લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/ચિત્રગ્રીવરાજાની વાત

વિકિસ્રોતમાંથી
← મિત્રનો લાભ કેમ થાય તે વિષે બાલ–પંચતંત્ર
ચિત્રગ્રીવરાજાની વાત
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
ચિત્રગ્રીવે કબૂતરોને કેવી રીતે જાળમાંથી છોડવ્યાં તે વિષે →


૧૨. ચિત્રગ્રીવ રાજાની વાત.

દક્ષિણ દેશમાં ગોદાવરી નદીની પાસે એક વડનું ઝાડ હતું. તેના ઉપર એક લઘુપતનક નામનો કાગડો રહેતો હતો. એક દિવસ એક પારધી તે કાગડાની નજરે પડ્યો. તે યમના દૂત જેવો ભયંકર જણાતો હતો.

લઘુપતનકને બહુ બ્હીક લાગી. તે વિચાર કરવા લાગ્યો:“હવે આ દુષ્ટ કોણ જાણે શું કરશે ? લાવ એકવાર તપાસ કરૂં.” તે દિવસે લઘુપતનક ઝાડમાંજ ભરાઇ રહ્યો. ખોરાકની શોધમાં બહાર નીકળ્યો નહિ. પારધીએ થોડીવારમાં જાળ પાથરી. જાળની નીચે ત્હેણે થોડાક ચોખાના દાણા પણ વેર્યા. પછી તે ઝાડીમાં સંતાઇ ગયો.

તે વખતે કબૂતરોનો રાજા, ચિત્રગ્રીત્ર, આકાશમાં મુસાફરી કરતો હતો. તેની સાથે બીજાં કબૂતરો પણ હતાં. તેઓ બધાં પારધીએ પાથરેલી જાળની પાસેના એક ઝાડ ઉપર બેઠાં. ચિત્રગ્રીવે જમીન ઉપરના ચોખાના દાણા દીઠા. તે કહેવા લાગ્યો:-“આ દાણા અંહિ ક્યાંથી આવ્યા? નજીકમાં કોઇ માણસ હોવો જોઇએ. માટે એ દાણા ખાવામાં સાર નથી.”

તે સાંભળીને એક જુવાન મગરૂર કબૂતરે કહ્યું:–“આપણે ભય અને સંશયથી હમેશાંજ પાછા હઠીશું તો આપણને કાંઈ પણ ખોરાક નહિ મળે. આપણે નહિ ખાઈશું તો એ દાણા બીજાં પક્ષી ખાઇ જશે. તેથી મ્હારી સલાહ તો એવી છે કે આપણે જરૂર એ જગાએ જવું અને હાથમાં આવેલો ખોરાક ગુમાવવો નહિ.”

બીજાં કબૂતરોને પણ એ વાત ઠીક લાગી. તેઓ બધાંજ ખાવાની લાલચે તે જગ્યાએ ગયાં. જાળ પાસે જતાંવારને તેમાં સપડાઈ ગયાં.

ચિત્રગ્રીવે તેમને ઉડીને તે જગાએ જતાં દીઠાં. તે વિચાર કરવા લાગ્યો:–“કોઈએ મ્હારી વાત લક્ષમાં લીધી નહિ; અને આખરે બધાંજ સપડાઇ ગયાં. લાવ, હું જઈને એમને મદદ કરૂં.” એ વિચારથી એ પણ તે જગ્યાએ ઉડીને ગયો અને જાળમાં ફસાઈ ગયો.

પારધીએ પક્ષીને જાળમાં સપડાએલાં દીઠાં. તેથી તે પાસે આવી પહોંચ્યો. ત્યારે કબૂતરો બોલ્યાં:–“આપણે આ મગરૂર મૂર્ખા કબૂતરની વાત માનીને આખરે જાળમાં ફસાયાં.”

ચિત્રગ્રીવ બોલ્યો:–“હવે પસ્તાવો શા કામનો ? જે થવાનું હતું તે થઇ ગયું. હવે તો એમાંથી છુટવાનો ઉપાય શોધી કાઢવો જોઈએ.”

બીજાં કબૂતરોએ કહ્યું:–“તમે કહો તેમ કરીએ. અમને તો કાંઈ સૂઝતું નથી.”

ચિત્રગ્રીવ બોલ્યો:–“હું ઇશારત કરૂં એટલે આપણે બધાએ એકદમ ઉડવા માંડવું. આપણે જાળ સાથે ઉડી જઇશું.”

બધાં પક્ષીઓ તેમ કરવાને કબૂલ થયાં. ચિત્રગ્રીવે જેવી ઈશારત કીધી કે તરતજ તેઓ બધાં જાળ લઈને ઉડી ગયાં. પારધીએ તેમને ઉડી જતાં દીઠાં. આ બનાવ જોઈને એ તો વ્હીલોજ પડી ગયો હતો. એણે તેમને પકડવાની કોશીશ કીધી; પણ જોત જોતામાં તે કબૂતરો અદૃશ્ય ગઈ ગયાં

ચિત્રચીવ કબૂતરોનો એકલો રાજાજ ન હતો, પણ એ તેમનો સાચો મિત્ર હતો.

સાર:–સાચો મિત્ર પોતાના મિત્રને આફતમાં મદદ કરે છે. કહેવત છે કે “માથું આપે તે મિત્ર.” સંકટ વખતે જે સહાય થાય તેજ ખરો મિત્ર છે.