બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/રળિયામણી ઘડી

વિકિસ્રોતમાંથી
← તાજા કલમ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
રળિયામણી ઘડી
મહાદેવભાઈ દેસાઈ
અમૃતવાણી →


એ અદ્ભુત દૃશ્ય

રળિયામણી ઘડી

[ સત્યાગ્રહના વિજયના ઉત્સવપ્રસંગના મારા ‘નવજીવન’ના લેખ અને ગાંધીજી અને વલ્લભભાઈનાં ભાષણ જેમના તેમ અહીં ઉતાર્યા છે.મ. હ. દે. ]

‘જાનકીનાથ સહાય કરે જબ કોન બિગાડ કરે નર તેરો ?’

‘નિર્મલ કે બલ રામ’

પાવક દૃશ્યો

બારડોલી સત્યાગ્રહના વિજયની ઉજવણી બારડોલીના ગામડાંમાં જોઈ, બારડોલી તળમાં જોઈ, સૂરતમાં જોઈ, અને અમદાવાદમાં જોઈ. હજી ઘણે ઠેકાણે થશે. પણ ગામડાંની ઉજવણીમાં સત્યાગ્રહમાં ભાગ લેનારાઓ પણ શામેલ હતા એટલે એની નોંધ વિશેષ મહત્ત્વની છે.

એ ઉજવણીનાં દૃશ્યોના સહેજે કેટલાક વિભાગ પડી જાય છે, અને તે વિભાગ પ્રમાણે નોંધને ગોઠવવાની રજા લઉં છું. એ દૃશ્યમાં જેને પાવક દૃશ્યો કહી શકાય એ તો બારડોલીનાં ગામડાંમાં જોવાનાં હતાં. એ ભોળા ભલા ખેડૂતોને, અને જેનું દર્શન વિકારોને પણ શમાવી શકે એવું પુનિત છે એવી ખેડૂત સ્ત્રીઓને બારડોલી સત્યાગ્રહનો અંત કેવી રીતે આવ્યો, સમાધાની કેવી રીતે થઈ, કોણે કરી, સમાધાનીમાં શું શું થયું એ જાણવાની પરવા નહોતી. તેમને તો ગાંધીજી અને વલ્લભભાઈનાં દર્શન પૂરતાં હતાં, તેમને વિજયનાં ગીત ગાવાનાં નહોતાં, તેમને તો લડત પૂરી થઈ અને પોતાના હૃદયના દેવ તેમની આગળ, અમૃતવચન સંભળાવવાને આવીને ઊભા છે એટલી જ વાત બસ હતી. તેમની પાસે શેહેરોની જેમ કીમતી હારોમાં પૈસા ખર્ચવાના નહોતા, તેઓ તો ભર વરસાદમાં કાદવકીચડ ખૂંદીને, નદીઓ ઊતરીને, પોતાના કાંતેલા સૂતરના હારો લઈ ને આવ્યાં હતાં. હા, આજે જેમ તેમને આનંદની ઘડી હતી, પોતાના વહાલા નેતાઓ આવ્યાની વધામણી હતી, તેમ તેમને એક રમણીય મૂંઝવણ પણ હતી. પાટીદારની સ્ત્રીઓ તો સંતના દર્શને ખાલી હાથે જાય જ નહિ, એટલે ભેટો લઈને આવી હતી. પહેલી ભેટ તો ગાંધીજીને ધરવાની હોય, પણ પછી પાસે ન હોય તો વલ્લભભાઈને શું ધરવું ? જેની પાસે બે રૂપિયા હોય તે તો રૂપિયો રૂપિયો બંને મૂર્તિઓ આગળ મૂકીને સંતોષ માનતાં, પણ એક હોય તેનું શું થાય ? પાંચ હોય તો ત્રણ ગાંધીજી આગળ મૂકે, બે વલ્લભભાઈ આગળ મૂકે, એમાં પણ મૂંઝવણ તો હતી જ. જગતમાં એકથી બધું સધાય છે, બેથી બગડે છે એમ કહેવત છે, પણ આ સત્યાગ્રહી પાટીદારણોને તે બેકી ભેટ હોય તો મૂંઝવણ મટતી હતી, એકી હોય તો મૂંઝવણ વધતી હતી. તેમની મૂંઝવણ ભલે વધતી હોય કે ધટતી હોય, તટસ્થ પ્રેક્ષકને એ બંને સ્થિતિમાં ઊભરાતા પ્રેમનાં દર્શન થતાં હતાં. સત્યાગ્રહની લડતનાં કાવ્યો બનાવનાર કવિએ તો વિજયનાં ગીતો બનાવ્યાં હતાં, પણ આ પાટીદાર બહેને તો પેાતાનાં પુરાણાં ગીતો જ ગાતી હતી — ‘ગાંધીજી સવરાજ લઈ વેલા આવજોરે,’ ‘સાબરમતી આશ્રમ સોહામણું રે,’ એવાં એવાં ધ્રુવભાવનાં ગીતો જ તેમને મોઢે ચડતાં હતાં, રાનીપરજ બહેનોને રૂપિયા આપવાના હોય નહિ એટલે મોટી મૂંઝવણ પડતી નહોતી. પોતે કાંતેલા સૂતરના હારો તેઓ બંને મૂર્તિઓને પહેરાવીને આનંદ માનતી હતી, અને રેંટિયા અને દારૂનિષેધનાં ગીતો ગાતી હતી.

