બાલ–પંચતંત્ર/ખીલો ખેચનાર વાંદરાની વાત
| ← શિયાળ અને નગારૂં | બાલ–પંચતંત્ર ખીલો ખેચનાર વાંદરા પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
ભોળો ગધેડો અને લુચ્ચો શિયાળ → |
ખીલો ખેચનાર વાંદરાની વાત.
અસલના વખતમાં મગધ કરીને એક દેશ હતો. તેમાં સુદત્ત નામનો કઠીયારો રહેતો હતો. તે રોજ જંગલોમાં રખડતો, સારાં સારાં ઝાડ કાપતો અને પછી તેમનાં વ્હેરીને ફાડચાં બનાવતો.
એક દિવસ ત્હેણે એક ઝાડ કાપ્યું અને મધ્યભાગમાંથી તેને વહેરવા માડ્યું, તે ભાગ્યેજ અડધું વ્હેરી રહ્યો હશે, એવામાં સાંજ પડી ગઈ. અંધારૂ ઘોર થઈ જવાથી, ત્હેણે વહેરવાનું કામ બંધ કરી દીધું. પણ તેમ કરતાં પહેલાં વહેરેલા ફાડની ફાટમાં ત્હેણે એક ખીલો ખોસી રાખ્યો. ઝાડ પાછું સપ્પટ થઇ જાય, તો કરેલી મહેનત નકામી જાય. એટલા માટે ખીલાની ફાચર બનાવીને તે ઘેર ગયો. એટલામાં વાંદરાઓનું ટોળું કૂદાકૂદ કરતું તે જગ્યાએ આવી પહોંચ્યું. તેમાંહેથી એક વાંદરાનું બચ્ચું પેલા વહેરેલાં ઝાડની ફાચરપર ચઢી બેઠું અને પોતાની માતાને પૂછવા લાગ્યું:– “મા ! આ ખીલો શું કામ રાખ્યો હશે અહિંં?”
માતાએ જવાબ દીધો:–“મ્હને ખબર નથી. પણ બેટા ! જવાદે એ માથાફોડ. એ આપણો ધંધો નથી. કઠીયારો આવે, ત્યારે નીરાંતે જોજે કે એ ખીલાનું શું કરે છે. સમજુ વાંદરા એવા અજાણ્યા કામમાં માથું મારે નહિ.”
તેમ છતાં બચ્ચાંએ માતાની શિખામણ ગણકારી નહિ. એ તો ખાસી રીતે ખીલા સંગાથે ખેલવા લાગ્યું. ખીલાને જેવો તેણે ખેંચી કાઢ્યો કે તરતજ ઝાડ બંધ થઈ ગયું, અને તેની સાથે પેલું વાંદરાનું બચ્ચું ચગદાઈને મરણ પામ્યું.
જે માણસ પારકા કામમાં માથું મારે છે, તે પેલાં વાંદરાનાં બચ્ચાંની પેઠે નાશ પામે છે.
શિયાળ પોતાના ભાઈને કહેવા લાગ્યો: વાંદરાનાં જેવી મૂર્ખાઇ હું નહિ કરૂં. મ્હારું પોતાનું રક્ષણ કેમ કરવું તે મને આવડે છે. પિંગલકને હાથેજ હું સંજીવકનો નાશ કરાવીશ.
પિંગલકે પોતાના મિત્ર સંજીવકને શી રીતે મારી નાંખ્યો તે વિષે:–
લાગ જોઇને શિયાળ પિંગલકની પાસે જઇ પહોંચ્યો. તે વખતે સંજીવક ત્યાં નહતો. પિંગલકને એકલો જોતાં વારને શિયાળ ખુશ ખુશ થઈ ગયો. ઝટ કરતો કે તે લાંબો છટ થઈને એને પગે લાગ્યો. પછી ઉભા થઈ બેઉ હાથ જોડીને નમ્રતાથી કહેવા લાગ્યો:– હે રાજા! આજ તમારા ઉપર મોટી આફત આવવાની છે. તેની ખબર મળતાં વારને આપને ચેતવવા સારૂ આવ્યો છું. આજ્ઞા હોય,તો કહું”
“બેલાશક કહે,” સિંહે જવાબ દીધો.
