બાપુનાં પારણાં/સો સો વાતુંનો જાણનારો

વિકિસ્રોતમાંથી
← નિવેદન - દુલા ભગતનાં બાપુનાં પારણાં
સો સો વાતુંનો જાણનારો
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
વાણિયો ખેડે વેર →



સો સો વાતુંનો જાણનારો

ભાવ એવો છે કે હિંદ અને બ્રિટાનીઆ બે બહેનો મળે છે બ્રિટાનીઆ પૂછે છે કે 'મોહન મોહન એમ જં ખ્યા કરો છો, તો તે તમારા દીકરાને મારે શી રીતે ઓળખવો એનાં એંધાણ તો કહો હિન્દ કહે છે—

રાગ હીચનો

સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે,
ઊંચાણમાં ન ઊભનારો;
ઢાળ ભાળીને સહુ ધ્રોડવા માંડે ૫
ઢાળમાં નવ ધ્રોડનારો — મોભીડોo


ભાગ્યા હોય એનો ભેરૂ થનારો,
મેલાં ઘેલાંને માનનારો;
ઉપર ઊજળાં ને મનમાં મેલાં (એવાં)
ધોળાંને નહિ ધીરનારો — મોભીડો૦ ૧૦


એના કાંતેલમાં ફોદો ન ઊમટે,
તાર સદા એકતારો;
દેયે દૂબળીઓ ગેબી ગામડીઓ,
મુત્સદ્દીને મૂંઝવનારો — મોભીડો૦


પગલાં માંડશે એવે મારગડે ૧૫
(એની) આડે ન કોઈ આવનારો;
ઝેરના ઘૂંટડા જીરવી જશે ઈ તો,
બોલીને નૈ બગાડનારો — મોભીડો૦


નાનાં બાળક જેવો હૈયે લેરીડો,
એરૂમાં આથડનારો; ૨૦

કૂંણો માખણ જેવો સાદો ને સોયલો
કાળને નોતરનારો–મોભીડો૦

ઝીણી ઝૂંપડીએ ઝીણી આંખડીએ,
ઝીણી નજરથી જોનારો;
પોતે ચણેલામાં પોલ ભાળે તો ૨૫
પાયામાંથી પાડનારો–મોભીડો૦

આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો;
ના'વવું હોય અને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાખનારો–મોભીડો ૩૦

રૂડા રૂપાળા આખા થાળ ભરીને
પીરસે પીરસનારો,
અજીરણ થાય એવો આા'ર કરેનૈ કદી,
જરે એટલું જ જમનારો–મોભીડો૦

આભે ખૂતેલી મેડી ઊજળીયુંમાં ૩૫
એક ઘડી ન ઊભનારો;
અન્નનાં ધિંગાણાની જાની ઝૂંપડિયુંમાં
વણોતેડાવ્યો જનારો–મોભીડો૦

સહુને માથડે દુઃખડાં પડે છે,
દુઃખડાંને ડરાવનારો; ૪૦
દુઃખને માથે પડ્યો દુ:ખ દબવીને એ તો
સોડ તાણીને સુનારો–મોભીડો૦

કાળ જેવાને મહાકાળ લાગે છે,
આભને બાથ ભીડનારો;
[૧]સુરજ આંટા ફરે એવડો ડુંગરો, ૪૫
ડુંગરાને ડોલાવનારો–મોભીડો૦

ઓળખજે બેનડી એ જ એંધાણીએ
મારા ખોળાનો એ ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો
મારા ઘડપણનો પાળનારો–મોભીડો૦ પ૦


  1. *અંગ્રેજી કહેવત છે કે અંગ્રેજના રાજ માથે સૂરજ કદી આથમતો નથી. એવા અંગ્રેજ રાજ રૂપી જે ડુંગરો, તેને ડોલાવનારો