બાલ–પંચતંત્ર/ખરા અને ખાટા મિત્રો
| ← ચિત્રગ્રીવે કબૂતરોને કેવી રીતે જાળમાંથી છોડવ્યાં તે વિષે | બાલ–પંચતંત્ર ખરા અને ખાટા મિત્રો પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
ચાર સાચા મિત્રોની વાત → |
મિત્રની મ્હારે ખાસ જરૂર છે. મહેરબાની કરીને ત્હમે મ્હને ત્હમારી સેવામાં રાખશો.”
હરણે કહ્યું:–“ખુશીથી.”
શિયાળના ગયા પછી હરણનો ખરો મિત્ર જે એક કાગડો હતો તે તેની પાસે આવીને કહેવા લાગ્યો:–“મિત્ર ! આ ત્હેં શું કર્યું ?”
હરણ બોલ્યો:–“કેમ વાહ! મ્હેં એક નવો મિત્ર કર્યો છે. તે શિયાળ છે.”
કાગડાએ કહ્યું:–“એની ત્હેં કાંઈ કસોટી કરી જોઇ?”
હરણે જવાબ દીધો:–“ના, કસોટી તો કરી નથી; એમને એમજ મિત્ર થયો છે.”
કાગડો બોલ્યો:–“આમ અજાણ્યાને એકદમ મિત્ર બનાવવામાં સાર નથી. દોસ્તી કરતા પહેલાં તેના ગુણ દોષની પરીક્ષા કરવી જોઈએ.”
હરણે કહ્યું:–“તું પણ મ્હારો મિત્ર છે. શિયાળ પણ મ્હારો મિત્ર થશે. તેમાં શી હરકત છે?”
તે દિવસથી શિયાળ હંમેશાં હરણની સાથેજ ફરતો, રાતના તેઓ છુટા પડતા. શિયાળ શિકાર કરવા જતો અને હરણ ઘાસ ચરવા જતું. સ્હવારે તેઓ પાછા તેજ જગોએ મળતા.
એક દિવસ શિયાળે તે હરણને કહ્યું:-“ચાલ મિત્ર ! એક જગોએ સરસ ચોખા છે. તે હું ત્હને દેખાડું.”
તે ઉપરથી હરણ તો શિયાળની સાથે ગયું: ચોખાનો સ્વાદ તેની દાઢમાં રહી ગયો. તે દિવસથી હરણે રોજ તે ઠેકાણે જવા માંડ્યું. ભોગજોગે એક દિવસ ખેતરના માલીકે તે હરણને ચોખાના દાણા ખાતું દીઠું. તેથી ત્હેણે હરણને પકડવાને જાળ પાથરી. હરણ તેમાં ફસાઈ ગયું. હરણ પોતાના મન સ્ંગાથે વિચાર કરવા લાગ્યું:–“આ વખતે શિયાળ અહીયાં હોય તો કેવું સારૂં! એ આવીને પોતાના દાંતવતી મ્હારી જાળ કાતરી નાંખે અને મ્હને છુટો કરે.”
એવામાં શિયાળ અચાનક ત્યાં આવી પહોંચ્યું. ત્હેણે પોતાના મિત્રને જાળમાં સપડાએલો દીઠો છતાં કાંઈ કર્યું નહિ.
હરણે કહ્યું:–“ભાઈ ! આમ જોયાં શું કરે છે ? મિત્રએ એક બીજાને આફતમાંથી ઉગારવા જોઇએ. જોની હું આ જાળમાં ઝલાયો છું. તું મ્હારો મિત્ર થઇને મ્હને આ સંકટમાંથી નહિ છોડવે?”
શિયાળ બોલ્યો:–“તું ખરૂં કહે છે. મ્હારે ત્હારી જાળ મ્હારા દાંતવતી કરડી નાંખવી જોઇએ અને ત્હને છુટો કરવો જોઈએ. પણ શું કરૂં? આજે મ્હારે અપવાસનો દિવસ છે, તેથી લાચાર છું.” એમ કહીને તે પાછો હઠી ગયો અને પાછળ ઝાડીમાં સંતાઈ રહ્યો.
હરણના સાચા મિત્ર કાગડાએ ત્હેની બહુ વાટ જોઈ. છતાં તે આવ્યો નહિ ત્યારે તે અધીરો થઈને એને શોધવાને નીકળી પડ્યો. તે ઉડતો ઉડતો હરણ જ્યાં આગળ જાળમાં ફસાઈ પડ્યો હતો, તે જગાએ આવી પહોંચ્યો. હરણને આવી હાલતમાં જોતાંવારને તે બોલી ઉઠ્યો:–“મિત્ર ! કેમ આજે આ હાલ થયા છે ?”
હરણે જવાબ દીધો:–“ત્હારી શીખામણ માની નહિ તેનુ જ એ પરિણામ છે.”
“ક્યાં ગયો પેલો ત્હારો શિયાળમિત્ર?” કાગડાએ પૂછ્યું. હરણે કહ્યું:–“આ રહ્યો પાછળ પેલી ઝાડીમાં. ઉભો ઉભો મ્હારા મરણની રાહ જોયાં કરે છે. પછી એ આવીને મ્હારા માંસની ઉજાણી કરશે.”
કાગડો બોલ્યો:–“માણસે હંમેશાં પોતાના મિત્રની શીખામણ માનવી જોઇએ.” એમ તે બોલતો હતો, એવામાં તે ખેતરનો રખેવાળ ત્યાં આવી પહોંચ્યો.ત્હેના હાથમાં મોટી ડાંગ હતી.
કાગડાએ કહ્યું:–“ઓ મિત્ર! હવે તું એક કામ કર. ત્હારો શ્વાસ રોકી રાખ અને મરી ગયાનો ડોળ કરીને લાંબોછટ થઈને પડી રહે. એ માણસ ત્હારી પાસે આવશે અને ત્હને મરી ગએલો જાણીને, ત્હારી આ જાળ કાઢી લેશે, એટલે તું જાળમાંથી છુટો થઈ જઈશ. પછી હું કાકા કરૂ કે તરતજ ત્હારે ઉભા થઇને જીવ લઈને દોડી જવું. એમ કહીને તે કાગડો પેલા મુડદા જેવા દેખાતા હરણના ઉપર બેઠો અને ત્હેના પર ચાંચ મારતો હોય તેવો દેખાવ કરવા લાગ્યો. તે રખેવાળે આવીને હરણને તપાસ્યું. ત્હેને લાગ્યું કે એ તો મરી ગયું છે. એટલે ત્હેણે એની જાળ કાઢી લીધી. પછી કાગડાએ પોતાની પાંખ ફફડાવી ને કહ્યું:–“કા !કા ! કા !” તે સાંભળીને હરણ ફાળભેર ઉભું થયુ અને ઉભી પૂંછડીએ નાઠું. ખેતરનો રખેવાળે ત્હેના તરફ જોરથી પોતાની ડાંગ ફેંકી. પણ તે છટકી ગઈ. હરણને વાગવાને બદલે તેની પાછળ ઝાડીમાં છુપાઈ રહેલાં શિયાળના લમણામાં વાગી. તે તમ્મર ખાઈને પડ્યો અને મરણ પામ્યો. તે દરમ્યાન હરણ ત્યાંથી સુખરૂપ નાસી ગયું. ત્હેના ખરા મિત્ર કાગડાને લીધે હરણનો જીવ બચ્યો.
સાર:– આપણા માથા પર આફત આવી પડે ત્યારે આપણા ખરા મિત્ર કોણ છે અને ખોટા કોણ છે તેની પરીક્ષા થાય છે.