બંસરી/મારો વ્યાપાર

વિકિસ્રોતમાંથી
← મારું ઘર બંસરી
મારો વ્યાપાર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પત્ર →



મારો વ્યાપાર

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ,
ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈયાનું કામ રે;
સન્તો રે અમે વહેવારીઆ શ્રી રામનામના.

સિરનામા ઉપર મારું નામ લખેલું હતું. મારા જૂના દુશ્મન સુધાકરના અક્ષરો મેં ઓળખ્યા. એને જ લીધે હું ભારે નુકસાનમાં ઊતર્યો હતો, એને જ લીધે મારો વ્યાપાર પડી ભાંગ્યો હતો. એ મારો ભાગીદાર હતો. ભણતર છોડ્યા પછી જર્મન યુદ્ધને અંગે વ્યાપારની જે આબાદી થઈ હતી. તેનો અમે પૂરો લાભ લીધો હતો. જુદી જુદી કંપની, જુદા જુદા વ્યાપારો અને અનેકવિધ યોજનાઓનો તે યુગ હતો. એલ. એલ. બી. ક્લાસમાં અમે બંને સાથે જ ભણતા, અને એક પાડોશીએ શેરના કામમાં થોડો નફો અપાવ્યો ત્યારથી વ્યાપારની લતમાં પડ્યા હતા. અમે બંને પાસ થયા, પરંતુ વકીલાતના ધંધામાં પડવાની અમને જરા પણ ઇચ્છા થઈ નહિ. વ્યાપારનાં સુવર્ણમય સ્વપ્નો અમે રચતા હતા. એક દિવસ વિજ્ઞાન શીખેલો મિત્ર એક પથ્થર લઇ અમારી પાસે આવ્યો. તેણે કહ્યું :

‘વ્યાપાર વ્યાપાર શું કરો છો ? આ પથ્થરમાં કેટલા પૈસા છે તે જાણો છો ?'

'પૈસા રાખવાને પાકીટ પણ નહિ મળ્યું તે પથ્થરમાં પૈસા રાખવા માંડ્યા ?' મેં પૂછ્યું.

‘એમ હસી કાઢે કાંઈ વળે નહિ. આ પથ્થરમાં પચાસ ટકા લોખંડનો અંશ છે. મેં મારી જાતે પૃથ્થક્કરણ કર્યું છે. લોખંડનું કારખાનું કાઢો તો હું તમને સ્થળ બતાવું.’

વૈજ્ઞાનિક મિત્રની વાત સાંભળી અમને પણ વ્યાપારનો એક માર્ગ જડ્યો. ટાટાની સાથે હરીફાઈ કરવાનાં સ્વપ્ન અમે રચ્યાં અને જર્મનીના ક્રપના કારખાના સરખું કારખાનું સ્થાપવાના મનોરથો અમે સેવ્યા, શરૂઆતનો ખર્ચ ઉપાડનાર એક અભણ ધનાઢ્ય તરત હાથ લાગી ગયો, સારાં સારાં પ્રોસ્પેક્ટસ કાઢ્યાં, પેપરોમાં જાહેરાત આપી, ગમે તે કંપનીના શેર લેવાની જે મિત્રો અને ઓળખીતાઓને અધીરાઈ થઈ ગઈ હતી તેમના ઉપર મહેરબાની કરી શેર ભરાવ્યા, કંપની નોંધાવી અને મેનેજિંગ ડાયરેક્ટર્સ તરીકે મેં અને સુધાકરે અમારો નફો નક્કી કરી લીધો. વૈજ્ઞાનિક મિત્રને નિષ્ણાત - expert તરીકે ભારે પગાર આપી રોક્યો, ફર્સ્ટ ક્લાસ રીઝર્વ કરાવી તેમાં મુસાફરીઓ શરૂ કરી; અને અનેક ધનવાનોના સંસર્ગમાં જોતજોતામાં અમે આવી ગયા. અમારી કિંમત ઘણી વધી ગઈ.

આટલું થતાં સુધી તો લોખંડથી ભરેલા પથ્થરો ક્યાં હતા તે સ્થળ અમે જોયું ન હતું. સુધાકર અને મારો વૈજ્ઞાનિક મિત્ર એ સ્થળ જોઈ આવ્યા. ગુજરાતના પૂર્વ ભાગમાં આવેલાં ડુંગરાળ પ્રદેશમાંની એક ટેકરી લોખંડનો અખૂટ જથ્થો ભરી રાખી બેઠી હતી; તેમાંથી પથ્થરો કાઢવાનો ઇજારો ત્યાંના એક દેશી રાજ્ય પાસેથી લીધો. દેશી રાજ્યના અફીણી રાજા અને લુચ્ચા કારભારીને ભારે લાલચો આપી ત્યાં મફત સ્થળો મેળવ્યાં, અને એક પ્રયોગશાળા સ્થાપવાનું નક્કી કર્યું.

