લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/ચાર સાચા મિત્રોની વાત

વિકિસ્રોતમાંથી
← ખરા અને ખાટા મિત્રો બાલ–પંચતંત્ર
ચાર સાચા મિત્રોની વાત
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત


૧૫. ચાર સાચા મિત્રોની વાત.

ખરેખરા મિત્રો હોય તે એક બીજાને મદદ કરે.

૧.

એક દિવસ એક કાગડો ઉંદરોના રાજાની પાસે જઈને કહેવા લાગ્યો:—

“ઓ હિરણ્યક! તું ભાગ્યશાળી પ્રાણી છે. મ્હારે ત્હારા મિત્ર થવું છે.”

“તું કોણ છે ?” હિરણ્યકે પૂછ્યું.

ત્હેણે જવાબ દીધો:–‘હું લઘુપતનક નામનો કાગડો છું.”

ઉંદર રાજાએ કહ્યું:- “ત્હારી જાત જુદી છે. આપણા બન્નેનો મેળ કેમ કરીને મળશે? કાગડા ઉંદરોને ખાઈ જાય છે. ત્હારી સાથે દાસ્તી કરવાથી તો મ્હને નુકશાન થયા વિના રહે નહિ.”

કાગડો બોલ્યો:–“ના ના, એવો કાંઈ નિયમ નથી, હું ત્હારો સાચો મિત્ર થઈ શકીશ. સોનું અને રૂપું એ બન્ને જુદાં છે, છતાં તેમને ગાળી જોશો, તો તેમનો મેળ મળશે.”

હિરણ્યક બોલ્યો:– ‘સારી વાત છે. ત્હારા શબ્દોથી હું ખુશ થયો છું. ત્હારી મરજી છે, તો હું ત્હારો મિત્ર થઈશ. ખરો મિત્ર હોય તે એક બીજાની આગળ પોતાનું અંતઃકરણ ખોલીને વાત કરે છે. પોતાની કોઈ વાત છુપાવતા નથી. આપણે પણ એ પ્રમાણે ખરા દીલથી નિખાલસપણે વર્તીશું તો આપણી દોસ્તી સાચી નીવડશે.”

ત્યારપછી તે ઉંદર એની રજા લઇને પોતાના દરમાં જતો રહ્યો. તે કાગડો પણ ઉડીને પોતાના ઝાડ તરફ પાછો ફર્યો. તે દિવસથી એ બન્ને જણા જીવજાન દોસ્ત થયા.

એક દિવસ તે કાગડાએ પેલા ઊંદર રાજાને કહ્યું:–“ચાલો આપણે મન્થરકને ત્યાં જઈએ. તે મ્હારો મિત્ર છે. તે જાતે કાચબો છે અને એક તળાવમાં રહે છે. તે મને પુષ્કળ માછલી આપશે.” તેપરથી એ બન્ને જણા મન્થરકની પાસે ગયા.

કાગડાએ તે કાચબાને ઉંદર રાજ્યનું ઓળખાણ કરાવતાં કહ્યું:–“આ મ્હારો મિત્ર હિરણ્યક છે. એ ઘણો ભલો અને દયાળુ છે. એણે પારધીની જાળમાંથી કબૂતરોને છોડાવ્યાં હતાં. ત્યારથી મ્હેં એની સાથે દોસ્તી બાંધી છે.”

મન્થરક કાચબો બોલ્યો:–“હું તમને જોઈને ખુશ થયો છું. ભલા માણસોને બધા ચ્હાય છે. આનંદી અને ખુશમિજાજી હંમેશાં સુખી થાય છે. ટેકીલા અને પ્રમાણિક માણસો પણ સુખી થાય છે. માટે આપણે ત્રણે જણા સાથે રહીએ અને આનંદ કરીએ, એવી મ્હારી ઇચ્છા છે.”