લુચ્ચા શિયાળે ખુલાસો કર્યો:–“આપનો મિત્ર સંજીવક આપની પાસેથી રાજ્ય છીનવી લેવા માંગે છે. આપને કદાચ મ્હારી આ વાત ખરી નહિ લાગે, અને મને સજા પણ કરી બેસશો, એવો ડર રહે છે.”
પિંગલક કાંઇ પણ બોલ્યો નહિ. આ વાત સાંભળીને એને ઉંડા વિચારમાં પડી ગએલો જોઈને, શિયાળે ભાષણ ચલાવ્યું:–
“સંજીવકને આપે આપનો મુખ્ય મન્ત્રી બનાવ્યો છે. રાજાનો વિશ્વાસુ પ્રધાન બન્યા પછી, માણસ મદોન્મત્ત બની જાય છે. તેને એમ લાગે છે કે હું રાજાના જેવોજ અધિકાર ભોગવું. એમ કરતાં તેને રાજ્ય કરવાનું મન થાય છે. એ કારણથી તે રાજાનું ખૂન કરવા તૈયાર થાય છે. ખરેખર, આપ નામદારની ભારે ખરાબી થશે. માટે હજી પણ ચેતો. પૈસો દેખી મુનિવર ચળે છે. પૈસાના લોભથી પીગળે નહિ એવા મિત્ર મળી આવવા મુશ્કેલ છે, આપ બધું સમજો છો.” ખામોશ રાખીને પિંગલકે તેની બધી વાત સાંભળ્યા કીધી. ત્યારબાદ જરાક હસીને તે બોલી ઉઠ્યો:–સંજીવક ગમે તેવો પણ મ્હારો જીવજાન દોસ્ત છે. અમારી દોસ્તી કદી તૂટવાની નથી. મિત્રના હાથે કાંઇ ભૂલ થાય, તો તે આપણે દરગુજર કરવી જોઇએ.”
શિયાળ બોલ્યો:–“આપને માણસની પરીક્ષા નથી. તેથીજ આમ કહો છો.”
સિંહે જવાબ દીધો:–“પણ આ વાત મ્હને ખરી લાગતી નથી.”
શિયાળે સમજણ પાડતાં કહ્યું:–“માણસનો સ્વભાવ કદી બદલાય છે ? બદમાશ તે બદમાશજ રહેવાનો. સ્વભાવનું ઓસડ નથી. કૂતરાની પૂંછડીને કોણ સીધી કરી શકે તેમ છે ? ભલા માણસો વગર કહ્યે બીજાનું ભલુંજ કરે છે, મ્હેં તો મ્હારી ફરજ બજાવી છે. હવે આપ નામદારને કાંઇ ઇજા થાય, તો તેમાં મ્હારો કસૂર ગણાશે નહિ.” એટલું કહીને તે મુંગો રહ્યો.
“સંજીવક મ્હારી સામે થઇને મ્હને શી ઈજા કરી શકવાનો હતો ?” પિંગલકે પૂછ્યું.
શિયાળે ખુલાસો કર્યો:–“ગમે તેમ પણ એ રહ્યો અજાણ્યો. પરાયો માણસ શું કરશે, અને શું નહિ કરે તેની શી ખાતરી ?”
તે સાંભળીને પિંગલકે શંકા કાઢતાં જણાવ્યું કે:– “સંજીવકને સારૂ મ્હારા મનમાં ખોટો ખ્યાલ કેમજ આવી શકે ? એ મ્હારો નાશ કરવા ઈચ્છે છે, એ હું એકદમ શી રીતે માની શકું ? કાંઇ સાબીતી તો જોઇએને ?”