એક ધંધામાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એમ પૈસા મળતાં અનેક ધંધાઓ સાથે સાથે ચાલ્યા. પૈસાની રેલમછેલ થઈ. અમે અમારી અંગત મિલકત પણ તેમાંથી કરી લેવાની સગવડ સારી રીતે સાચવી. બીજા લોભી ધનવાનો અંદર પડ્યા; તેમને માથે પેલી પથ્થરની ટેકરી અને તેમાંનું ગુપ્ત લોખંડ મારી, નફો બારોબાર લઈ અમે છૂટા થઈ ગયા.

અત્યાર સુધી અમારા કાર્યમાં અપ્રામાણિકપણું નહોતું. વ્યાપારના વંટોળિયાને અમે આધીન થયા હતા. પરંતુ અમે અમારી કલ્પનાઓ અને યોજનાઓને સાચી જ માનતા. એક દિવસ સુધાકરે આવી મને એક યોજના બતાવી. આવી યોજનાઓની નિત્ય ચર્ચા ચાલતી. મને આ વખતે સુધાકરની દાનત લોકોને છેતરવાની લાગી. મેં કહ્યું :

'આવી ખુલ્લી છેતરપિંડીમાં હું ન પડું.'

‘છેતરપિંડી ખુલ્લી નથી. આપણે છૂટા થઈ જઈશું ત્યાં સુધી કોઈને કશી ખબર પડવાની નથી.' સુધાકરે કહ્યું.

‘ના ના; એ તો મારાથી ન બને.'

‘ત્યારે પેલા લોખંડના ધંધામાં તમે શું કર્યું હતું ? કયો પથરો અને કયું લોખંડ એની કશી ખબર પડી ? એ કંપનીનું શું થયું તે જાણો છે ને ?’

‘એ તો વ્યવસ્થાપકોની ખામી. આપણે શું કરીએ ?’

‘મારા મનમાં કે તારામાં જરા પણ અક્કલ તો હશે જ. અત્યારે જ મારી ખાતરી થઈ કે તે તારામાં નથી. એ તો આખી યોજના જ તૂત હતી. પથ્થરમાં તે લોખંડ આટલું બધું નીકળે ?’ સુધાકરે કહ્યું. ‘કેમ, આપણો સાયન્ટીસ્ટ તો કહેતો હતો.'

‘એ સાયન્ટીસ્ટ તારી અને મારી માફક બધી જંજાળમાંથી છૂટો થઈ જઈ બંગલા અને મોટરના પ્રયોગો કરે છે.'

‘પણ મારાથી આ બધું જાણ્યા પછી એમાં નહિ પડાય.'

'તેની હરકત નહિ. તારી ઇચ્છા ન હોય તો તું એમાં ભાગ નહિ લેતો. પણ મને એકાદ લાખની મદદ કર.'

‘એકાદ લાખનો એ જમાનામાં બહુ હિસાબ અમને રહેતો નહિ. મેં ઝટ એક ચૅક લખી આપ્યો. પરંતુ બીજે દિવસે મને ખબર પડી કે જુગારમાં એ પૈસાનો વ્યય થઈ ગયો છે ! સુધાકર બહુ ચાલાક હતો; મારી સાથેની તેની મૈત્રી બહુ જ સારી હતી. તેની બુદ્ધિને માટે મને માન હતું; તે ખર્ચાળ અને મોજીલો હતો તે પણ હું જાણતો હતો. તથાપિ જ્યારે જુગારની વાત સાંભળી ત્યારે મારું મન બહુ જ દુ:ખી થયું. એક દિવસ સંધ્યાકાળે હું તેને ઘેર ગયો. ઉજાગરાનાં અને નશાનાં ચિહ્નો પણ મને તેના મુખ ઉપર સ્પષ્ટ દેખાયાં. મેં તેના મુખ તરફ ધારીને જોયું.

‘કેમ, શું જુએ છે ?' તેણે પૂછ્યું.

‘તારું મુખ બગડતું જાય છે. તારી આાંખની આસપાસ કાળાશ અને આછી કરચલીઓ...'

‘બસ, બસ ! મારું મુખ ખરાબ થશે તોપણ તારા કરતાં વધારે સારું દેખાશે.'

'તને શરમ નથી આવતી ? મારા પૈસા તો તે એક દિવસમાં ઉડાડી નાખ્યા.'

‘એમ કહે ને ત્યારે, કે તને તારા પૈસા યાદ આવ્યા કરે છે ? મને તો તેનો હિસાબ નથી. જે ખર્ચી જાણે તે જ કમાઈ જાણે...'

'પણ શામાં તેં ખર્ચ્યા તેનો તને ખ્યાલ આવે છે ?’

‘એક બોલની પાછળ બરબાદ કર્યા !’

‘એમ કહે ને કે જુગારમાં વાપર્યા ?’

‘એ તો જેને જેવું લાગે તેવું ખરું. આખી જિંદગી પણ જુગાર જ છે ?'

‘બીજાના પૈસા ઉપર જુગાર ન રમાય.'