લઘુપતનક કાગડાએ કહ્યું:–“ઓ મન્થરક ! તું ખરૂં કહે છે.” એમ કહીને તે પાસેના ઝાડ ઉપર ઉડી ગયો. ત્યાં જઇને ત્હેણે ચોગરદમ તપાસ કીધી. ત્હેને ભય જેવું લાગ્યું એટલે તે બોલી ઉઠ્યો:–“સમાલજો ! સમાલજો !” તે સાંભળીને મન્થરક ઝટ લઈને પાણીમાં પેસી ગયો. હિરણ્યક પોતાના દરમાં ભરાઈ ગયો, લઘુપતનક ઝાડ ઉપરજ બેસી રહ્યો.

તેવામાં એક હરણ જંગલમાંથી ત્યાં આગળ આવી પહોંચ્યું.

તેનું નામ ચિત્રાંગ હતું. તે કાચબો તથા ઉંદર એ હરણને જોઇને પોતે સંતાઈ રહ્યા હતા ત્યાંથી બહાર આવ્યા.

તે હરણે કહ્યું:–“મ્હને શિકારીનો ભય લાગવાથી હું આ જગ્યાએ આવતો રહ્યો છું. તમારી રજા હોય તો અહિં રહું.” પેલા બન્ને મિત્રોએ કહ્યું કે, “ખુશીથી રહેજો.” ત્યારથી ચિત્રાંગ એ બન્નેની સાથેજ રહેવા લાગ્યો.

એક દિવસ ચિત્રાંગ ઘાસ ચરવાને બહાર ગયો હતો. સાંજ પડી છતાં તે ઘેર આવ્યો નહિ, ત્યારે ત્હેના મિત્રોને એની ફીકર થઇ. બીજે દિવસે સ્હવારના લઘુપતનક એની શોધમાં નીકળી પડ્યો. આખરે તેણે ચિત્રાંગને જાળમાં પકડાએલો દીઠો. એટલે તે કાગડો તરતજ હિરણ્યકની પાસે ઉડી જઈને કહેવા લાગ્યો:“ચાલ ચાલ ! આપણો મિત્ર જાળમાં ફસાઈ ગયો છે.”

હિરણ્યકે તે હરણની પાસે જઈને કહ્યું:–“ઓ ચિત્રાંગ આમ કેમ થયું? તું આવો ખબરદાર થઈને જાળમાં શી રીતે સપડાઈ ગયો?”

ચિત્રાંગે જવાબ દીધો:–“ડાહ્યામાં ડાહ્યા માણસો પણ કોઈવાર ભૂલ કરે છે. હવે મહેરબાની કરીને મ્હને જલદી છુટો કર.”

તેજ વખતે મન્થરક પણ તે જગ્યાએ આવી પહોંચ્યો. ત્હેણે હિરણ્યકને કહ્યું:–“મિત્ર! હવે ઉતાવળ કર. આ વાત કરવાનો વખત નથી. શિકારી આવી પહોંચશે તો આપણું કાંઇ ચાલશે નહિ. અને ચિત્રાંગને તે લઇ ગયા વગર રહેશે નહિ.”

તે આ પ્રમાણે કહેતો હતો તે દરમ્યાન લઘુપતનકે શિકારીને આઘેથી આવતો દીઠો, તે બોલી ઉઠ્યો:–“અફસોસ! અફસોસ ! શીકારી તો આવી પહોંચ્યો. હવે આપણે શું કરીશું ?”

હિરણ્યકે જલદીથી પોતાના તીણા દાંતવતી ચિત્રાંગની જાળ કાપી નાંખી. શિકારીના આવતા પહેલાં ચિત્રાંગ છૂટો થઇ ગયા. પછી ચારે મિત્રો ત્યાંથી દોડી ગયા. પણ મન્થરથી જલદી દોડાતું નહિ. શિકારી જોતજોતામાં ત્યાં આવી પહાંચ્યો. ત્હેણે જાળ કપાએલી દીઠી. તે બોલ્યો:–“અરે ! હરણ તો નાસી છટક્યું” એવામાં પેલો મન્થરક કાચબો એના જોવામાં આવ્યો. એટલે ત્હેણે કહ્યું કે “ચાલો, ના મામા કરતાં કાણો મામો પણ કામનો. હરણ તો ગયું પણ પણ આને શું કામ ગુમાવવો?” એમ કહીને તેણે મન્થરકને ઉપાડી લીધો.

