લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/ત્રણ માછલીની વાત

વિકિસ્રોતમાંથી
← ટીટોડો અને મહાસાગર બાલ–પંચતંત્ર
ત્રણ માછલીની વાત
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
વાંદરાઓ અને દોઢડાહ્યું પક્ષી →


૯. ત્રણ માછલીની વાત.

કોઇ એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી. દેખાવમાં તે એકસરખીજ દીસતી હતી. પણ ત્રણેના રસ્તા ન્યારા હતા. સ્વભાવમાં તેઓ એકબીજાથી બહુ જુદી પડતી હતી.

પહેલી માછલી ઘણી ઉદ્યોગી હતી. તે આખા તળાવમાં બધે ફરી વળતી. તળાવમાં કયે ઠેકાણે શું આવ્યું છે તેની એ ઉદ્યોગી માછલીને ખબર રહેતી, તે ઘણીજ ચાલાક અને લાંબી પહોંચવાળી માછલી હતી. તે હંમેશાં પાણી પહેલાં પાળ બાંધતી. ફ્કત વિચાર કરીને બેસી રહેતી નહિ. પણ ઝટ તેને અમલમાં મૂકતી.

બીજી માછલી પણ કાંઇ સુસ્ત નહોતી. તે નિત્ય પાણીમાં તરતી અને મજા કરતી. પણ તે પેલી ઉદ્યોગી માછલીના જેવી લાંબી પહોંચવાળી નહતી. ભવિષ્યનો વિચાર અગાઉથી કરતી નહિ. થશે ત્યારે જોઈ લેવાશે; પડશે ત્યારે દેવાશે એમ સમજીને જેવો વખત તે પ્રમાણે વર્તતી. નંબર ત્રીજાની માછલી એ બન્નેથી તદ્દન જુદાજ સ્વભાવવાળી હતી. તે ઘણીજ જડબુદ્ધિની, આળસુ તથા ઢૈયલ હતી. જ્યાં પડી હોય ત્યાંજ પડી રહેતી. તેને કાંઇપણ કામ કરવું ગમતું નહિં. ખરેખરી ભૂખી થાય, ત્યારેજ તે મ્હોં આગળ જે કાંઇ પડ્યું હોય તે ખાઇ લેતી. તે આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસે તેવી હતી.

એક દિવસ બે માછીમારો તે તળાવ આગળ આવી પહોંચ્યા. તેએ માંહોમાહ્ય કહેવા લાગ્યાઃ–

“આવતી કાલે આપણે આ તળાવમાં જાળ નાંખીશું. પાણી પણ થોડુંં છે, એટલે ખુબ માછલાં હાથ લાગશે.”

તે સાંભળીને પહેલા નંબરની માછલીએ બધાં માછલાંઓને બોલાવીને કહ્યું:- “પેલા માછીઓએ શું કહ્યું તે તમે સાંભળ્યું ? કાલે તેઓ અહીં જાળ નાંખવાના છે. તો આપણે રાતનાજ કોઈ પાસેના તળાવમાં ચાલ્યા જઈએ.”

ત્રીજા નંબરની માછલી બોલી ઉઠી:–“હાહા, સાંભળ્યું, એમાં થઇ ગયું ? માછીઓ ભલે આવે. આપણા નશીબમાં જો જીવતા રહેવાનું હશે, તો કોઈ આપણને અહિં પણ મારી શકે તેમ નથી. અને આપણા નશીબમાં મરવાનુંજ નક્કી હશે, તો જ્યાં જઇશું ત્યાંથી પણ પકડાઇશું. માટે આપણે તો કાંઇ જતા નથી.”

પહેલા નંબરની માછલીએ ગુસ્સે થઇને કહ્યું:–“વાત શી કરે છે? હાથે કરીને મરવું છે? હું તો મ્હારે આ ચાલી.” એમ કહીને તે ત્યાં આગળથી તરતાં તરતી બીજા તળાવમાં જતી રહી. એવામાં એકાએક ત્યાં આગળ સૂર્યનું અજવાળું થયું. માછી આવી પહોંચ્યા. તેમનાં પગલાંનો અવાજ સાંભળીને બીજા નંબરની માછલી પણ ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે “હવે મારે પણ જવું જોઈએ.” તે એકદમ જીવ લઈને નાઠી, ને પાસેના તળાવમાં સહીસલામત પહોંચી ગઈ.

ત્રીજા નંબરની માછલી તો સુસ્ત થઈને પડીજ રહી હતી. ત્હેણે વિચાર કર્યો કે “માછીને એકવાર જાળ તો નાંખવા દે; પણ જાળ બાળ કોઈ નાંખવાનું નથી. એ તો ખોટી વાત.” એમ ધારીને તે ત્યાંની ત્યાંજ પડી રહી. એવામાં માછીઓએ ઓચીંતી જાળ નાંખી અને બીજાં માંછલાંઓ ભેગી તે પણ પકડાઈ ગઈ અને મરણ પામી. પહેલા અને બીજા નંબરની માછલીઓને કશી ઈજા થઇ નહિ.

સાર:–ઉદ્યોગીનુ નશીબ પણ ઉદ્યોગી રહે છે; અને આળસુનું નસીબ આળસુજ થઈ રહે છે. કહેવત છે કે જેવું વાવીએ તેવું લણીએ અને કરીએ તેવું પામીએ.