બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ન્યાયના ભવાડા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

← આરોપી ન્યાયાધીશ બન્યા બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ન્યાયના ભવાડા
મહાદેવભાઈ દેસાઈ
બારડોલીની વીરાંગનાઓ →
૨૪


ન્યાયના ભવાડા

“આ રાજ્યમાંથી ઇન્સાફ મોં સંતાડીને નાસી ગયેલ છે.”

બારડોલીમાં ખાસ નીમવામાં આવેલા રેસિડંટ મૅજિસ્ટ્રેટની પાસે કેવા કેવા કેસ લઈ જવામાં આવતા હતા તે વિષે આગલાં પ્રકરણોમાં પ્રસંગોપાત્ત ઉલ્લેખ થઈ ગયો છે. આ પ્રકરણમાં એ ‘ન્યાયમંદિર’માં ન્યાયને કેવો સીકે ચડાવી દેવામાં આવ્યો હતો, અથવા ન્યાયની કેવી વિડંબના થઈ હતી તે જરા વીગતવાર જોશું. બારડોલીમાં સરકારને બદનામ કરવામાં દરેક અમલદારે પોતપોતાનો ફાળો યથાશક્તિ આપ્યો હતો. એમાં આ ખાસ નીમવામાં આવેલા રેસિડંટ મૅજિસ્ટ્રેટનો ફાળો કોઈનાથી ઓછો તો નહોતો જ, કદાચ વધારે હશે. પણ એમાં એનો દોષ નહોતો. રેવન્યુખાતાનો જ અમલદાર, જેને આ કેસો ચલાવવાની ખાસ લાયકાત તો કશી જ નહોતી, ઊલટી રેવન્યુખાતાના અમલદાર તરીકે એ કેસો ચલાવવાની તેની નાલાયકાત કહીએ તો ચાલે. અને એ બિચારો કરે શું ? ૧૯૧૯ના માર્શલ લૉના દિવસોમાં હાઈકોર્ટ જજના હોદ્દાના માણસોની ન્યાયવૃત્તિને વળ ચડી ગયો હતો તો આ બિચારાનું ગજું શું ? બારડોલીના જેવા ઉશ્કેરાયેલા વાતાવરણમાં બેસીને ન્યાય આપવા બેસવું એ એને માટે દોહ્યલું કામ હતું. મહેસૂલ ન ભરનાર, ન ભરાવા દેનાર અને જપ્તીઅમલદારોની ઊઠવેઠ ફોક કરનાર જે કોઈ તેની સામે આવે તેને હિંદુસ્તાનના ફોજદારી કાયદાની કોઈ પણ કલમ નીચે  લાવવો અને સજા કરવી એ એનું કામ હતું એમ સમજીને એ આવ્યો હોય તો નવાઈ નથી, અને એ કામમાં એણે કચાશ ન રાખી એમ આ પ્રકરણમાં આપણે જોશું. આશ્ચર્ય નથી કે શ્રી. મુનશી જેવા કાયદાશાસ્ત્રીને આ ન્યાયનાં નાટકો જોઈને કંપારી છૂટી અને શ્રી. નરીમાન જેવાએ અકળાઈને પોકાર કર્યો, “આજે બારડોલીમાં કોઈ નવા જ ફોજદારી કાયદાનો અમલ ચાલી રહ્યો છે.”