પીશો મા, પીશો મા, પીશો મા, દારૂ પીશો મા.
અમે પીશું તો ગાંધીરસ પીશું — દારૂ૦
અમે પીશું તો રામરસ પીશું — દારૂ ૦

આ સાદી સીધી કડીઓમાં તેમનો નૈસર્ગિક કંઠ પુરાઈને જે અસર થતી હતી તેના ભણકારા હજી કાનમાં વાગ્યા કરે છે, અને થાય છે કે સાચો ‘ગાંધીરસ’ પીનારા તો આ જ લોકો છે, બીજો નામનાં છે. આવાઓની આગળ ગાંધીજીને કે વલ્લભભાઈને ભાષણો કરવાની પણ શેની જરૂર પડે ? તેઓ તો કરવાનું કરી રહ્યાં છે.

જેલી ભાઈઓ

આ પાવક દૃશ્યોમાં વૃદ્ધિ કરનારાં દર્શન જેલમાંથી છુટી આવેલા વીરોનાં હતાં. બારડોલીની લડતે જેમ જેલ બહાર રહેનારાઓની ઠીકઠીક કસોટી કરી છે તેમ જેલમાં જઈને બેઠેલાઓની પણ સારી કસોટી કરી છે. એ કસોટીમાંથી પાર ઊતરીને આવેલા, ઘસાયેલા શરીર પણ ઉજ્જવળ આત્મા સાથે આવેલા એ વીરોનાં દર્શન પાવક હતાં. બધા સત્યાગ્રહીઓમાંથી એકેના ઉપર સરકારના જેલર અને જેલ સુપરિન્ટેન્ડન્ટે કશી દયા કે ભલમનસાઈ રાખી હોય એમ ન સાંભળ્યું, પણ વિટંબણાની વાતો કરતાં તેમનાં મોં ઉપર તો સ્મિત સિવાય બીજું કશુંય નહિ. વાંકાનેરના ખેડૂતવીરોએ તો અગાઉ કદી જેલ જોયેલી નહિ. તેમાંના ઘણાખરાને કઠણમાં કઠણ મજૂરી આપવામાં આવી હતી, —ચક્કીમાં ૩૭ શેર રોજ દળવાનું, પંપ ચલાવવાના વગેરે — જેલર ખાસ ભલો થાય તો કોઈવાર ખરાબમાં ખરાબ ઘંટી પસંદ કરીને તે ઉપર દળાવતો, તોપણ જરાય આનાકાની વિના તેઓ પોતાનું કામ બજાવી આવ્યા. એ લોકોને જોઈને કોને ઉત્સાહ અને આશા ન મળે ? રાયમનો એક ગરીબ ગાય જેવો ખેડૂત જરાય પુરાવા વિના જેલમાં ગયેલો. તેના સ્વાગતને માટે તેની વીર પત્ની આવી હતી. પત્નીને ભય હતો કે કદાચ પોતાનો ભલો, ગરીબડો પતિ, જેલના ત્રાસ નીચે ભાંગી પડશે, પણ તે જેલની જહેમત વેઠીને સાજોસમો પાછો આવ્યો તેથી તે બહેનના આનંદનો પાર નહોતો. ગાંધીજીને પ્રણામ કરતાં કરતાં તે બહેન કહે: ‘છ મહિના તો ની રે’વા પામ્યા. તણ જ મહિનામાં આવી ગયા.’ એ ખેડૂતને લેવાને તેનું આખું ગામ સ્ટેશને ઊલટ્યું હતું. ઘણાઓને મનમાં થયું હશે કે આપણો આ ગરીબડો ભાઈબંધ શી રીતે જેલમાં ટકી શકશે, પણ સૌનો ભ્રમ ભાંગ્યો, અને પોતાના ગામડામાં પણ કદી બહુ ન બોલનારા એ ભાઈ એ પોતાનું સ્વાગત કરવાને ભેગા થયેલા ભાઈઓને કહ્યું : ‘મારી ભડક ભાંગી ગઈ મારી જીભ પણ ખૂલી ગઈ છે. જેલમાં કશું નથી. ઘેર મહેનત કરવાની અને ત્યાંયે મહેનત કરવાની. મને તો લાભ જ થયો છે, હું તો જેલમાં બીડી છોડી આવ્યો.’

