બાપુનાં પારણાં/વાણિયો ખેડે વેર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સો સો વાતુંનો જાણનારો બાપુનાં પારણાં
વાણિયો ખેડે વેર
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
લાડકડો વર →


વાણિયો ખેડે વેર

માતાજીની નોબતું વાગે છે,
આજ સૂતા સો માનવી જાગે છે,
લીલુડા માથડા માગે છે.

એક જોધ્ધો એવો જાગીઓ રે
જેણે સૂતો જગાડ્યો કાળ, પ
પગ પાતાળે ને શીશ આકાશે,
હાથ પોગ્યા દિગપાળ—માતાજીની૦

દેશ આખો આજ હૂકળી ઊઠ્યો,
વિદેશમાં જાગ્યો હોળ,
હાડને ખોખે હાકલું દીધી, ૧૦
ભોમકા હાલકલોળ—માતાજીની૦

આભની સામાં વેર ઉપાડ્યાં,
નાળ જંજાળ્યું તૈયાર,
પેરવા બાંડી પોતડી રે એને
હાથ નથી હથિયાર—માતાજીની૦ ૧૫

ઘાવ ઝીલે ઘમસાણના રે
એની આંખમાં ના’વ્યાં ઝેર,
દુનિયા આખી ડોલવા લાગી,
વાણિયો ખેડે વેર—માતાજીની૦

ઘાવ ઝીલે રણ ઘૂમતો રે એણે ૨૦
નાખીઆં કોઠે લોઈ,

કૈંક હેમાળામાં કેડિયું પાડી,
પગલાં પાછાં નોય—માતાજીની૦

માથડાં માગે માવડી ત્યાં સૌ
બેટડા ભેળા થાય, ૨૫
રીડ પડી રણહાકની રે
આજ ક્ષતરી કાં સંતાય—માતાજીની૦

વાંક કાઢી એણે લાકડું વેર્યું
પાપને લાગી ધાક,
રાંક ગોતી રજપૂત કર્યા, ૩૦
આ તો વાણિયો આડો આંક—માતાજીનીo

શીશ કાપી એણે સાંધણે બાંધ્યું,
કોણ રાજા કોણ રાંક,
શેઠ કાંટો લૈને જોખવા બેઠો ઈ
રાખશે કાંટોકાંટ—માતાજીની૦ ૩પ

કાંઈ સૂઝે નઈ કોઈને એવો
ધુમ્મસે ગોટાગોટ,
ધીંગડા હાથી ધ્રુજવા લાગ્યા ત્યાં
દૂબળે દીધી દોટ—માતાજીની૦

મોત ઉઠાડીને સાબધું કીધું ૪૦
વાણિયે ઘેર્યો વાઢ,
ધડ ધિંગાણે હાકલું મારે,
તોપને લાગી ટાઢ—માતાજીની૦

[૧]અંગ વેરાવે ને શીશ ખંડાવે,
લુંટાવે ઘરબાર, ૪૫
વીર વે'વારૂ વાણિયો નૈ દ્યે
નમતું એ તલ ભાર—માતાજીની૦

આજ શિવાજીના બેટડા આવે
મોતની લેવા લે’ર,
દૂધ પીધા પછી લોઈ પીશે ૫૦
એનું વાણિયો લેશે વેર—માતાજીની૦


  1. *વીરસેન, સગાળશા, જગડુશા, વગેરેએ અંગ વેરાવ્યું, પુત્રનું
    ખાંડ્યું, દુકાળમાં લક્ષ્મી લુંટાવી દીધી.