આ રેસિડંટ મૅજિસટેટના ફેંસલાઓ ઉપર ઉપલક નજર ઠેરવતાં ઘણાખરામાં આનાં આ જ વાક્યો અથવા આવાં વાક્યો આવતાં જણાય છે: “ફરિયાદી પોતાની સાદી વાત બહુ સીધી રીતે કરે છે, અને તેને નહિ માનવાનું કશું કારણ નથી. ફરિયાદીને અથવા તો ફરિયાદપક્ષના કોઈ સાક્ષીને આરોપી પ્રત્યે કોઈ જાતનો દ્વેષ નથી. ફરિયાદપક્ષના કોઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ નથી.” ઘણાખરા આરોપીઓએ પોતાને અદાલત ઉપર બિલકુલ વિશ્વાસ નહિ હોવાથી પોતાનો બચાવ રજૂ કર્યો નહોતો તેમજ પોતાના સાક્ષીઓ પણ તેઓ લાવ્યા નહોતા, એટલે રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટે ફરિયાદ પક્ષના ‘કોઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ’ ન જોયું. મહેસૂલ નહિ ભરવાની લડતને અંગે થયેલું હરકોઈ કૃત્ય પીનલ કોડની ૧૮૬, ૧૮૯ તથા ૪૪૭ની કલમોમાં આવી જાય એવો એ કલમોનો અર્થ અથવા અનર્થ કરવામાં આવ્યો તે એટલી હદ સુધી કે સગીરની મિલકતનો વહિવટ કરનાર સૂરતના નાઝર ઉપર સરભોણના કેટલાક પ્રતિષ્ઠિત સજ્જનોએ સગીર તરફથી મહેસૂલ નહિ ભરવાનું એક પોસ્ટકાર્ડ લખ્યું હશે તેનો પણ સરકારી અમલદારને ધમકી આપવાના આરોપ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપયોગને માટે આ મેજિસ્ટ્રેટ જવાબદાર નહોતા, અને એ આરોપ ઊડી ગયો, કારણ કેસ સુરતમાં ચાલ્યો અને ત્યાંના ડિસ્ટ્રિકટ જજને આ વાતાવરણનો સ્પર્શ લાગેલો નહોતો. શ્રી. રવિશંકર વ્યાસ જેવા સાધુચરિત અને તેમની સામે ફરિયાદ કરનાર મામલતદાર જેને બીજા સત્યાગ્રહીઓ ઓળખે એટલા જ ઓળખે  એવા પુરુષને સાપરાધ પ્રવેશની સજા થઈ. તેમનો ગુનો એટલો જ હતો કે મામલતદારને હેરાન કરવાના કે રંજાડવાના કશા ઇરાદા વિના મામલતદારના કમ્પાઉંડમાં તેમણે પ્રવેશ કર્યો. ૧૮૬ મી કલમના ગુના માટે ધમકીનું કાંઈ સ્પષ્ટ કર્યું હોવું જોઈએ. પરંતુ આવા કૃત્યના કશા પુરાવા વિના શ્રી. રવિશંકર, ચિનાઈ તથા સન્મુખલાલને એ કલમ મુજબ ગુનેગાર ગણી સજા કરવામાં આવી. શ્રી. ચિનાઈના મુકદ્દમાનું ફારસ તો શ્રી. રવિશંકરનાને પણ ભુલાવે એવું હતું. ન્યાયાધીશના ચુકાદાની ભાષા વાપરીએ તો, આરોપીએ એટલું જ કરેલું જણાય કે ‘મામલતદારની હાજરીમાં ખુશાલ નાથાને મહેસૂલ નહિ ભરવાનું તેમણે સમજાવ્યું, અને ખુશાલ નાથાને જાહેરનામું ફેંકી દેવાનું કહ્યું.’ આ ખુશાલ નાથાને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા નહોતા, પણ ફરિયાદ પક્ષના બે સાક્ષીઓ (સરકારી નોકરો) એ શ્રી. ચિનાઈએ કેવી રીતે ખુશાલ નાથાને સમજાવ્યું તેનું આ વર્ણન આપ્યું હતું : “ચિનાઈએ ખુશાલને કહ્યું કે તારે મહેસૂલ ભરવું હોય તો ભરી દે અગર ન ભરવું હોય તો ‘ના’ કહી દે.” આને તે ન ભરવાનું સમજાવ્યું કહેવાય કે ભરવાનું સમજાવ્યું કહેવાય ? પણ પીનલ કોડની ૧૮૬ મી કલમ મુજબ ગુનો થવા માટે મેજિસ્ટ્રેટ માટે આટલા જ શબ્દ પૂરતા હતા !