જેલનો ત્રાસ કેટલો હશે તે તો ભાઈ ચિનાઈને અને વાંકાનેરના એક ભાઈને કેવળ જોવાથી જ પ્રતીત થતું હતું. ચિનાઈનું તો વજ્ર જેવું શરીર, પણ તે શરીર ભાંગી પડ્યું. કામ રાક્ષસનું લેવું અને ખોરાક દુકાળિયાનો આપવો એ ન્યાયે આપણી જેલ ચાલે છે. ચિનાઈએ પોતે તો પોતાનું દુઃખ જાહેર ન કર્યું , પણ રવિશંકરભાઈએ બેત્રણ વાક્યોમાં બધું કહી દીધું: ‘ચિનાઈએ તો કમાલ કીધી. એમની પવિત્રતાથી હું ચકિત થઈ ગયો. સવારથી ચક્કી શરૂ કરે તે ઘણીવાર સાંજના રોટલા વખત સુધી ચાલતી હોય ત્યારે માંડ પૂરા ૩૭ શેર થાય, થાક્યાપાક્યા પડે એટલે રોટલા ખાવાના હોય, અને પાણીમાં અગાઉથી ભીંજવી રાખેલા કોબી કે એવા જ કશાના પાકા, આંગળી જેટલા જાડા, ડીટાનું શાક હોય. પણ ચિનાઈએ કદી ફરિયાદ નથી કરી, પોતાનું કામ કદી કોઈની પાસે નથી કરાવ્યું.’

આ શાક અને રોટલા અને માંદાની માવજતના સંપૂર્ણ અભાવને લીધે વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી ભાઈ દિનકર મહેતા તો જેલમાંથી ઝેરી તાવ લઈને નીકળ્યો. હજી અમદાવાદની ઇસ્પિતાલમાં પડ્યો છે, અને બચે તો તેનાં સગાંવહાલાં અને મિત્રોના નસીબે બચે એવી સ્થિતિ છે.* [૧]

