બાલ–પંચતંત્ર/કાગડાનું જોડું અને કાળો નાગ
| ← ભોળો ગધેડો અને લુચ્ચો શિયાળ | બાલ–પંચતંત્ર કાગડાનું જોડું અને કાળો નાગ પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
હાજર જવાબી શાહુકાર → |
એક મોટા ઝાડ ઉપર કાગડાનું જોડું રહેતું હતું. તેમણે તે જગ્યાએ એક સુંદર માળો બાંધ્યો હતો. કાગડી પોતાના ઇંડાં તેમાંજ મુકતી, કાગડીએ એક દિવસ પોતાના ધણીને કહ્યું:–“હવે આપણને સુંદર બચ્ચાં થશે.” એ વિચારથી તેઓ બહુ હરખાયાં.
તે ઝાડ ઘણું જુનું હતું. તેના થડમાં ઉંડો ખાડો પડ્યો હતો. એક ઝેરી નાગ ત્યાં આવી પહોંચ્યો. તેણે એ થડના ખાડામાં પોતાનું ઘર બનાવ્યું. તેમાં તે રોજ પડી રહેતો. એક દિવસ કાગડો અને કાગડી જ્યારે બહાર ગયાં, ત્યારે પેલો નાગ પોતાના દરમાંથી બહાર નીકળ્યો; અને કાગડાના માળામાંથી તેમનાં બચ્ચાં કાઢી લીધાં અને ખાઈ ગયો.
કાગડો અને કાગડી જ્યારે પાછાં આવ્યા, ત્યારે તેમણે માળામાં બચ્ચાં દીઠાં નહિ. પોતાનાં બચ્ચાંને ખોવાઇ ગએલાં જોઈને તેમને બહુ દુઃખ થયું. કાગડીએ ફરી બીજાં ઈંડાં મુક્યાં, ત્યારે તે બોલી:–“હવે આપણને બીજાં બચ્ચાં થશે.” બન્ને જણાં ફરી પાછાં ખુશ ખુશ થઈ ગયાં. પણ તેમનો હરખ ઝાઝીવાર રહ્યો નહિ. નાગ ફરી પાછો આવ્યો અને તેમનાં બચ્ચાં ચોરી ગયો.
કાગડો અને કાગડી વિચાર કરવા લાગ્યાં:–“હવે આપણે શું કરવું ? ગમે તેમ કરીને આ નાગને હાંકી કાઢવો જોઇએ, નહિ તો એ હંમેશાં આપણાં બચ્ચાં તાણી જશે. એ અહીં હશે ત્યાંસુધી આપણું એક પણ બચ્ચું કદીએ સલામત નહિ રહી શકે. ચાલો આપણે પાસેના ઝાડ આગળ રહેનારા શિયાળની સલાહ લઈએ.” આખરે બન્ને જણા તે શિયાળની પાસે ગયા, અને તેને પોતાની સઘળી હકીકત કહી. તે સાંભળીને શિયાળ બોલ્યો:–“ભાઈ! આમ દીલગીર શું કામ થાઓ છો ? ઘણીવાર જે કામ બળથી થતું નથી, તે કળથી થાય છે. લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરીએ, તોજ ફાવીએ. આ નાગની સાથે પણ એવીજ કળા વાપરીશું, તો એનો નાશ થઇ શકશે.”
કાગડાએ પૂછ્યું:–“ભાઈ ! એ નાગનો કયા ઉપાયવડે નાશ થશે, તે મ્હને કહો.”
શિયાળે કહ્યું:–“આ શહેરમાં એક રાજાની કુંવરી રહે છે. તે રોજ પોતાની વીંટી આંગળીપરથી કાઢી નાંખીને બહાર મુકે છે; અને પછી ન્હાય છે. એ કુંવરી ન્હાવા બેસે, ત્યારે એની વીંટી તું તારી ચાંચમાં ઉપાડી લઈ આવજે અને પેલા નાગના દર આગળ નાંખી દેજે. એટલે ત્હને ચાંચમાં વીંટી સાથે ઉડી જતો જોઈને, રાજાના સિપાઇઓ ત્હારી પાછળ પાછળ આવશે. નાગની પાસેથી તે વીંટી જડી આવશે. અને તરતજ તેઓ એને પૂરો કરી નાંખશે.”
કાગડાએ બરાબર એ પ્રમાણે કર્યું. તેણે પોતાની ચાંચમાં વીંટી ઉપાડી લાવીને નાગના દર આગળ નાંખી દીધી.
રાજાના સિપાઈઓ થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે નાગના દ૨ આગળ તે વીંટી દીઠી. નાગ પણ તે વખતે ફેણ ઉંચી કરીને ત્યાંજ પડી રહ્યો હતો. પછી તો પૂછવુંજ શું? સિપાઇઓએ તરતજ પોતાની તરવારવડે એને ઝભે કરી નાંખ્યો. નાગના કકડે કકડા થઇ ગયા.
સાર:–ગમે તેવું અઘરૂં કામ પણ યુક્તિથી પાર પડે છે. કહેવત છે કે, અકલ બડી કે ભેંસ ? બુદ્ધિબળ આગળ અશક્ય જેવું કાંઈ નથી. આફતમાં હિંમત હારવી નહિ, ખંત અને ટેક હશે, તો ઉપાય ધીમે ધીમે સૂઝી આવશે.