શિયાળ બોલ્યો:–“વળી સાબીતી બીજી શી જોઇએ છે ? આજેજ સ્હવારે એણે તમને મારી નાંખવાનો મારી આગળ નિશ્ચય કર્યો છે. ખાતરી કરવી હોય, તો જોઈ લેજો એના મ્હોંઢાનો દેખાવ ! તમારી પાસે આવે ત્યારે કરી લેજો એ વાતની ખાતરી, કેવા લાલચોળ ડોળા કરીને એ તમારી સામે ઘૂરકે છે તે! એજ એના નિશ્ચયની સાબીતી.” એમ કહીને શિયાળ ત્યાં આગળથી ચાલ્યો ગયો, અને થોડીવારમાં સંજીવકની પાસે આવીને ઉભો રહ્યો, સંજીવકે તેને જોતાંવારને પૂછ્યું:– કેમ, મિત્ર ! કુશળ તો છો ને? દુનિયા કેમ ચાલે છે ?”
શિયાળ બોલ્યો:—“હું રહ્યો નોકર માણસ; ‘ચાકરી સબસે આકરી;’ કોઈવાર મજા કરીએ અને કોઇવાર સજા પણ ભોગવવી પડે; કોઇવાર લ્હેર ઉઠાવીએ તો કોઈવાર લાત પણ ખાવી પડે. માલીક રીઝે, તો રાચીએ અને ખીજે તો ખત્તા ખાવી પડે, અને ખેદ પામીએ. આ સ્થિતિ છે અમારી, ગરીબનો કોણ બેલી , ભાઈ?’ સંજીવક બોલ્યો-“આમ કેમ બોલે છે, ભાઈ ?”
“સાંભળ, ભાઈ સંજીવક !” શિયાળે હ્યું, “હું તને બધી વાત કહીશ, પિંગલક આપણા રાજા છે. આપણા બધાપર એનો અમલ ચાલે છે. માલીકની છુપી વાત ઉઘાડી પાડવી ના જોઈએ. પરંતુ તને રાજાની પાસે લઇ જનારો હું છું. તને કાંઈપણ નુકસાન થાય, તેને માટે હુંજ જવાબદાર ગણાઉં. તેથીજ તારા માથા ઉપર કાંઇ આફત આવી પડતી હોય તો તેની ખબર આપવાની મારી ફરજ છે. પિંગલકને એ વાતની જાણ થાય તો એ મ્હારો જીવ લીધા વગર રહે નહિ. પણ હું તો તને એના ગુસ્સારૂપી આગમાંથી ઉગારવા માગું છું.
“પિંગલકને મ્હારા ઉપર ગુસ્સે થવાનું કાંઇ કારણ ?” સંજીવકે સવાલ પૂછ્યો.
શિયાળ જવાબ દીધો:–“એ તને મારી નાંખીને તારા માંસની બધાં પ્રાણીઓને ઉજાણી કરાવવાનો છે.”
એ સાંભળીને સંજીવકના તો હોંસકોંસજ ઉડી ગયા, એને મૂર્ચ્છા આવી ગઇ. મૂર્છા વળી રહ્યા બાદ, તે બોલી ઉઠ્યો:—
“આંધળા આગળ આરસી શા કામની? તેથી શું તે દેખી શકશે? બ્હેરા આગળ શંખ ફુંકવાથી, શું તે સાંભળી શકશે? વાત શી કરો છો. પિંગલક મ્હારો જીવ લેશે ! ખરેખર, એને આંખ અને કાન બન્નેનાં વાંધા જણાય છે. એ બ્હેરો તથા મુંગો બની ગયો હોવો જોઇએ. હું એનો મિત્ર થાંઉછું અને તેની એને ખબર નથી !!”