જેલ નથી લાગી રવિશંકરભાઈને. તેમનું મધુરું હાસ્ય જેલમાં જઈ આવ્યાથી જરાય ઝાંખું નથી થયું. એમનું શરીર વજ્ર જેવું હશે કે તે શરીરમાં રહેલું સંકલ્પબળ વજ્ર જેવું હશે, તેમના ઉપર જેલ નથી અસર કરી શકતી; કદાચ સરકારની પાસે નરકવાસ આપવાનો અધિકાર હોય તો તે નરકને પણ સ્વર્ગ કરી મૂકવાની શક્તિ રવિશંકરભાઈ ધરાવે છે. હસતા હસતા તે કહે : ‘लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः એ વાત અમારે માટે તદ્દન સાચી છે. આવી જીત મળશે, આટલામાં છૂટીને નીકળશું એવું સ્વપ્ને પણ નહોતું ધાર્યું.’ રવિશંકરભાઈ તો ધારાળાઓના ગોર રહ્યા, એટલે તેમને પોતાના ઢગલાબંધ જજમાનો જેલમાં મળી ગયા. કોઈ કેદીની સાથે તેમને સીધી ઓળખાણ હોય, તો કોઈનાં સગાંવહાલાં યાદ કરીને ઓળખાણ નીકળે. ‘મહારાજ, તમે અહીં ક્યાંથી ! હારું, ભલે આવ્યા. તમને ચક્કીનું કામ આપ્યું છે. ફકર નહિ, આપણાં પંદરહત્તર માણસ ચક્કી પર છે. તમારું તો ઘડીકમાં દળી દેહું,’ એમ કહીને સૈ આશ્વાસન આપે. એક જણ તો હરખઘેલો થઈને પગે લાગી પડ્યો : ‘હેં, ગાંધીજી તમે અહીં કાંથી ?’ — જે ધારાળાઓએ ગાંધીજીનાં કદી દર્શન નથી કર્યા તેને રવિશંકરભાઈ ‘ગાંધીજી’ જ છે એટલે પછી ‘ગાંધીજી’ સમજાવે કે કેમ આવવાનું થયું. પોતાના જેલજીવનની વાતો કરતાં રવિશંકરભાઈ કહે: ‘આપણે તો કાગડા બોલે સૂવું અને કાગડા બોલે ઊઠવું. ઊઠ્યા કે તરત સાબરમતી આશ્રમનો ઘંટ સંભળાય. બીજા ઊઠ્યા હોય તે પહેલાં તો હું પરવારીને બેઠેલો હોઉં. મેં તો જેલમાંથી બહાર નીકળીને જ દીવો જોયો. જેલમાં દીવાનાં દર્શન નથી કરવા પામ્યો. છ અઠવાડિયાં મને ઘંટી હતી. રોજ ૩૭ શેર દળવાનું. નાગપુરમાં તો બેત્રણ કલાકમાં એટલું દળીને ફેંકી દેતો. અહીં આરંભમાં જરા મોડું થતું, પણ પછીથી તો દોઢબે વાગ્યામાં બધું પૂરું થઈ જાય.’,

‘તમને આ ખોરાક કેમ પચી ગયો ?’ એમ પૂછતાં કહે : ‘શાક તો ઝેર જેવું મળતું, પણ એ બધું હું પી ગયો છું, આંખ મીંચીને એ ખાઈ જાઉં. રોટલા તો મારે ત્રણ વેળના સાતઆઠ જોઈએ અને તે સ્વાદથી ખાઉં, દાળ ઘણાને ન રુચે એવી હોય, પણ હું તો રોટલા ચાવી ચાવીને ખાઈ જાઉં, અને ઉપર દાળ પી જાઉં !’

જેલમાં બીજા કેદીઓનાં જીવન વિષે વાત કરતાં તેમણે કંપારી છૂટે એવી હકીકતો કહી. કેદીઓને પૈસા ખરચીને ગમે તે વ્યસન પૂરું પડી શકે છે, તેમનાં અર્ધા પૈસા ખાઈને બીડી, મીઠાઈ, જે જોઈએ તે પૂરું પાડનારાં સિપાઈસફરાં પડેલાં છે, અને બીડીના વ્યસનની ખાતર અધમતાની હદ ઓળંગતા કેદીઓ પણ પડેલા છે. ગુનાઓ માટે કેદમાં જનારા ચોરી વગેરેના ગુનાઓ જેલમાં ચાલુ રાખે છે, કેટલાક નવા ગુના શીખે છે, અને વારંવાર પાછા ત્યાં આવે છે, ઇત્યાદિ, ઇત્યાદિ.

પણ એ તો આડી વાત ઉપર ઊતર્યો. રવિશંકરભાઈની સાથે થોડી ઘડી ગાળવી એ પણ ચેતન મેળવવા જેવું છે; નરકને સ્વર્ગ કરવાની તેમની શક્તિ જોવા અને સાધવાને સારુ તો તેમની સાથે રહી તેમની તપશ્ચર્યા શીખવી જોઈએ.