'તારા પૈસા તે મારા નહિ ? સુરેશ ! મારી બુદ્ધિ વગર તને એક કોડી પણ ન મળી હોત તે ખબર છે ? આપણી કંપનીની બધી હકીકત હું બહાર લાવું તો તું અને હું બંને જેલમાં જઈએ.’ 'એટલી બધી બુદ્ધિની તને ગરમી છે ? શી વાત કરે છે ? તારી બુદ્ધિ વગર મારાથી કશું થાત જ નહિ, એમ ?’

‘ચાલ, કચકચ મૂક. મને એવી વાત કરવાની ફુરસદ નથી.’

આમ બોલચાલમાં અમે ઘણા જ ચડભડી ઊઠ્યા. સુધાકરના મુખ ઉપર મારે માટે જે તિરસ્કાર અને તુચ્છકાર દેખાયાં તેથી મને ઘણું જ અપમાન લાગ્યું. તેના વર્તન વિષે ટીકા કરી એટલે તેણે જુગાર અને શરાબીની મોટાઈનું વર્ણન કર્યું; પારકાના પૈસા વાપરવા માટે મેં મેણું દીધું એટલે પરાયાપારકાનો ભેદ ન ગણવાના વેદાંતનું જ્ઞાન તેણે દશાર્વ્યું.

તેનાથી કંટાળીને હું ઊઠ્યો. મને ઘણું ખોટું લાગ્યું. તેના ઘરમાંથી નીકળતાં જ જ્યોતીન્દ્ર મને મળ્યો. પોતાની વિચિત્ર આંતરદૃષ્ટિ વડે મારું હૃદય વાંચ્યું હોય તેમ પૂછ્યું :

‘કેમ ? તારા દોસ્તને શિખામણ આપવા ગયો હતો ?'

‘હાસ્તો.'

‘પછી શું થયું ?’

‘એ કાંઈ શિખામણ માને ?’

‘એ તો સારું થયું કે ગઈ કાલે મારે લીધે બચી ગયો. નહિ તો પોલીસને હાથે કાલે જ પડ્યો હોત.'

‘પછી એનું શું થશે ?'

'સુધરશે નહિ તો જેલમાં જશે.'

હું કાંઈ બોલ્યો નહિ. પછી તો દરરોજ સુધાકર માટે કાંઈ ને કાંઈ વાત સાંભળવામાં આવ્યા જ કરતી. બહુ ઝડપથી તેનું પતન થતું હતું. પરંતુ એમ સાંભળ્યું કે તેણે સટ્ટામાં બહુ ભારે રકમ મેળવી છે, અને હું જે વ્યાપાર કરતો હતો તે જ વ્યાપારની પરદેશની એજન્સી તેણે હાથ કરી છે, ત્યારે તો મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. અમે બંને વ્યાપારમાં ફરીફ બન્યા. તેણે વ્યાપારમાં ભાવ વધારવા ઘટાડવાની એવી રમત કરવા માંડી કે હું ચોંક્યો. મને લાગ્યું કે તે મને જ હેરાન કરવા માટે તૈયાર થયો છે. મને જ્યોતીન્દ્રે એક-બે વખત સૂચના આપી કે મારે વ્યાપારની હરીફાઈ મૂકી દેવી; પરંતુ હું ચડસે ભરાયો. મારી બુદ્ધિને પડકારનાર એ કોણ? સ્થિતિ ધીમે ધીમે બગડતી જતી હતી, અને આખી વ્યાપારી આલમ પર જાણે હિમ પડ્યું હોય તેમ તેની જાહોજલાલી નષ્ટ થતી હતી.

એક દિવસે મને લાગ્યું કે હું ભયંકર ખોટમાં આવી ગયો છું. લક્ષાધિપતિની બધી મિલકત તેના દેવા કરતાં ઓછી થઈ ગઈ લાગી. મને બહુ જ નવાઈ લાગી. પરંતુ કુદરતી આફત સામે માણસનું કાંઈ જ ચાલતું નથી તે પ્રમાણે આમાં પણ જાણે મારો કંઈ ઇલાજ ન જ હોય એમ મને લાગ્યું. મેં મારો વ્યાપાર બંધ કરી દીધો, અને લેણદારોની રકમ બધી જ ચૂકવી આપી. પરંતુ તેમ કરવામાં મારે મારું ઘરબાર અને સર્વ કાંઈ મિલકત ગીરો મૂકવી પડી.

એવા દિવસોમાં સુધાકર મારે ત્યાં આવ્યો. મને જાણે હસવા માટે તે આવ્યો હોય એમ મને લાગ્યું. હું કાંઈ બોલ્યો નહિ. એણે મને પૂછ્યું :

‘કેમ, તારું મોં પણ બગડતું જાય છે ?’

‘મને ખબર નથી.' મેં કહ્યું.

'ત્યારે એકલા જુગારથી કે દારૂથી જ મોં બગડે એ તો ખોટું ?’

‘એટલે ?'

‘મારા જેવો જુગારી તારા જેવા નીતિમાનને ભિખારી બનાવી શકે છે, હોં !' તેણે કહ્યું અને મારી સામે જોઈ હસવા માંડ્યું.

તેનું હાસ્ય જોઈ મને એવી રીસ ચઢી કે મેં ઊભા થઈ તેનું ગળું પકડ્યું.