બાલ–પંચતંત્ર/ટીટોડો અને મહાસાગર
| ← સિંહ અને સસલું | બાલ–પંચતંત્ર ટીટોડો અને મહાસાગર પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
ત્રણ માછલીની વાત → |
મગરૂર બનવામાં સાર નથી. શેરને માથે સવાશેર હંમેશાં હોયછેજ. સામા માણસની સત્તાનો ખ્યાલ પહેલો કરવો જોઇએ. બળીયા સાથે બાથ ભીડવી એ બેવકૂફ માણસનું લક્ષણ છે. રાજા કેન્યુટે સમુદ્રની સત્તા સ્વીકારી ન્હોતી. સમુદ્રનાં મોજાં આવતાં રહેતાં હતાં, તે વખતે સમુદ્ર કિનારે એ પોતાની ખુરશી નંખાવીને બેસી રહ્યો હતો. આખરે હેરાન થઈને એને તે જગ્યાએથી ઉઠી જવું પડ્યું હતું. એવીજ સ્થિતિ એક ટીટોડા અને ટીટોડીની થઈ હતી. તેઓ દરિઆ કિનારે રહેતાં હતાં.
ટીટોડીએ પોતાના ધણીને પૂછ્યું:–“આપણે આપણો માળો કોઈ જગ્યાએ બાંધીશું?”
ટીટોડો બોલ્યો:–“ક્યાં તે વળી અહીંજ દરિયા કિનારા પર.”
ટીટોડી બોલી:–“આ તો દરીયાની બહુ પાસે છે. દરિયાનાં મોજાંથી આપણો માળો ઘસડાઇ જશે.”
ટીટોડાએ કહ્યું:–“દરિઆના શા ભાર કે આપણો માળો ઘસડી જાય ? આપણે ખુબીથી માળો બાંધીશું દરિઆની મગદૂર નથી કે તેમાં પ્રવેશ કરી શકે.”
એથી ટીટોડાએ મમત કરીને દરિયા પાસેની ઝાડીમાં પોતાનો માળો બાંધ્યો. થોડીવારમાં તોફાની પવન ફુંકાવા લાગ્યો. દરિયાનાં મોજાં ખુબ જોસથી ઉછળવા લાગ્યાં. આખરે જોસબંધ છાલકો આવવાથી, તેમનો માળો પાણીમાં ઘસડાઇ ગયો.
ટીટોડી બોલી ઉંડી:–“લેતા જાઓ ! જોયું ? બળીયાના બળનો ખ્યાલ નહિ કરવાનું પરિણામ ?”
સાર:–“હિત કહ્યું સૂણે ન કાંઇ તે બધિર સરખો જાણવો,
સારૂં માઠું ન સમજતાને પશુ સમજી કાઢવો.”