મસ્ત દૃશ્યો

તાલુકામાં તેમજ સુરતમાં અને અમદાવાદમાં વલ્લભભાઈએ માનપત્રો અને અભિનંદનોનો જવાબ આપતા જેટલા ગાંધીજીને સંભાર્યા છે તેટલા જ પોતાના સાથીઓને સંભાર્યા છે. અને એ સાથીઓ તે કેવા ? પડ્યો બોલ ઉઠાવી લેનારા, ફલાણો હુકમ કેમ થયો છે તે પૂછ્યા વિના તેનો અમલ કરનારા, ફલાણે ઠેકાણે કેમ જાઓ છો, ગવર્નરની પાસે ડેપ્યુટેશનમાં કોને લઈ જવાના છે, પૂના જઈને સમાધાનીની શરતો કેવી કરવાના છો, પૂના જઈ ને શી વાત કરી આવ્યા — એવા એકે સવાલ પૂછવાનો વિચાર સરખો ન કરી કેવળ તાલીમ જાળવી, પોતાને સોંપેલું કામ કરનારા વફાદાર સાથીઓ. આ સાથીઓને વિજયની ખુમારી ચડે તો તેમાં નવાઈ શી હતી ? પણ તેમને પણ પોતાના વિજયની ખુમારી નહોતી; પોતાનાથી થયેલી કાચીપાકી સેવાથી પેાતાના સરદારને વિજય મળે એ જ વાતની તેમને ખુમારી હતી, અને સરદાર વળી એવી જ તક આપે તો વળી તેમના ઝુંડા નીચે તેમના ગમે તે હુકમો ઉઠાવવાની તૈયારીની, અને એ તૈયારીથી થતા કૃતકૃત્યતાના ભાનની ખુમારી હતી. જેણે વફાદારીભરેલી સેવાની લહેજત ચાખી છે,  જેણે કાળી રાતે પડ્યો બોલ ઉઠાવવાનો લહાવો લીધો છે, એવા સૈનિકોને એ ખુમારી રાખવાનો અને મસ્ત થઈને પોતાના સરદારના વિજયનાં ગીત ગાવાનો અધિકાર છે. પોતાનાં સીધાં, સાદાં અને ગામડિયાઓની જીભે સહેજે ચડી જનારાં ગીતોથી આખા બારડોલીને ઘેલું કરનાર ફૂલચંદભાઈના અને તેમના ભેરૂ શિવાનંદનો આનંદ માતો નહોતો. કેટલાય દિવસો થયાં ગીતો બનાવવાનું બંધ કરેલું છતાં વિજયની ખબર આવી કે તરત જ ફૂલચંદભાઈને ઊર્મી છૂટી આવી, અને વિજયનાં અનેક ગીતે રચી કાઢ્યાં એમાં

હાક વાગી વલ્લભની વિશ્વમાં રે
તોપ બળિયાને કીધા મ્હાત — હાક૦
પ્રાણ ફૂંક્યા ખેડૂતનાં હાડમાં રે
કાયરતાને મારી લાત — હાક૦
હાથ હેઠા પડ્યા સરકારના રે
વધી સત્યાગ્રહીની સાખ— હાક૦
કર્યું પાણી પોતાના લોહીનું રે
નિજ ભાંડુની સેવા કાજ — હાક૦
કર્યું સાબિત કોઈથી ના હઠે રે
શૂરા સત્યાગ્રહીની જમાત — હાક૦
જીતડંકો વગાડ્યો વિશ્વમાં રે
બારડોલીનો જયજયકાર — હાક૦

એ ગીત સભામાં, સરઘસોમાં અને ટ્રેનમાં એ સૈનિકો લલકાર્યા જ કરતા હતા. ૧૨ મી ઑગસ્ટને દિવસે બારડોલીમાં આખો બારડોલી તાલુકા ઊલટ્યો હતો; બારડોલીથી બધા સૈનિકો સમેત સરદારને સૂરતનું નિમંત્રણ હતું, પોતાની સેના લઈને જે ટ્રેનમાં સરદાર ગયા તે ટ્રેનમાં બુલંદ અવાજે ગવાતાં ગીતોમાં પણ મસ્તી ભરેલી હતી. સૂરતમાં આ ત્રણસે જેટલા સૈનિકોનું સરઘસ નીકળ્યું તે દૃશ્યમાં પણ મસ્તી હતી. એ મસ્તી જોઈ ને ગમે તે સરકારનો મદ હળવો પડે તો નવાઈ નહિ.