ભાઈશ્રી સન્મુખલાલની ઉપરના કેસનું વર્ણન વિસ્તારથી સોળમા પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહી તો આ કેસનો કાયદાની દૃષ્ટિએ જ વિચાર કરશું. તલાટી ફરિયાદી હતો અને પટાવાળા ફરિયાદપક્ષના સાક્ષીઓ હતા. જપ્તીઅમલદાર જેમની જ જુબાની કાંઈ પણ ઉપયોગની થઈ પડત તેમને સાક્ષી તરીકે બિલકુલ બોલાવવામાં જ આવ્યા નહોતા. ફરિયાદીએ કહ્યું : “સન્મુખલાલ આવ્યા અને તેમણે કહ્યું, ‘તમે જપ્તી કરો છો. પણ કાલે સવારે તેનું પરિણામ શું આવે છે તે જોઈ લેજો.’” એક સાક્ષીએ પ્રોસીક્યુટરના ખુલ્લામાં ખુલ્લા ઇશારા પછી જુબાનીમાં કહ્યું કે સામાજિક બહિષ્કારની કાંઈક ધમકી આપવામાં આવી હતી. ચુકાદાની ભાષા વાપરીએ તો “પટાવાળા,  સોમા (ફરિયાદપક્ષનો બીજો સાક્ષી)ની જુબાની ઉપરથી જણાય છે કે ગાંધીવાળાએ મને કહ્યું કે આજે જે કામ તમે કરો છો તેનાં પરિણામ શું આવે છે તે કાલે જોઈ લેજો.” સાક્ષીને ખાસ પૂછવામાં આવ્યું કે કયા ગાંધીવાળા ત્યાં હતા, તેના જવાબમાં તેણે કહ્યું કે ‘ઉં હું જાણું ?’ પ્રોસીક્યુટરની ઈચ્છા તો એવી હશે કે ગાંધીવાળા તરીકે સાક્ષી સન્મુખલાલને બતાવે, પણ એ અભણ માણસ ઇશારો શાનો સમજે ? આરોપીએ તો પોતે ગુનેગાર નથી એમ જણાવ્યું અને કહ્યું કે તેની સામે ઊભો કરેલો મુકદ્દમો જૂઠો છે.

આ પુરાવાને બરાબર છણવાની જરા પણ તસ્દી લીધા વિના મૅજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો કે આરોપીએ ઈજા કરવાની ધમકી આપવાનો ગુનો કર્યો છે, અને છ માસની સખત મજૂરી સાથેની કેદની સજા ફરમાવી.

આ મુકદ્દમામાં આપણે એકવાર માની લઈએ કે જેટલી વીગતો નોંધાઈ તેટલી બધી સાચી જ હતી અને ફરિયાદી પણ સાચો જ હતો, પણ તેમાંથી આરોપીની વિરુદ્ધ વધુમાં વધુ એટલો જ નિર્ણય થઈ શકે કે તેણે ફરિયાદીને તથા પટાવાળાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી. (એક સાક્ષીએ તો પોતાની જુબાનીમાં એમ પણ કહ્યું હતું કે થોડા દિવસ તેમનો બહિષ્કાર થયો હતો અને પછી તે બહિષ્કાર કાઢી નાંખવામાં આવ્યો હતો.) પીનલ કોડની ૧૮૯ મી કલમ મુજબ આ ગુનો ગણાઈ શકાય ખરો ? ઈજા એટલે તો કોઈ માણસને ગેરકાયદે કાંઈ નુકસાન પહોંચાડ્યું હોય તે સામાજિક બહિષ્કારને આવી ઈજા ગણી શકાય ? એને ગેરકાયદે ઈજા અથવા તો સાપરાધ ધમકી ગણવાની કાયદો સાફ ના પાડે છે. સામાજિક બહિષ્કાર થશે એટલે શું શું થશે તે બતાવનારો કશો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. એટલે આરોપીની વિરુદ્ધ કરવામાં આવેલી બધી ફરિયાદ સાબિત થયેલી ગણીએ (જોકે કશું સાબિત થયું નહોતું), તોપણ આરોપીને ગુનેગાર ઠરાવવા માટે તથા તેને ચાનક મળે તેવી આકરી સજા ફરમાવવા માટે પૂરતું કારણ નહોતું જ.