ત્યારે શિયાળે કહ્યું:–“પિંગલકના મ્હોડામાં શાકર છે, પણ એનું હૃદય ઝેરીલું છે. સમાલજે, સંજીવક ! સાવધ રહેજે, નહિ તો માર્યો જઈશ.”
સંજીવકે ઉંડો નિસાસો મૂકયો. પછી તે બોલ્યો:–“હું મરવાને રાજીછું; મોતને હસતે ચહેરે ભેટીશ.”
“પિંગલકની તને બ્હીક લાગે છે ?” શિયાળે પૂછ્યું.
“ના, હું પિંગલકથી ડરતો નથી,” સંજીવકે જવાબ દીધો;
“પણ પિંગલક તો મ્હારો શત્રુ છે, એમ મ્હારાથી મનાય કેમ ? એને મ્હારો જીવ લેવો છે! હા, પણ કાંઈ કારણ ? કોઈ મતલબ ?”
લુચ્ચા શિયાળે કહ્યું:–“એ જ્યારે ટટાર ઉભો રહીને પૂંછડી હલાવે, ત્યારે જાણવુ કે એ ગુસ્સામાં છે. તું ઘેર જાય ત્યારે તને જોતાં વારને એ પ્રમાણે કરે, તો ત્હારે ચેતી જવું કે એ હવે મ્હારો જીવ લેશે. ત્હને મરવું ગમે છે, સંજીવક ?”
સંજીવક બોલ્યો:–“ના, હું ઘણો સુખી છું; મ્હારે મરવું નથી.”
શિયાળ બોલ્યો:–ત્હારે જીવ બચાવવો હોય, તો એકદમ તૂટી પડવું એના ઉપર. સિંહ જો પૂંછડી હલાવે, તો ત્હારે ત્હારાં શીંગડાં નમાવીને એના તરફ ધસી જવું.”
“હું નથી ધારતો કે એ મ્હને ઇજા કરે” સંજીવકે કહ્યું.
“ચાલ જઈને ખાતરી કરૂં એકવાર” એમ કહીને તે શિયાળ પાસેથી એકદમ સિંહની ગુફા તરફ જવાને નીકળી પડ્યો.
સંજીવકને ગુફા આગળ આવેલો જોઇને પિંગલક ગભરાઈ ગયો; કેમકે શિયાળે એના મનમાં ઝેર રેડ્યું હતું. સંજીવકની વિરૂદ્ધ એના કાન ભંભેર્યા હતા. સિંહ વિચાર કરવા લાગ્યેા:–“હું નથી ધારતો કે એ મ્હને ઇજા કરે; છતાં હું સાવધ રહીશ” એમ ધારીને તે ટટાર થયો અને પૂંછડી હલાવવા લાગ્યો.
સંજીવકે એ દીઠું અને નિસાસો નાંખ્યો:–“અરેરે! શિયાળના શબ્દો સાચા ઠર્યા આખરે ! સિંહ જે એક વખત મ્હારો મિત્ર હતો, તે મ્હારો દુશ્મન બન્યો છે હવે. એને મ્હારો જીવ લેવો છે !” તેણે શીંગડાં નમાવ્યાં અને એકદમ ધસારો કર્યો સિંહના તરફ બહાદુરીથી લડતાં લડતાં તે મરણ પામ્યો.
આમ બન્ને જીગરજાન દોસ્તો લડી પડ્યા અને તેમાંનો એક માર્યો ગયો. કાચા કાનનુંજ એ બધું પરિણામ સમજવું. તેમણે ખોટી સલાહ આપનારની વાત ખરી માની.
સાર:–ડાહ્યા માણસોએ લુચ્ચાઓની વાત લક્ષમાં લેવી નહિ. સમજુ માણસો વિવેકી હોય છે. તે લડાવી મારનારા લુચ્ચા માણસોની ખોટી સલાહથી ઉશ્કેરાઈ જતા નથી, તેમજ અવળે રસ્તે દોરવાતા નથી.