બાલ–પંચતંત્ર/ભોળો ગધેડો અને લુચ્ચો શિયાળ
| ← ખીલો ખેચનાર વાંદરાની વાત | બાલ–પંચતંત્ર ભોળો ગધેડો અને લુચ્ચો શિયાળ પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
કાગડાનું જોડું અને કાળો નાગ → |
કોઈ એક જંગલમાં કરાલકેસર નામનો એક સિંહ રહેતો હતો. તે એક દિવસ માંદો પડ્યો. ત્યારે તેણે પોતાના શિયાળ મન્ત્રીને આ પ્રમાણે કહ્યું:–“અરે ભાઈ ! આજે મ્હારાથી બહાર જઈ શકાય તેમ નથી, તું જઈને મ્હારે સારૂ કાંઇક ખોરાક તો લઈ આવ.”
તે ઉપરથી શિયાળ એને સારૂ શિકાર લઈ આવવાને નીકળી પડ્યો. રસ્તે જતાં તેને એક ગધેડો મળ્યો. તેણે ગધેડાને નમનતાઈથી કહ્યું:–“મામા ! નમસ્કાર ! ઘણે દહાડે નજરે પડ્યા. આવા દુબળા કેમ થઇ ગયા છો?”
ગધેડાએ જવાબ દીધો:–“ભાણીઆ ! શું કહું ! મ્હારો શેઠ ઘણોજ નિર્દય છે. મ્હારી પાસે સખ્ત મજુરી કરાવે છે; પણ મ્હને ખાવાનાં ફાંફાં પડે છે. હું ધોબીનો ગધેડો છું, મ્હારે સખ્ત બોજો ઉંચકવો પડે છે. મ્હને ઘાસનો એક પૂળો પણ કોઈ નાંખતું નથી. ઘાસ કપાઈ રહ્યા પછી ધૂળવાળા મુરાડીઆ ખાઈને હું રહું છું. તેથીજ મ્હારા આવા હાલ થયા છે.”
શિયાળ બોલ્યો:–“મામા ! અફસોસની વાત છે ! આમ શું કરવા દુઃખ વેઠો છો ? ચાલો ! મ્હારી સાથે, મીઠા રસનું ભરેલું સુંદર લીલુંછમ જેવું ઘાસ એક જગોએ છે. ત્યાં આપણે જઈએ. ચાલો, હું તમને બતાવું.”
તે પછી શિયાળ આગળ ચાલ્યું અને ગધેડો તેની પાછળ પાછળ જવા લાગ્યો. એમ કરતાં તે સિંહના મુકામ પાસે આવી પહોંચ્યો. ગધેડાને જોતાંવારને સિંહે તેના ઉપર કૂદકો માર્યો. ગધેડાએ તે ધમાકો સાંભળ્યો અને જીવ લઈને નાઠો.
શિયાળ બોલ્યો:–“અરેરે! તમે શું આવા નબળા છો? તમારાથી ગધેડાનો પણ શિકાર થઈ શકતો નથી !”
સિહ કાંઇપણ બોલ્યો નહિ. તે ઘણોજ ઝંખવાઈ ગયો હતો.
“હું ફરીથી એ ગધેડાને તમારી પાસે લઇ આવીશ,” શિયાળે કહ્યું; “આ વખત એનો શિકાર કરતાં ચુકતા નહિ.”
શિયાળ ફરી ગધેડા પાસે ગયો અને તેને કહેવા લાગ્યો:–“કેમ, મામા! મ્હને કહ્યા વગર નાસી ગયા?”
ગધેડાએ જવાબ દીધો:–“મોટો ધમાકો સાંભળીને હું બીધો.”
શિયાળ બોલ્યો:–“અરે, જાઓ મ્હારા ભાઈ! આમ ધબાકાથી તે બ્હી જવાય ? સમજુ માણસ કદી એકલા અવાજથી ડરતો નથી. તમે નહિ આવો, તો હું તમને ઘાસ શી રીતે બતાવી શકીશ ?”
ગધેડાએ કહ્યું:–“ચાલો, આવું છું. મ્હને તે જગ્યા બતાવો.” એમ કહીને તે ફરી શિયાળની સાથે તેજ જગોએ ગયો. આ વખતે સિંહ એનો શિકાર કરવામાં ફાવ્યો. ગધેડાને જોતાંવારને તેણે જોરથી એને પોતાનો પંજો મારીને એના પ્રાણ લીધા. લુચ્ચા શિયાળની વાત લક્ષમાં લીધાથી ગધેડાએ જીવ ગુમાવ્યો, એણે વિચાર કરવાની તસ્દી લીધી નહિ. એજ એની મૂર્ખાઇ. પણ આટલેથીજ વાત પૂરી થતી નથી. શિયાળે પોતાના શેઠને પણ છેતર્યો હતો. સિંહને એણે આ પ્રમાણે છેતર્યો.
ગધેડાને મારીને સિંહ નદીએ નહાવા ગયો. તેના ગયા પછી શિયાળની ડાઢ સળકી આવી. મરેલા ગધેડાનું માંસ ખાવાને તે બહુ અધીરો થઇ ગયો તેથી એ ગધેડાના કાન અને કાળજાની ઉજાણી કરી ગયો. સિંહ જ્યારે પાછો આવ્યો, ત્યારે ત્હેણે પૂછ્યું:–
“આ ગધેડાનું કાળજું તથા કાન ક્યાં જતાં રહ્યાં ? કેમ જણાતાં નથી.”
શિયાળ બોલ્યો:–“હે રાજા ! એમ કેમ કહો છો. એને કાન અને કાળજું હતાંજ ક્યારે ? કાન કાળજાંવાળો ગધેડો હોય તે વળી બીજીવાર આવે ખરો? એ ગધેડો કાન કાળજા વિનાનો હતો; તેથીજ અહીં મરવાને આવ્યો.”
શિયાળનું વચન સિંહને ખરૂં લાગ્યું. બન્ને જણ સાથે બેસીને પેલા ગધેડાનું માંસ ખાઈ ગયા.
સાર:–હલકા માણસની સોબત કદી કરવી નહિ. જેને જેવો સંગ રંગ પણ તેવો બેસે, ભુંડાની સોબતથી આપણું ભુંડુંજ થાય. નીચ માણસો બધાને દગો દે છે. તેમને મન મિત્ર તથા શત્રુ બધાજ સરખા હોય છે. પોતાની મતલબને ખાતર તેઓ ગમે તેવું પાપ કરતાં અટકતા નથી. માટે દુર્જનથી સદા દૂરજ રહેવું.