હવે આપણે શિવાનંદ અને અમૃતલાલના મુકદ્દમાના ચુકાદાનો ઈન્સાફ તપાસીએ. એની વીગતો પણ સોળમા પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવી છે. આમાં આરોપનો સાર એટલો જ હતો કે ‘આરોપીએ ફરિયાદી તથા બીજાઓને કહ્યું કે તમે નીચ ભંગી અથવા ઢેડનું કામ કરો છો,’ ‘આરોપી નં. ૨ જો હાથ ઊંચા કરીને ફરિયાદી ઉપર ધસ્યો,’ અને ‘આરોપી નં. ૧ લાએ ફરિયાદીને ધક્કો માર્યો.’

બન્ને આરોપીઓએ તહોમત નાકબૂલ કર્યું. પહેલા આરોપીએ જણાવ્યું કે ફરિયાદીની આખી હકીકત જૂઠી હતી, આરોપી નં. ૨ જો ત્યાં હાજર જ નહોતો તથા ફરિયાદી તથા સાક્ષીઓના કહેવા મુજબ જપ્તીઅમલદાર આ બનાવને સ્થળે હાજર નહોતો, જ્યારે ખરી રીતે બધો વખત તે આખો બનાવ જોયા કરતો હતો એ બધું દર્શાવનારા ફોટોગ્રાફ રજૂ કર્યા. મૅજિસ્ટ્રેટે આ પુરાવાને નિરુપયોગી ગણી કાઢી નાંખ્યો. ન્યાય જ કરવાની તેને કાળજી હોત તો તો ફરિયાદપક્ષના સાક્ષીઓને તે પૂછત કે આ ફોટોગ્રાફ બનાવની હકીકત દર્શાવનારા હતા કે નહિ. તેણે તો કશુંયે પૂછ્યુંગાછ્યું નહિ અને આરોપીઓએ ફરિયાદી તથા બીજાઓને ‘તેઓ નીચ ભંગી અથવા ઢેડનું કામ કરતા હતા’ એમ કહ્યું તે ઉપરથી તેમણે હુમલો કર્યો હતો એ ચુકાદો આપ્યો. વળી આરોપીએ હાથ ઊંચો કર્યો એટલે ફરિયાદી — જે જબરદસ્ત બલૂચ હતો અને જે આરોપીઓને ચપટીમાં મસળી નાંખી શકે એવો હતો — તેને ધક્કો માર્યો એવું પણ ઠરાવ્યું. બન્ને આરોપીઓને ૧૮૩ મી કલમ માટે ત્રણ માસની સખ્ત કેદની અને ૩૫૩ મી કલમ માટે છ માસ સખ્ત કેદની એમ નવ માસની સખ્ત કેદની સજા ફરમાવી.

આ મુકદ્દમામાં પણ આપણે માની લઈએ કે આરોપી સામે થયેલી બધી ફરિયાદ સાબિત થઈ હતી (જોકે એવું કશું સાબિત થયું નહોતું જ), તોપણ હુમલો કર્યાનો આરોપ બેમાંથી કોઈ સામે પુરવાર થતો નથી. વળી એક જ કાર્યમાંથી બે ગુનાઓ થયેલા સાબિત ઠરે તો પીનલ કોડની ૭૧ મી કલમમાં સાફ જણાવ્યા મુજબ ૧૮૩ તથા ૩૫૩ મી કલમો માટે જુદીજુદી સજા થઈ શકે નહિ. મૅજિસ્ટ્રેટ પોતાની સમક્ષ રજૂ થયેલા પુરાવામાં સાચું ખોટું કેટલું છે તે તો બીજા મુકદ્દમાની જેમ આમાં પણ તપાસતાં ચૂક્યા એટલું જ નહિ પણ કાયદાનું સ્પષ્ટ અજ્ઞાન પણ તેમણે પ્રકટ કર્યું.

