લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/ચિત્રગ્રીવે કબૂતરોને કેવી રીતે જાળમાંથી છોડવ્યાં તે વિષે

વિકિસ્રોતમાંથી
← ચિત્રગ્રીવરાજાની વાત બાલ–પંચતંત્ર
ચિત્રગ્રીવે કબૂતરોને કેવી રીતે જાળમાંથી છોડવ્યાં તે વિષે
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
ખરા અને ખાટા મિત્રો →


૧૩. ચિત્રગ્રીવે કબૂતરોને કેવી રીતે જાળમાંથી છોડવ્યાં તે વિષે.

ઉડતાં ઉડતાં ચિત્રગ્રીવે પોતાના કબૂતરોને કહ્યું:–“મ્હારો એક મિત્ર છે તે આપણા બંધ છોડવશે. આપણી જાળ કરડી નાંખીને તે આપણને છુટા કરશે. તેનુ નામ હિરણ્યક છે અને તે ઉંદરોનો રાજા છે. તે ગંડક નદીને કિનારે રહે છે. ચાલો આપણે તેની પાસે જઇએ.”

તે ઉપરથી બધાં કબૂતર તે હિરણ્યકની પાસે જઈ પહોંચ્યાં. આઘેથી કબૂતરોની પાંખોનો ફફડાટ સાંભળીને હિરણ્યકને એવીતો બ્હીક લાગી કે તે પોતાના દરમાં ભરાઈ ગયો.

ત્યારે ચિત્રગ્રીવે ત્હેને કહ્યું:–“મિત્ર ! બ્હીશ નહિ, એ તો હું ચિત્રગ્રીવ છું.” હિરણ્યકે ત્હેનો અવાજ ઓળખ્યો, અને તે એકદમ બહાર આવ્યો.

ચિત્રગ્રીવ બોલ્યો:–“એક પારધીએ અમને આ જાળમાં પકડ્યાં હતાં. ભાઈ હિરણ્યક ! ત્હારા દાંત તીણા છે. તું મ્હારો જુનો મિત્ર છે. તો મહેરબાની કરીને આ મ્હારા મિત્રોના બંધ કરડી નાંખ અને તેમને છુટા કર.”

હિરણ્યક બોલ્યો:–“પહેલાં હું ત્હમારા પાશ કરડી નાંખીશ.”

ચિત્રગ્રીવે કહ્યું:–“ના એમ નહિં. રાજાએ પહેલાં પોતાની રૈયતનો વિચાર કરવાનો, પછી પોતાની વાત. આ મ્હારા મિત્રોને પહેલાં છોડવ.” એથી એના મિત્ર હિરણ્યકે બધા કબૂતરોના બંધ પહેલાં કાતરી નાંખ્યા. ચિત્રગ્રીવને એના કહેવા પ્રમાણે સહુથી છેલ્લો છુટો કર્યો.

ત્યાર પછી બન્ને રાજા મિત્રો એકબીજાને ભેટ્યા અને નમન કરીને છુટા પડ્યા.

સાર:–રાજાએ પહેલાં પોતાની રૈયતના સુખનો વિચાર કરવો જોઈએ.