એ સૈનિકોની મસ્તીને જરાય મોળી પડવા ન દે એવું, તેમને શિરનાં સાટાં કરીને ઝૂઝવું હોય તો તેનો અવકાશ આપે એવું,  મસ્તીમાં કર્તવ્યભાન ભૂલવાની ગફલત ન થાય તેની સચોટ ચેતવણી આપનાર, જેવો લડતનો તેવા જ શાંત રચનાત્મક કાર્યનો રસ ચડાવનારું ભાષણ ગાંધીજીએ ૧૯૨૨ ના ઐતિહાસિક આંબા નીચે કર્યું તે અક્ષરશઃ અન્યત્ર આપવામાં આવે છે. જુઓ ‘અમૃતવાણી’ પાનું ૨૭૮.

ગુરુશિષ્યનાં દર્શન

નાગપુર અને બોરસદના વિજયવેળા તો ગાંધીજી જેલમાં હતા, એટલે નાગપુરનો વિજય મેળવનારા કે બોરસદનો વિજય મેળવનારાઓને ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં દર્શન ભેળાં નહોતાં થયાં. બારડોલીના અપૂર્વ વિજયની એક અપૂર્વતા ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં ભેળાં દર્શન સૌને મળ્યાં એમાં પણ કહું તો ખોટું નહિ. બારડોલીના કાદવકીચડમાં ફરતા, અને નદી અને ખાડીઓના સરકણા ઘાટ ઉપર એકબીજાને ટેકો દઈને ખેડૂતોમાં ભળી જતા આ યુગલનાં દર્શન સોહામણાં હતાં. બંનેને એક જ સ્થાને બોલવું એ તો પેલી ભોળી બહેનોને જેવું મૂઝવણભર્યું લાગ્યું હતું તેવું જ લાગ્યું હશે. પણ પ્રેમી જનતાના આગ્રહને વશ થઈને તેમને તે પણ કરવું પડ્યું. વિજય અગાઉ તો ગાંધીજી જ્યાંત્યાં સરદારના હુકમનો આશરો લઈને કહેતા, ‘સરદારનો હુકમ નથી એટલે કેમ બોલાય ?’ વાલોડમાં સરદારનું સ્થાન સૈનિકોએ જ લઈ લીધું, અને વિભાગપતિ ચંદુલાલે ગાંધીજીને બોલાવ્યા. ગાંધીજીએ વાલોડમાં પોતાની મૂંઝવણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવીને ટાળી, બારડોલીની એક સભામાં માન રાખ્યું છતાં માનપત્ર વલ્લભભાઈને આપતાં તેમની પીઠ ઉપર શાબાશીનો મજબૂત થાબડો દઈને ટાળી. સૂરતમાં ૧૯૨૧ ના કાર્યક્રમની યાદ દઈને ટાળી, અને અમદાવાદમાં પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવવાની ના પાડીને ટાળી. વાલોડનું ટૂંકું ભાષણ અહીં જ આપી દઉં :

“તમારામાંના કેટલાકને એમ લાગે છે કે આપણને લડવાનું વધુ મળ્યું હોત તો સારું. મને પણ એમ ભાસે. પણ સત્યાગ્રહી ખોટી રીતે મુદ્દલ લડવા ન માગે, સાચી રીતે જન્મારા સુધી લડ્યા જ કરે. કારણ એની શાંતિ તો લડાઈમાં જ રહેલી છે. પણ શરતનું પાલન સામો પક્ષ ન કરે તો કેવું સારું કે જેથી લડતનો વધારે રસ લૂંટવાનો મળે એ સત્યાગ્રહની વૃત્તિ નથી, અસત્યાગ્રહની વૃત્તિ છે. સરદારને સરકારે ન બોલાવ્યા તેથી શું ? સરદારને તો મમમમનું કામ હોય, ટપટપનું કામ ન હોય. એટલે તમે જો આગળ વધીને કહો કે અમારા સરદારને બાલાવો તો જ સલાહ કરીએ તો તમે દોષમાં પડો. તમારા કે તમારા સરદારના સાચા માનની હાનિ હોય એવું કશું બન્યું નથી. શરતનું પાલન કરાવનાર ઈશ્વર હતો. અનેક ઉદ્ધત ભાષણો કર્યા પછી સરકારને આપણી શરતોનું પાલન કરવું પડ્યું. કમિશનરે પેલો ઉદ્ધત કાગળ બહાર પડવા દીધો ત્યારે જ મેં કહેલું કે હવે જીત ચોક્કસ છે. જેમજેમ સરકાર દોષ કરતી ગઈ તેમ તેમ આપણી જીત પાસે આવતી ગઈ. સરકારને વહેલું આટોપવું પડ્યું એમાં આપણા માનની લેશમાત્ર હાનિ નથી થઈ. આપણે જો ભીનુ સંકેલ્યું હોત તે માનહાનિ થાત ખરી. મારા અનુભવમાં સત્યાગ્રહની અનેક લડાઈઓ થઈ ગઈ છે, પણ તેમાંની એકેમાં આના કરતાં વધારે સાચી, વધારે શુદ્ધ જીત બીજે ક્યાંયે નથી મળી. એમ સત્યાગ્રહના શાસ્ત્રી તરીકે હું મારા પુરાવા આપું છું. ”