કલેક્ટરના બંગલાના કમ્પાઉંડના દરવાજાની સામેના રસ્તા ઉપર બેસવા માટે બેબે માસની આસાન કેદની સજા ત્રણ વિદ્યાર્થીઓ ઉપર કેવા ઉમદા પુરાવાને બળે ફરમાવવામાં આવી હતી એ તો હું વીગતવાર પાછલા એક પ્રકરણમાં આપી ચૂક્યો છું. એ હાસ્યજનક કેસની વધારે ચર્ચા અનાવશ્યક છે.

વાંકાનેરના ૧૯ માણસો ઉપર હંગામો કરવાના તથા ગેરકાયદે અટકાયતના આરોપસર જે મુકદ્દમો ચાલ્યો એ જરા વીગતવાર વિચારવાજેવો છે. મૅજિસ્ટ્રેટના ચુકાદામાં દર્શાવ્યા પ્રમાણે વીગતો એવી છે કે કેટલાક રેવન્યુ પટાવાળા પેાલીસ પહેરા સાથે કેટલાંક ગાડાં હાંકતા વાંકાનેરને ચોરે રાતે ૮ વાગ્યે આવી પહોંચ્યા. “રાતનો વખત હતો તેથી ચોરાથી દસ કદમ દૂર રસ્તા ઉપર તેઓએ ગાડાં ઊભાં રાખ્યાં અને ત્રણ પટાવાળા વેઠિયાને બોલાવવા તથા ફાનસ લેવા અંદર ગયા. વેઠિયો ગાડાં હાંકી જતો હતો એટલામાં ૧પ૦ માણસોનાં ટોળાએ તે આંતર્યાં, અને ટોળામાંના એક માણસે બળદની નાથ પકડી ગાડાં ઊભાં રાખ્યાં. ફાનસ સાથે વેઠિયાને ટાળામાં ઘસડી જવામાં આવ્યો એટલામાં તલાટી એ સ્થળે જઈ પહોંચ્યો. પોલીસ પાસે બંદૂકો નહોતી, પણ ટોળાને વિખેરી નાંખવાની ખાતર ફરિયાદીએ પોલીસને બંદૂક સજ્જ કરવા કહ્યું. બંદૂકનું નામ સાંભળીને આરોપીઓ તથા બીજા વિખરાઈ ગયા અને થોડે દૂર જઈ ઊભા. તેઓ ફાનસ સાથે વેઠિયાને પણ લઈ ગયા. પટાવાળા તથા પોલીસે પોલીસ પટેલ પાસે જઈ બધી બીના કહી. પટેલ તેમની સાથે ગુનાને સ્થળે તો ન ગયો, પણ તેણે પટાવાળાઓને બીજું ફાનસ આપ્યું અને ગાડાં આગળ ચાલ્યાં.” આટલી હકીકત ઉપર ૧૯ માણસોને ટંટાફિસાદ માટે પકડવામાં આવ્યા.

 આ આરોપીઓને ઓળખવાની ક્રિયાનું ફારસ વર્ણવવા જેવું છે. એ ક્રિયા ‘ગુનો’ થયા પછી અગિયાર દિવસે થઈ. શ્રી. કલ્યાણજીએ તથા શ્રી, વલ્લભભાઈનાં દીકરી કુમારી મણિબહેન પટેલે લોકોને ઘરની બહાર આવવાને ન સમજાવ્યા હોત તો આ ઓળખવાનું કામ તો થઈ જ ન શકત. આ એાળખવાના ફારસમાં સાક્ષીઓએ ખાદી પહેરેલા માણસોને વીણી વીણીને આગળ કર્યા. કયાણજીભાઈ તથા મણિબહેનની સાથે શ્રી. વલ્લભભાઈની મોટર સાફ કરનાર હીરજીભાઈ ગયો હતો, અને તે તદ્દન નિર્દોષ જ હતો. તેને ઓળખવા માટે એકઠા કરેલા લોકોમાં ભળી જવાનું ભાઈ કલ્યાણજીએ જાણીજોઈને સૂચવ્યું. વળી આ સ્થાને શ્રી. ભોગીલાલ નામના વિદ્યાપીઠના એક વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે હતા, જોકે ‘ગુના’ને દિવસે તો તે વાંકાનેરમાં પણ નહોતા. હવે પેલા સાક્ષીએાને તો એકઠા થયેલા લોકોમાંથી ગમે તે ખાદીધારીને ચૂંટી કાઢવા હતા એટલે આ વિદ્યાર્થી અને મોટર સાફ કરનાર બંનેને આરોપીની યાદીમાં આવી જવાની તક મળી !