ચિત્રાંગ, લઘુપતનક અને હિરણ્યક તે જોઇને વિલાપ કરવા લાગ્યા.

હિરણ્યક બોલ્યો:–“આપણે એક આફતમાંથી છૂટીએ છીએએટલે બીજી માથા ઉપર ખડીજ રહે છે. દોસ્તીમાં સુખ અને દુઃખ બન્નેના અનુભવ થાય છે.”

ચિત્રાંગ બોલ્યો:–“પણ અત્યારે વાતમાં વખત ગુમાવવા જેવું નથી. આપણે જો શિકારીની પાછળ પડીશું, તો આપણા મિત્ર મન્થરકનો પત્તો લાગી શકશે. આપણે કાંઈ ઈલાજ શેાધવો જોઇએ ખરો.”

ત્રણે મિત્રો શિકારીની પાછળ પડ્યા, હિરણ્યકે કહ્યું:– “ચિત્રાંગને તળાવ પાસે માકલો. શિકારી તળાવ આગળ થઇને જશે અને જેવો તે ચિત્રાંગને જોશે કે તરતજ મન્થરકને પડતો મૂકીને તેની પાસે જશે, ચિત્રાંગે તળાવની પાસે પડી રહેવું અને મરી ગયાનો ડોળ કરવો. પછી લઘુપતનકે ઉડીને એનાપર બેસવું અને એની આંખમાં ચાંચ મારતો હોય તેમ કરવું. શિકારી ચિત્રાંગની પાસે જાય, ત્યારે હું મન્થરકના બંધ કાપી નાંખીશ. એટલે એ તરતજ પેસી જશે, ચિત્રાંગની પાસે શિકારી આવે તે પહેલાં એણે જીવ લઈને નાસી જવું.”

ચિત્રાંગ બોલ્યો:–“હું હમણાંજ જાઉં છું. મન્થરકે મ્હને છોડાવો હતો. તો હવે મ્હારે અને છોડાવવો જોઇએ. મિત્રો જો એકબીજાને મદદ કરતા રહે, તો આ દુનિયામાં કોઇ પ્રકારનું દુઃખ રહે નહિ.” એમ કહીને તે ઝટ શિકારીની આગળ દોડી ગયો. તળાવ આવ્યું ત્યારે મરી ગયાનો દેખાવ કરીને ત્યાં આગળ પડી રહ્યો.

એ યુક્તિ ફતેહમંદ નીવડી, શિકારીએ ચિત્રાંગને જોતાવારને મન્થરકને જમીનપર મુકી દીધો, પછી હિરણ્યકે તેના બંધ કાપી નાખ્યા એટલે કાચબો તળાવમાં પેસી ગયો. લઘુપતનકે ચિત્રાંગની આંખમાં ચાંચ મારતો હોય તેવો દેખાવ કર્યો. શિકારી જેવો પાસે આવ્યો, કે તેવો તરતજ તે ઉડી ગયો અને ચિત્રાંગ જીવ લઈને નાઠો, હિરણ્યક પાસેના દરમાં ભરાઈ ગયો. આ પ્રમાણે બધા મિત્રો બચી ગયા.

ચારે મિત્રો ફરી પાછા મળ્યા, ત્યારે તે કહેવા લાગ્યા:– “મિત્રતાથી શો લાલ થાય છે, તે હવે આપણે જાણ્યું, બરાબર અનુભવ્યું. આપણે જીવીશું ત્યાંસુધી સાચા મિત્ર રહીશું અને એકબીજાને સહાય કરીશું.” એ ચારે મિત્રોને મિત્રતાની કદર હતી, તેથીજ તેઓ સાચા મિત્ર નીવડી શક્યા.