વલ્લભભાઈની મૂંઝવણ એથીયે વધારે હતી. ગાંધીજીની સમક્ષ માનપત્રો લેવાં એ જ તેમને ભારે વસમું લાગતું હતું. બારડોલીમાં તેમણે સાફ કહ્યું — માનપત્ર આપવાનો સમય જ હજી નથી આવ્યો, એ તો ૧૯૨૨ ની પ્રતિજ્ઞાનું પાલન થશે ત્યારે જ આવવાનો છે. માનપત્ર લેવાની પોતાની લાયકાત નથી એમ જણાવતાં તેમણે કહ્યું :

અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં છૂટાછવાયા અજ્ઞાત ઘણા પડ્યા છે; તેમના ભાગ્યમાં જાહેરાત નથી, જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તો નાને મોઢે મોટી વાત કરવા જેવું છે— કોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોંચવાની વાત કરે તેના જેવું છે. પણ કોઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને એ વાત કરે તે કંઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યો તૂટ્યો સંદેશ તમારી આગળ મૂકું છું. તેટલાથી જ જો તમારામાં પ્રાણ આવ્યા તો જો હું પૂરો પાળનારો હોત તો ૧૯૨૨ ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હોત”

અમદાવાદમાં ગાંધીજીને વlલભભાઈની સ્તુતિ કરવાની, અને વlલભભાઈ ને બધી સ્તુતિ સાંભળી ગાંધીજીની સમક્ષ માનપત્ર લેવાની મૂંઝવણ આવી પડે એમ હતું. તેનો બંની કેમ નિકાલ કર્યો તે તો બંનેનાં ભાષણો અક્ષરશ : બીજે ઠેકાણે ઉતાર્યાં છે તેથી સમજાશે. (જુઓ ‘અમૃતવાણી’વાળા ભાગમાં)

વિજયની ઉજવણીમાં રખેને કોઈ ભાન ભૂલે, રખેને કોઈ આંખ આગળ પડેલું કર્તવ્ય વીસરીને નિદ્રામાં પડે એ ખાતર પ્રજાને ગંભીર ચેતવણી આપનારા ગાંધીજી અને વલ્લભભાઈના ઉદ્‌ગારો સ્વરાજય મળ્યા પછી પણ લોકો પેઢી દરપેઢી સુધી યાદ કરશે. (જુઓ બારડોલીનું, સૂરતનું અને અમદાવાદનું ભાષણ — ‘અમૃતવાણી’વાળા ભાગમાં.)

શહેરીઓએ કરેલાં સ્વાગત

બારડોલીની લડતથી શહેરીઓ પણ ઘેલા થયા હતા, અને ક્રિકેટની મૅચ જીતીને આવતા ખેલાડીઓને ખાંધે ચડાવીને માન આપતા પ્રેક્ષકોની યાદ આપતા હતા. સૂરત અને અમદાવાદનાં સ્વાગત જોઈને કોઈ મશ્કરો એમ કહે કે ‘તમે એકવાર લડી દો, પછી વાજા વગાડી, સરઘસ કાઢી, વિજય ઊજવવાનું કામ અમારું છે એમ શહેરો સંદેશો આપતાં લાગે છે,’ તો તેનો ભાગ્યે જ કોઈ વાંક કાઢશે. પણ શહેરો સત્યાગ્રહની જીત આવી રીતે ઉજવે એ પણ ઉત્સાહ આપનારી વાત તે છે જ.