આ ઓળખવાની ક્રિયાનું ફારસ વધુ ઉઘાડું પાડવાની જરૂર નથી. મુનશીસમિતિ આગળ જુબાની આપનારા ઘણા ગૃહસ્થોએ ઓળખવા માટે સાક્ષીઓ કેવી રીતે ઊભા કર્યા હતા તે બાબત પોતાની જુબાની આપી હતી. આ કેસમાં પાંચ આરોપીઓ ઉપર તો તહોમતનામું જ ન ફરમાવવામાં આવ્યું, ત્રણને મુકદ્દમો ચાલ્યા પછી નિર્દોષ ઠરાવવામાં આવ્યા, અને અગિયારને અમાસની અંધારી રાતને વધારે અંધારી કરે એવા ફાનસ વડે બધાને ઓળખી શકનારા (!) શખ્સની જુબાની ઉપર ૧૪૭, ૩૫૩ તથા ૧૪૯મી કલમોમાં દર્શાવેલા ગુના માટે છછ માસની સખ્ત કેદની તથા ૩૪૧મી કલમના ગુના માટે એક એક માસની આસાન કેદની સજા ફરમાવવામાં આવી ! આ વખતે મેજિસ્ટ્રેટસાહેબે કાયદાની કાંઈક કદર કરી અને બન્ને સજાની મુદત એકસાથે ગણાય એવું ફરમાવ્યું. આ અગિયારમાંથી પાંચ જણે ઉપલી કોર્ટને અપીલ કરી, તેમાં ચાર આરોપીઓની સજા તેમનું ઓળખાણ બરાબર સાબિત નહિ થવાના કારણે રદ થઈ હતી !  એક મુકદ્દમામાં ભવાન હીરા નામના સરળ અને ગરીબ ગાય જેવા ખેડૂત ઉપર સરકારી અમલદાર ઉપર હુમલો કરવાના તથા સાપરાધ બળ વાપરવાના ગુનાનું ૧૮૬ તથા ૩૫૩ એ બે કલમો મુજબનું તહોમત મૂકવામાં આવ્યું હતું. ભવાનની સ્ત્રીએ તો પોલીસ અમલદારને કહ્યાં જ કર્યું કે જપ્તીઅમલદાર આવે ત્યારે બારણાં બંધ કરી દેવાં એ જો ગુનો ગણાતો હોય તો એ ગુનો તો મેં કર્યો છે, મારો ધણી તો ગુનાને સ્થળે હાજર પણ નહોતો. આરોપીએ તહોમત નાકબૂલ કર્યું. આ એક જ મુકદ્દમો એવો હતો કે જેમાં ફરિયાદપક્ષ તરફથી રજૂ થયેલી હકીકત બધી જ સાચી હોય તો મૅજિસ્ટ્રેટના ચુકાદા સામે બહુ વાંધો લઈ ન શકાય. પરંતુ આરોપીની સ્ત્રી જ્યારે આખા તહોમતનો ભાર પોતાની ઉપર વહોરી લેતી હતી ત્યારે તેને ઇરાદાપૂર્વક સાક્ષી તરીકે ન બોલાવી એટલે પુરાવો બિલકુલ અધૂરો હતો એ તો સ્પષ્ટ જ છે.

