

હિંમતસિંગે મારી રિવોલ્વર લઈ લીધી હતી. હવે તેણે ખિસ્સામાંથી એક ચમકતી બેડી કાઢી અને મારા ભારે અણગમા વચ્ચે મારા બંને હાથ ભેગા કરી તેના ઉપર ચડાવી દીધી. ઉત્તમ પોલાદની બેડી દીવાના પ્રકાશમાં ચમકતી ચાંદી સરખી લાગતી હતી. પરંતુ બેડીના દેખાવથી મોહિત થવું હોય તો તે બીજાને હાથે પહેરાવેલી હોવી જોઈએ, પોતાને હાથે નહિ ! મારા જન્મારામાં પહેલી વાર ખરેખરા બંધનનો મેં અનુભવ કર્યો. એક ક્ષણ પહેલાં હું છૂટો હતો; આ બેડીએ એકદમ મને પરતંત્ર અને પાંજરામાં પૂરવા લાયક મનુષ્યોની હારમાં મૂકી દીધો ! શિવનાથની સહાય મળશે એ ધારણાથી હું તેમની સાથે આવ્યો ત્યારે નસીબે જોર કર્યું અને તેમના જ ખૂનનો પ્રયત્ન મેં કર્યો હતો એવો સંજોગ લાવીને ખડો કરી દીધો. પોલીસનો પણ શો વાંક ? આવી સ્થિતિમાં બીજા કોઈ હોય તે પણ મને ગુનેગાર ઠરાવે. હિંમતસિંગે પ્રથમ તો શિવનાથને એક આરામખુરશી ઉપર સુવાડી, બે માણસો પાસે ઊંચકાવી બહાર મોકલ્યા, અને તેમને લઈ જતા માણસોને સૂચના આપી કે તેમને તેમની મોટરમાં જ દવાખાને લઈ જવા.

હું ઊભો હતો. તે હવે એક ખુરશી ઉપર બેઠો. બેડીથી મનુષ્યને કેવી કેવી મુશ્કેલી નડતી હશે તેનો મને બરાબર ખ્યાલ આવ્યો. કુદરતી રીતે હાથ જડ બની ગયા; હાથ હલાવવા હોય ત્યારે બંને સાથે જ હલાવવા પડે. એક ને એક સ્થિતિમાં રહેવાને ન ટેવાયેલા હાથ ભારે ગૂંચવણ ભોગવવા લાગ્યા. હિંમતસિંગ ધારી ધારીને મને જોતો હતો. મેં તેને પૂછ્યું

'હિંમતસિંગ ! તમે મને ખૂની ધરો છો?'

‘ખૂનનો પ્રયત્ન તો તમે કર્યો જ હતો. એ તો સહજમાં પેલા બિચારા બચી ગયા'

'પણ એમણે જ મારું ખૂન કરવા પ્રયત્ન કર્યો હશે તો ?' મેં પૂછ્યું.

‘ખોટું તદ્દન ખોટું. ગોળી તો તમે જ ફોડી.’

‘ના ભાઈ ! ના. મારી બાજુમાંથી આવી ખરી, પણ જો મેં ફોડી હોત તો હું ભોંયે કેમ પડી ગયો હોત ?’

‘અંધારામાં જ્યોતીન્દ્રે તમારા પગ ખેંચ્યા એટલે નીચે વાગી. બાકી તમે તો બરાબર માથામાં જ તાકી હતી.'

‘અંધારામાં શી રીતે મેં તાકી હશે ?'

‘તમે વાતચીત કરીને બરાબર માપ લેતા હતા તે અમારાથી અજાણ્યું નહોતું.'

મેં બોલવું બંધ કર્યું. બહાર મોટર ચાલતી થઈ હોય એવો અવાજ આવ્યો. શિવનાથને મૂકવા ગયેલા માણસોમાંથી એક જણ અમારા ઓરડામાં આવ્યો અને હિંમતસિંગને સલામ કરી બોલ્યો : ‘આપની મોટર પણ તૈયાર છે.'

'ઠીક, કેદીને તમારી સાથે લાવજો.' હિંમતસિંગ મોટરમાં બેસવાના હતા અને હું કેદી પોલીસના સિપાઈઓ સાથે પગ ઘસડતો ચોકીમાં જવાનો હતો. એટલું તો નક્કી થયું. હિંમતસિંગ ઊઠ્યા અને દમામ ભરેલી રીતે ઓરડામાંથી બહાર નીકળ્યા. બધા તેમની પાછળ ચાલ્યા. આગલા ખંડમાં આવતાં એક ટેલિફોન ઘંટડી જોરથી વાગ્યા કરતી સાંભળવામાં આવી. હિંમતસિંગ જરા અટક્યા અને તેમણે એક માણસને કહ્યું :

‘જો ને, કોણ છે ?' પેલા માણસે સામી ઘંટડી રિસીવર લઈ પૂછયું :

‘કોણ છે ?... હા... અહીં જ છે. પાસે જ ઊભા છે. જી !’ એટલું કહી હિંમતસિંગને જણાવ્યું :

‘કમિશનર સાહેબ. આપને બોલાવે છે.' હિંમતસિંગે પોતે રિસીવર હાથમાં લીધું.