સૂરતે તો દીવાળી ઉજવી, સૂરતની રોશની અને સૂરતના શણગાર, સૂરતની પચીસ હજાર માણસોની અપ્રતિમ શાંતિભરી સભા લોકોની સમૃતિમાંથી નહિ ખસે. અમદાવાદે પણ સરદારનાં સન્માન કરવામાં કશી કચાશ ન રાખી. શ્રી સરલાદેવીએ સ્ટેશને સરદારનાં ઓવારણાં લીધાં, અને મિત્રોએ સોનેરી હારો આપ્યા. કોઈએ મેતીએ વધાવ્યા, કોઈએ લાખો રૂપિયાના મોતીનાં તોરણના શણગાર કર્યા. મંગળદાસ શેઠે પેતાના ભાષણમાં સત્યાગ્રહનો વારંવાર ઉલ્લેખ કર્યો ત્યારે તો જમાનો પલટાયો છે એમ ઘણાને લાગ્યું હશે. પણ એમ એકાએક જમાનો પલટાઈ ગયો છે એમ માની બેસનારને ગાંધીજીની મીઠી ચાબૂકની જરૂર હતી. ગાંધીજીની પાસે ભાષણ કરાવવાની કબૂલાત ન લીધેલી છતાં તેમને ઉઠાડીને ડાક્ટર હરિપ્રસાદે અમદાવાદને માટે એ ચાબૂક માગી લીધી.

અમદાવાદ અને સૂરતની વ્યવસ્થામાં ઠીક ફેર દેખાઈ આવતો હતો. સૂરત શહેર છતાં ગ્રામ્ય સાદાઈ અને સૌંદર્ય સમજે છે એમ નદીના તટે પચીસ હજાર માણસોની શાંત સભા ગોઠવીને તેણે બતાવી આપ્યું. અમદાવાદ ‘સુધારા’નું પૂજારી રહ્યું, નદી ઉપર શોભા ન કરી શકાય, અને નદીની અકૃત્રિમ શોભાથી તેને તૃપ્તિ ન વળી એટલે ભગુભાઈના વંડામાં શોભા કરી, અને સભાની અશાંતિ વહોરી લીધી. કૃત્રિમ સૌંદર્યનો ત્યાગ કરતાં પણ આપણે શીખવાનું છે.

સૂરત અને અમદાવાદનાં સરઘસ અને સન્માન જે બારડોલીનો કોઈ ગામડિયો જોવા આવ્યો હોય તો શું કહે તે જણાવું ? તેને તો એ જ વિચાર આવે : ‘અમારા ગામડામાં આટલાં ફૂલો નથી થતાં અથવા નથી મળતાં એ સારું છે, નાહકનાં ઢગલો ફૂલોમાં પૈસા બરબાદ થાય, અને જેનો માથે જ ચડવાનો અધિકાર છે તે ફૂલો પગ તળે રોળાય.’ બારડોલીમાં કાછિયા અને કોળી જેવા વર્ણની બહેનોએ પણ સરદારનાં સ્વાગત રૂપિયો પૈસો અને કુંકુમે કરેલાં, શહેરીઓ શા સારુ ફૂલોના ઢગલાને બદલે તેટલા રૂપિયાના ઢગલા ન કરતા હોય ? એટલા રૂપિયાએ તો ખાદીનું એક કેન્દ્ર ચાલે અને હજારો બહેનોને રોજી મળે!

અમદાવાદમાં પણ કેટલાક વ્યવહારકુશળ સ્વાગત કરનારા હતા ખરા. કેટલાંક મહાજનોએ સારી સારી રકમ આપી. એક બહેનના મીઠા શબ્દો વલ્લભભાઈ કદી ન ભૂલે, એક ડોશીમાએ સૂતર આપતાં કહ્યું : ‘ધન્ય છે તમારી માતાને !’ અને એક સાદી જાડી ખાદી પહેરીને લોકાના ટોળામાંથી જેમતેમ માર્ગ કરીને આવેલી બહેને પોતાનો હાર પહેરાવી કહ્યું : ‘મારા હાથે કાંતીને હાર કરી લાવી છું.’

  1. *અહીં સહર્ષ એ જણાવવું જોઈએ કે ભાઈ દિનકર હવે તદ્દન સાજા થઈ ગયા છે. —પ્રકાશક