એક મુકદ્દમામાં ગોપાળજી નામના સ્વયંસેવક ઉપર ખાતેદારના ઘરની દીવાલ ઉપરથી ખાલસા નોટિસ ઉખેડી નાંખવાના તહોમત બદલ કામ ચાલ્યું હતું. આરોપીએ પોતાની કેફિયતમાં જણાવ્યું કે નોટિસ દીવાલ ઉપર કાંટા વડે લગાડવામાં આવી હતી તે પવનથી ઊડી ન જાય એટલા માટે જ તેણે ત્યાંથી લઈને ખાતેદાર તરફથી પોતાની પાસે રાખી હતી. પરંતુ આ પ્રમાણે નોટિસ ખસેડવાની ક્રિયાને વિદ્વાન મૅજિસ્ટ્રેટે પીનલ કોડની ૧૭૩ મી કલમ મુજબનો ગુનો ગણ્યો અને આરોપીને એક માસની આસાન કેદની સજા કરી !

આમ ફરિયાદો માંડવામાં તથા સજાઓ કરાવવામાં પોલીસ અને ન્યાયાધીશ બંને કેવા ભાન ભૂલ્યા હતા તે આ મુકદ્દમામાં સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર એક જ મુકદ્દમામાં મૅજિસ્ટ્રેટે પુરાવાના સંપૂર્ણ અભાવના કારણસર એક ખેડૂત ઉપર ફરિયાદ ચલાવવાની ના પાડી અને બે મહિના પછી મુકદ્દમો પોલીસ પાસે પાછો ખેંચી લેવડાવ્યો. પણ આ મૅજિસ્ટ્રેટ તો ઉપર વર્ણવેલા મકદ્દમા ચલાવનાર મૅજિસ્ટ્રેટથી જુદા અને ઓછી સત્તાવાળા હતા. આ  મુકદ્દમો તે પુણ્યપ્રકોપથી આખી અદાલતને ધણધણાવી મૂકનાર પેલા રાયમના બહાદૂર ખેડૂતનો, જેની વીગત હું ઓગણીસમા પ્રકરણમાં આપી ગયો છું.

એ ભોળા પણ સાચા ખેડૂતથી ફોજદારનું અસત્ય ન સહન થયું એ આપણે જોઈ ગયા, પણ એને તો પોતાના સાચાની વધારે સાબિતી આપવી હતી એટલે એણે પોતાને લેખી હુકમ નહોતો મળ્યો તે સાબિત કરવા બેત્રણ સાક્ષીઓ રજૂ કર્યા. મૅજિસ્ટ્રેટ પૂરેપૂરા ગૂંચાયા. ખેડૂતની વાત સાચી હતી એ તે જાણતા હતા, એટલે તેને સજા શી રીતે થાય ? પણ જો તે ખેડૂતને છોડી મૂકે તો અદાલતમાં જૂઠું બોલવાના ગુના માટે ફોજદાર ઉપર કામ ચલાવવું જોઈએ. છેવટે પોલીસની પાસે કેસ ખેંચાવી લેવડાવી તેમણે ગૂંચ ઉકેલી.

આ બધા મુકદ્દમા બહાદુર ખેડૂતોનો જુસ્સો તોડી પાડવાના હેતુથી ઊભા કરવામાં આવ્યા હતા. પણ તેનું પરિણામ ઊલટું જ આવ્યું. છેલ્લા મુકદ્દમામાં જેમ ખેડૂત મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો પુણ્યપ્રકોપ દાબી શક્યો નહિ, તેમ જ બીજા બધા મુકદ્દમાઓમાં જેમને સજા થઈ હતી તે બધા જાણતા જ હતા કે અમને સજા ખોટી રીતે થયેલી છે અને અમારી નિર્દોષતા તથા શુદ્ધ તપશ્ચર્યાથી લડતને લાભ જ થવાનો છે. તેઓ બધા જ બહુ આનંદપૂર્વક જેલમાં જતા હતા અને ગામના લોકો પોતાના વીરોને અભિમાનથી વદાય આપતા હતા.